'રાજા સુપડકન્નો' એ  બાળપણની મારી સૌથી પ્રિય ગુજરાતી  વાર્તાઓમાંની એક છે. મેં તે પહેલવહેલી વાર મારી મા પાસેથી સાંભળી હતી. આગળ જતાં, મેં તેના ઘણા પાઠ  જોયા , હું જાતે વાંચતી થઇ ત્યાર બાદ મેં એ જ વાર્તા વાંચી હતી ગીજુભાઈ બધેકાના બાળકો માટે ટૂંકી વાર્તાઓના પુસ્તકમાં. બધેકાના પુસ્તકમાં  તેમણે વિશ્વભરની ઘણી લોક કથાઓના  ગુજરાતી અવતરણ કરેલા,  જેમાં  કદાચ રાજા મિદાસના ગધેડાના કાનની વાર્તા પરથી રાજા સુપડકન્નો આવેલી.

આ વાર્તામાં એક વાર જંગલમાં ભૂલો પડેલો, ભટકતો રાજા એની ભૂખ સંતોષવા એક ચકલીની ગરદન મરડીને એને ઓહિયાં કરી જાય છે જેને કારણે તને શાપ મળે છે ને તેના કાન સૂપડાં જેવા થઇ જશે. શરમનો માર્યો રાજા એની પ્રજાની પારખુ નજરોથી બચવા ઘણા દિવસો સુધી પોતાના કાન જાત જાતની પાઘડીઓ અને મફલરની આડમાં સંતાડ્યા કરે છે. તે બને ત્યાં સુઘી મહેલની બહાર સુદ્ધાં નીકળતા નથી. પરંતુ એક સમય એવો આવે છે કે રાજાની વધતી જતી દાઢી ને બેફામ વધતા વાળને રોકવા વાળંદને બોલાવ્યા સિવાય છૂટકો જ નથી.

વાળંદ તો રાજાના કાન જોઈને વાળંદને  ચોંકી જાય છે અને રાજાના મનમાં ભય પેસે છે કે હવે એના સૂપડા જેવા કાનનું શરમજનક રહસ્ય ચારેતરફ ફેલાઈ જશે. શક્તિશાળી શાસકે ત્યારે આજ્ઞાકારી વાળંદને ધમકી આપી કે જો એ કોઈની સાથે આ વિશે વાત કરશે તો એના હાલ બેહાલ થશે. પરંતુ વાળંદનો સ્વભાવ તો રહ્યો ચોવટિયો, એ ક્યાં કોઈના રહસ્યોને સંઘરવાનો પેટમાં?  રાજાના હજામથી આ રહસ્ય જીરવતું નોહતું અને તેથી એક દિવસ એણે સૂમસામ જંગલમાં એક વૃક્ષના કાનમાં જઈ ને કહ્યું કે "રાજા સુપ્પડકન્નો છે.

એ પછી જંગલમાં લાકડાં કાપવા આવેલો કઠિયારો ઝાડ કાપવા ગયો તો ઝાડ ગાવા લાગ્યું "રાજા સુપ્પડકન્નો..રાજા સુપ્પડકન્નો." કઠિયારાએ એ જાદુઈ લાકડું ઢોલ બનાવનાર કારીગરને વેચ્યું. એણે એમાંથી જે ઢોલ બનાવ્યું તે એવું કે એની ઉપર હથેળી અડકાડો ત્યાં એ ફરી એ  જ ગીત ગાવા લાગે ,  "રાજા સુપ્પડકન્નો..રાજા સુપ્પડકન્નો." કારીગરે એ ઢોલ ઢોલીને વેચ્યું. એક વાર એ ઢોલીને  નગરમાં ફરી ઢોલ વગાડતો જોઈ રાજાના સિપાઈઓએ એને પકડી લીધો ને સીધો લઇ ચાલ્યા રાજા સમક્ષ... મને યાદ છે વાર્તા આમ થોડી વધુ આગળ ચાલ્યા કરી ને અંતે રાજાને સમજાયું કે એના પાપોમાંથી મુક્ત થવા માટે એક જ ઉપાય છે અને તે છે નગરના છેવાડે પક્ષીઓ માટેનું એક અભયારણ્ય બનાવવું.

સાંભળો પ્રતિષ્ઠા પંડ્યાનું પઠન ગુજરાતીમાં

સાંભળો પ્રતિષ્ઠા પંડ્યાનું પઠાણ અંગ્રેજીમાં

રાજા સુપ્પડકન્નો

ચૂપચાપ રહેવાનું, કોઈને કહેવાનું નહીં
કે રાજા સુપ્પડકન્નો
વાતોએ હવામાં આમ વહેવાનું નહીં
કે રાજા સુપ્પડકન્નો

કાલે તો જોઈ'તી આજ ચકલીઓ ગઈ કંઈ?
એમ ઊંચા અવાજે કોઈને પૂછવાનું નહીં
કોને નાખી'તી અહીં અદ્રશ્ય કોઈ જાળ?
કોને ફસાવવા કોણે વેરી'તી જાર?
જ્યાં ત્યાં આમ કાવતરું ભાળવાનું નહીં
કે રાજા સુપ્પડકન્નો

ચકલીઓને જો તમે કરો દેશ પાર
માળા ને ઝાડ ને જંગલ ને ખેતોની પાર
તો જીવન પર, ગીતો પર, ગાવા પર,
પાંખના ફફડાવા પર હક એનો રહેવાનો કે નહીં?
એમ પૂછી પૂછી હલ્લો બોલાવવાનો નહીં
રાજની સામે ચકલીઓ  શું ચીજ છે
ચકલીઓ બચાવો,રાજા હટાવો
એવા ખોટો ખોટો નારો લગાવવાનો નહીં
કે રાજા સુપ્પડકન્નો

સાક્ષી છું હું કહે છે ઝાડનું એ પાન
મારું ના માને તો આ આભનું તો માન
રાજા એ લીધા છે ચકલીના પ્રાણ
સાંભળ્યાં છે મેં એના પેટમાં કંઈ ગાન
કહે હવા હવે તો મારું માન, મારું માન
લોકોનું કહ્યું બધું કંઈ સાંભળવાનું નહીં
આંખોથી જોઇએ છો, માનવાનું નહીં
ને માનો તો માનો પણ વિચારવાનું નહીં
કે રાજા સુપ્પડકન્નો

આ તે કેવો રાજા, ને કેવો આ દેશ
ભૂખ્યાંનો બેલી ધરે ભક્ષકનો વેશ
એવી નક્કામી પંચાતમાં પડવાનું જ નહીં
જાત સાથે રોજ રોજ ઝગડવાનું નહીં
અલા, દીવાલો હોય તો હોય બધે ફાટ
એ ફાટ દેખી કે ઊંડા ઊતરવાનું નહીં
સતનાં તો હોય ગામ ગામ ડેરા સાત
એના પગલાંની હોય રોજ બદલાતી ભાત
એની પાછળ આમ આપણે ભટકવાનું નહીં
મૂંગા ઝાડવાની આગળ પણ બોલવાનું નહીં
ગીત એનું નગારે ગજવવાનું નહીં
કે રાજા સુપડકન્નો

અરે, હું તો કહું છું ચકલી ને ઝાડની વાત બધી છોડો
આખા જંગલ સામે જ તમારે જોવાનું નહીં
અને જોયું તો જોયું, સમજો
પણ કવિતામાં તો ખમૈયા કરો મારા બાપ,
ભૂલથી ય કોઈ દિવસ લખવાનું નહીં
કે રાજા સુપ્પડકન્નો
કે રાજા સુપ્પડકન્નો

Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya
Illustration : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi