શાન્તિલાલ, શાન્તુ, ટીણિયો : એક વ્યકતિનાં ત્રણ નામ. ભાવ પ્રમાણે નામ બોલાતાં રહે. આપણે શાન્તુ કહીશું. શાંતુ સાબરકાંઠા જિલ્લાના વડાલી ગામનો, ને લોકબોલી પ્રમાણે ત્યાં શૉન્તુ, એટલે આપણે પણ એને શૉન્તુ કહીશું. શૉન્તુ ગજબનું પાત્ર. ગજબ એટલે વિલક્ષણ, અનેરું, પ્રસિદ્ધ વગેરે વિશેષણવાળું નહીં, પણ મર્યાદા, ખૂબી, ગરીબી, ભૂલો, દલિત હોવાના કારણે વેઠતું, પીડાતું, મૂંઝાતું, ને એવું ઘણું બધું પ્રગટ-અપ્રગટ કરતું પાત્ર. ક્યારેક તો એવું લાગે કે એનું કોઈ અસ્તિત્વ જ નથી, તો ક્યારેક લાગે કે સામાન્ય માણસમાં જેટલું કલ્પી શકાય એટલાથી ભર્યું ભર્યું માત્ર અસ્તિત્વવાળું પાત્ર.

માબાપ, બે મોટાં બહેન-ભાઈ, એક નાનીબહેન : કુલ પાંચ સભ્યો અને ગરીબી વચ્ચે શૉન્તુનો ઉછેર. ઈચ્છા છતાં કુટુંબની જરૂરિયાતો ઓછી. કમાવવાનું ને ખાવાનું એટલી કુટુંબની કમાણી. માબાપ કમાય ને ઘર ચાલે, ભાઈબહેન પણ ક્યારેક મદદ કરે. બાપ મેટાડોરના ડ્રાઈવર. પેસેન્જર બેસાડવાનું બાપને ગમતું નહીં એટલે મર્યાદિત બાંધી આવક. મા મજૂરી કરે, ઘણી વાર મળે તો ક્યારેક ના જાય. બાપને વ્યસન નહીં એટલે કુટુંબમાં કંકાસ નહીં એટલું સુખ શૉન્તુએ માણ્યું, પણ આ સુખની સમજ શૉન્તુને પાછળથી આવી. સમજ પહેલાં અભાવે શૉન્તુને ઘણી વેદના આપી છે. વડાલીની શારદા હાઈસ્કૂલમાં શૉન્તુ ૯મા ધોરણમાં ભણે. ત્યારે વડાલીમાં સરકસ આવેલું. સરકસની ટિકિટ વધારે, પણ વિદ્યાર્થી માટે પાંચ રૂપિયા. પૈસા સ્કૂલમાં જ આપવાના હતા. શૉન્તુએ ન આપ્યા. શિક્ષિકાએ શૉન્તુને ઊભો કર્યો. પ્રેમથી પૈસા ન આપવાનું કારણ પૂછચું. ‘બેન, મારા બાપા હાલમઅ્ બીમાર સ, ન મારી મધર જીનમ્ કૉમે જાય સ. ઇના પગારની વાર સ એકઅ્ હાલ પૈસા મલ ઇમ નથી’ કહેતાં કહેતાં શૉન્તુ રડી પડેલો. બીજે દિવસે શૉન્તુના કલાસમાં ભણતી કુસુમ પઠાણે શૉન્તુને દસ રૂપિયા આપ્યા. ત્રીજા દિવસે કુસુમે શૉન્તુને દસ રૂપિયા વિશે પૂછ્યું. શૉન્તુનો નિખાલસ જવાબ : ‘પૉંસ રૂપિયા સરકસ જોવા આલ્યા નઅ્ બીજા પૉંસ રૂપિયા ઘરમંઅ્ વાપરવા આલ્યા.’ કુસુમે ‘રમઝાનમંઅ્ પુન મલતું’ હોવાથી દસ રૂપિયા શૉન્તુને આપ્યા હતા. કુસુમ, રમઝાન, શૉન્તુ ને સરકસ કેવો નિર્દોષ જોગ!

અગિયારમા ધોરણમાં કાચું ઘર પાકું બનાવવાનું આવ્યું. પાકું ઘર એટલે માત્ર ઈંટ ને સિમેન્ટનું ઘર, પ્લાસ્ટર વગેરે નહીં. ઘર બનાવવા માટે માત્ર એક જ કડિયો રોજ ૫૨ રાખ્યો. બાકી બધી મજૂરી આખું ઘર કરે. ઘર બનાવવાનું કામ લાંબું ચાલ્યું. એવામાં અગિયારમા ધોરણની પરીક્ષા ઢુકડી આવી. શૉન્તુની હાજરી ખૂટી. શૉન્તુએ આખી વાત આચાર્યને કહી. આચાર્ય માની ગયા ને શૉન્તુને પરીક્ષા આપવા મળી.

શૉન્તુ બારમામાં આવ્યો. શૉન્તુએ સારા ટકા લાવવાની હામ ભીડી. હામ ભીડીને મહેનત કરવા લાગ્યો. મહેનતનો રંગ બરાબર પકડાયો ત્યાં તો માને બીમારી આવી પડી. બીમારી ધીમે ધીમે વધવા લાગી. છેવટે મા મૃત્યુ પામ્યાં. માના મરણનો આઘાત અઢાર વર્ષના શૉન્તુ માટે કપરો થઈ પડ્યો. શૉન્તુને ‘મગજ પર બોજ થવા લાગ્યો.' માના મૃત્યુ ને પરીક્ષા વચ્ચેનું અંતર વધારે હતું નહીં. શૉન્તુએ મહેનતમાં મન પરોવવાનો પ્રયત્ન કર્યો, પણ બહુ ફાવ્યો નહીં.  બારમામાં ૬૫ ટકા આવ્યા. બારમા ધોરણના અભ્યાસ પછી શૉન્તુએ આગળ ભણવાનો વિચાર ટાળ્યો.

શૉન્તુને વાંચવાનો શોખ. ગામના સાર્વજનિક પુસ્તકાલયમાં શૉન્તુ વાંચવા જાય, પુસ્તકો ઘરે લાવીને પણ વાંચે. વાંચનનો શોખ જોઈ એક મિત્રે ‘હારાં હારાં પુસ્તકો વૉંચવા મલ હે'ની લાલચ આપી શૉન્તુને વડાલી આર્ટ્સ કોલેજમાં શૉન્તુને મુખ્યવિષય ઈતિહાસ સાથે ઍડમિશન લેવડાવ્યું. શૉન્તુ માત્ર પુસ્તકો લેવા-આપવા માટે જ કોલેજમાં જતો. બાકી જીનિંગમાં કામે જવાનું, પુસ્તકો વાંચવાનાં ને સાંજ પડે થોડું રખડવાનું પણ ખરું. આમ કરતાં કરતાં શૉન્તુએ પ્રથમ વર્ષ બી. એની પરીક્ષા આપી. શૉન્તુએ ૬૩ ટકા મેળવ્યા. શૉન્તુનું પરિણામ જોઈને સાહેબે નિયમિત આવવાની વાત કરી. શૉન્તુને અભ્યાસમાં રસ પડવા લાગ્યો. શૉન્તુનું ટી. વાય. બી. એ.નું વર્ષ હતું. આ વરસે આર્ટ્સ કોલેજ, વડાલીએ પુસ્તકવાંચન માટે શ્રેષ્ઠ વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપવાનું નક્કી કર્યુ. આ પ્રમાણપત્ર શૉન્તુના નામનું બન્યું. અધ્યાપકોને તો આશ્ચર્ય થયું, ‘વળી, શાન્તિલાલ કયા ટાઈમે લાઈબ્રેરીમાં જતો ને પુસ્તકો લેતો!’ શૉન્તુએ વર્ષ ૨૦૦૩માં ૬૬ ટકા સાથે ટી. વાય. બી. એ. પાસ કર્યું.

PHOTO • Shantilal Parmar
PHOTO • Shantilal Parmar

ડાબે: શેરી જ્યાં શોન્તુનું ઘર છે. જમણે: શોન્તુ બિલ્ડિંગના ઉપરના માળે રહે છે. આ એ જ ઘર છે જે પરિવારે ઈંટો અને સિમેન્ટથી બનાવ્યું હતું જ્યારે તે  ધોરણ 11માં હતો. જો કે આપણે જે પ્લાસ્ટર જોઈએ છીએ તે ઘણું પાછળથી આવ્યું હતું

વિસનગરમાં એમ. એ.નો અભ્યાસ શરૂ કર્યો. સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો. એમ. એ.ના પ્રથમ વર્ષમાં ૫૯ ટકા આવ્યા. ૬૦ ટકા ન આવવાના કારણે બીજા વરસે નિયમ પ્રમાણે શૉન્તુને સરકારી છાત્રાલયમાં પ્રવેશ ન મળ્યો. શૉન્તુએ હવે વડાલીથી વિસનગર અપ-ડાઉન શરૂ કર્યું. દિવાળી સુધી અપ-ડાઉન સમુંનમું ચાલ્યું. દિવાળી પછી અડચણોએ ભોડાં બહાર કાઢ્યાં. શૉન્તુના બાપા બૅન્કમાંથી લોન લઈને ટેમ્પો લાવ્યા હતા. કામ બહુ ઓછાં મળવાને કારણે લૉનના હપતા ન ભરવાનું તો ઠીક ઘરખર્ચ પણ નીકળતો નહીં. શૉન્તુના મોટાભાઈ રાજુ દરજીકામ કરીને ઘર ચલાવતા, ને શૉન્તુને અભ્યાસ માટે મદદ પણ કરતા. મોટાભાઈની ટેકાભાવનાથી શૉન્તુ ખચકાતો. ખચકાટનું પરિણામ એ આવ્યું કે શૉન્તુએ કોલેજમાં નિયમિત જવાનું છોડી દીધું. શૉન્તુ હવે માર્કેટમાં રૂ ભરવાનું કામ શરૂ કર્યું. શૉન્તુ એક દિવસમાં ઓછામાં ઓછા ૧૦૦ ને વધુમાં વધુ ૨૫૦ રૂપિયા કમાવા લાગ્યો. (આ રોજગારી મોસમી હતી.) કામ કરતાં, ન કરતાં માર્ચ મહિનો આવ્યો. પૂરતી હાજરીના અભાવે શૉન્તુને પરીક્ષામાં વાંધો આવે એવી જાહેરાત થઈ. શૉન્તુ ને મિત્રોની રજૂઆતથી વાંધો વાસ્તવિક ન બન્યો. એમ. એ.માં શૉન્તુને ૫૮.૩૭ ટકા આવ્યા. શૉન્તુને એમ. ફિલ. કરવાનો વિચાર આવ્યો, પણ ખર્ચના ભયે શૉન્તુના વિચારની કમર ભાંગી નાખી.

એક વર્ષના અંતરાલ પછી ફેબ્રુઆરીમાં બી. એડ્.ના અભ્યાસ માટે શૉન્તુએ ફોર્મ ભર્યું. વિસનગરની બી. ઍડ્. કોલેજમાં શૉન્તુને પ્રવેશ મળ્યો. પ્રવેશ મળતાં મોટાભાઈ રાજુ ત્રણ ટકાના વ્યાજે ૭૦૦૦ રૂપિયા ઉછીના લાવ્યા. આ પૈસાથી શૉન્તુએ બી. એડ્.ની ૩૫૦૦ રૂપિયા પ્રવેશ-ફી ને ૨૫૦૦ રૂપિયા કમ્પ્યુટર વિષય (આ વિષય ફરજિયાત હતો)ની ફી ભરી. બાકીના ૧૦૦૦ રૂપિયા અન્ય ખર્ચ માટે પાસે રાખ્યા. વિસનગરની એ જ સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો. આમ, વિસનગરમાં શૉન્તુના અભ્યાસનું ત્રીજુ વર્ષ શરૂ થયું. શૉન્તુ ઘરની કટોકટીથી પૂરેપૂરો વાકેફ હતો ને વ્યથિત પણ. એકવાર તો મોટાભાઈને ફૉન કરીને ભણવાનું છોડી દેવાની વાત કરી ત્યારે મોટાભાઈના, ‘કટોકટીમાં રહેતા હીખ ! ઘરની ચિંતા કર્યા વગણ ભણવામોં મન લગાય ! જોતજોતાંમઅ્ વરહ પૂરું થઈ જ઼હે. ભગવાન કરહે તો બી. ઍડ્. પૂરું થયા પહી તનઅ્ નોકરી પણ મલી જહે.’ શબ્દો કામ કરી ગયા. શૉન્તુ આશાથી ચિક્કાર ભરાઈ ગયો. આશાના ઊંજણથી હખેદખે શૉન્તુનું ભણતર-ગાડું ઉનાળો વટાવી ગયું. શિયાળો આવ્યો. શિયાળામાં શૉન્તુના બાપા બીમાર પડ્યા. બીમારી પણ એવી કે કમાણી છેડો ફાડીને ભાગી ગઈ. હવે, શૉન્તુના ભણતરનો બધો ખર્ચ મોટાભાઈ પર આવી પડ્યો. શૉન્તુને આ અંદરથી ખૂંચતું. વળી, બી. ઍડ્.માં તો અભ્યાસ ને ખર્ચ સાથે જ ચાલે, બંનેની એવી પાક્કી મિત્રતા કે એકબીજા વિના રહી ન શકે. શૉન્તુનું ગાડું બરાબર ખોડંગાતું હતું ત્યાં જ મોટો ખાડો આવ્યો. ઇન્ટરશિપ અને સાક્ષરતા અભિયાન માટે શૉન્તુને દસ દિવસ માટે વિસનગર તાલુકાનાં બોકરવાડા ને ભાન્ડુ ગામે જવાનું થયું. રહેવાની વ્યવસ્થા તો બોકરવાડાની પ્રાથમિક શાળામાં થવાની હતી, પણ જમવાના ખર્ચનો પ્રશ્ન આવ્યો. મોટાભાઈ પાસે પૈસા માગવાનું શૉન્તુને ખૂંચતું એટલે કોલેજમાં સેવા આપતા મહેન્દ્રસિહ ઠાકોર પાસેથી ૩૦૦ રૂપિયા ઉછીના લીધા. ‘ગૉમમંઅ્ રેતા એક પૂજારીન્ પૂસ્યું. પૃજારીએ કીધું કઅ્ મું તમનઅ્ ખાવાનું બનાઈ આલું, પણ એક ડિશના પચ્ચી રૂપિયા લયે. પૂજારીના તોં અમે મિત્રોએ ચાર દાડા ખાધેલું. મેં બે દાડા અપ્પા (ઉપવાસ) કરેલો, ચમ કઅ્ મું બે દાડા અપ્પા કરું તો ૫ચ્ચી દુના બે એકઅ્ પચા રૂપિયા બચે.’ શૉન્તુએ પચાસ રૂપિયા બચાવ્યા. બીજા પાંચ દિવસ હવે બાજુના ભાન્ડુ ગામમાં જવાનું હતું. ત્યાં રહેવાની વ્યવસ્થા થઈ શકી નહીં એટલે પાંચ દિવસ બોકરવાડાથી ભાન્ડુની અવરજવર વગર છ્ટકો નહોતો. રોજનું ભાડું દસ રૂપિયા થતું. શૉન્તુએ મહેન્દ્રસિંહ પાસેથી બીજા ૨૦૦ રૂપિયા ઉછીના લીધા. ભાન્ડુની ઍન્જિનીયરિગ કોલેજમાં જમવાનું ગોઠવ્યું. અહીં પણ એક ટંકના પચીસ રૂપિયા હતા. શૉન્તુ પાસે પૂરતા પૈસા હતા નહીં. શૉન્તુએ અહીં પણ બે દિવસ ઉપવાસ કર્યા. મિત્રોને આ ગમતું નહીં. એટલે એક રસ્તો શોધી કાઢ્યો, ‘શોન્તિલાલ, અમે બધાએ પોંસ દિવસના ખાવાના પૈસા પેલેથી આલી દીધા સ. તું એકલો જ ખઈન પૈસા આલવા જાય સ. અમે ખઈન નેકરીએ સીએ તો અમનઅ્ કોય પૂસતા નહિ, એકઅ્ તું પણ અમારી ભેરો ટોરામઅ્ બેહજે ! અનઅ્ ખઈન અમારી ભેરો નેકરી જજે ! મેં એમની વાત મૉની અનઅ્ બે દાડા પૈસા આલ્યા વગણ ખઈ લીધું.’ કમને આવું કર્યાં છતાં ‘સ્કોલરશિપ આયહે તાણઅ્ પૈસા આલી દયે'ના વાયદે કોલેજના અધ્યાપક એચ. કે. પટેલ પાસેથી ૫૦૦ રૂપિયા શૉન્તુને ઉછીના લેવા પડ્યા. કારણ કે ભાન્ડુની સ્કૂલના શિક્ષકોને રોજ નાસ્તો કરાવવો પડતો, ને બીજા ખર્ચ પણ ખરા ને !

PHOTO • Shantilal Parmar
PHOTO • Shantilal Parmar

વડાલીની એ શેરીઓ જે શોન્ટુ સારી રીતે જાણે છે, જે તે દરેક વખતે શાળા અને પછી કૉલેજમાં જતા એ અહીંથી જ પસાર થયો છે

એચ. કે. પટેલે શૉન્તુને એક દિવસ સ્ટાફ રૂમમાં બોલાવ્યો. શૉન્તુના બાપા વધારે બીમાર છેની વાત કરી, ૧૦૦ રૂપિયા આપી તાબડતોબ ઘરે જવાનું કહ્યું. શૉન્તુ ઘરે પહોંચ્યો તો ‘ધરના બધા મારી વાટ જોઈ રયા'તા. તેમણે મને ઝટ ઘરમઅ્ લઈ જઈન ફાધરનો ચહેરો બતાડ્યો અનઅ્ ફાધરની ઠાઠરી તૈયાર કરી દીધી.’ હવે શૉન્તુના ઘર પર મોટી આફત આવી. સમાજમાં એવો નિયમ કે માબાપમાંથી કોઈ એકના મૃત્યુટાણે બારમુ કરવું પડે. બારમાનો ખર્ચ ઓછામાં ઓછો ૪૦૦૦૦ રૂપિયા તો આવે જ. શૉન્તુનાં માનું બારમુ તો કરી શકાયું નહોતું એટલે આ વખતે બારમું જરૂરી હતું. સમાજને ભેગો કરવામાં આવ્યો. કેટલાક આગેવાનોએ રજૂઆત કરી કે, ‘છોરાંઓ નૉનાં સ. એક ભઈ ભણઅ્ સ અનઅ્ બીજો ભઈ ઘરની જવાબદારી હંભાર સ. ઘરની જવાબદારી એકના મૉથે હોવાથી બારમાનો ખર્ચ કરી હક ઇમ નથી (રજૂઆતનો સાર)’ ને શૉન્તુના ઘર ૫૨થી મોટી આર્થિક ઘાત ટળી ગઈ.

બી. ઍડ્. (૭૬ ટકા) પૂરું કર્યાં પછી શૉન્તુએ નોકરીના પ્રયત્નો કર્યાં. પ્રયત્નો કરતાં કરતાં ચોમાસુ આવી ગયું. ચોમાસામાં ભાઈના દરજીકામમાં પણ મંદી આવે 'એટલે મુંએ નોકરીનું સપનું મૉંડી વાર્યુ, અનઅ્ ખેતીકૉમમોં લાગી જયો.’ શૉન્તુએ નોકરી માટેના પ્રયત્નો છોડી દીધા તેનું કારણ શરૂ થયેલી સેલ્ફફાઇનેન્સ બી. ઍડ્ર. કોલેજો. સેલ્ફફાઇનેન્સ કોલેજોના વિઘાર્થીઓનું મેરિટ ઊંચું હોય. તેની સામે શૉન્તુ કેવી રીતે ટકી શકે ? એક જગ્યા માટે ઉમેદવારોની ખાસ્સી સંખ્યા શૉન્તુની અકળામણમાં ખાસ્સો વધારે કરતી. વળી, ડૉનેશનની જડ પરંપરા તો ખરી જ.

શૉન્તુ હવે રસ્તો બદલે છે. કમ્પ્યુટરમાં હાથ અજમાવે છે. વિજયનગરની પીં.જી.ડી.સી. ટૅક્નિકલ કોલેજમાં પી.જી.ડી.સી.માં (એક વર્ષનો કોર્સ) પ્રવેશ મેળવવાનો પ્રયત્ન આરંભે છે. મૅરિટમાં શૉન્તુનું નામ આવે છે. શૉન્તુ વડાલીથી બે કિલોમીટર દૂર આવેલા કોઠીકંપાના ચિંતન મહેતાને મળે છે. ચિંતન મહેતા કૉલેજના ટ્રસ્ટીને વાત કરે છે. ટ્રસ્ટી સ્કૉલરશિપમાંથી ફીના પૈસા લેવાની વાત સાથે સંમત થાય છે. શૉન્તુ બીજા દિવસે વિજયનગર જાય છે. કારકૂનને સઘળી વિગત જણાવે છે. કારકૂન ‘વહીંવટ અમારે ચલાવવાનો છે' કહી ના પાડે છે. ત્રણ દિવસ સુધી ફી ન ભરવાના કારણે શૉન્તુનું નામ મૅરિટમાંયી નીકળી જાય છે. શૉન્તુ આશા છોડતો નથી. કારકૂન પાસેથી જાણી લે છે કે નવી સીટોની મંજૂરી માંગી છે. નવી સીટો મંજૂર થાય ત્યાં સુધી ક્લાસમાં બેસવાની શૉન્તુ પરવાનગી માગે છે. પરવાનગી મળે છે. ઍડમિશન વગર શૉન્તુ રોજ વડાલીથી વિજયનગર અવરજવર કરે છે, રોજનું પચાસ રૂપિયા ભાડું. અહીં મિત્રો વહારે આવે છે. મિત્રો કારકૂનને શૉન્તુના બસ કન્સેસન ફોર્મમાં સહીસિક્કા માટે વિનંતી કરે છે, કારકૂન ના પાડે છે, વિનંતી કરે છે, ના પાડે છે, વિનંતી કરે છે, છેવટે માની જાય છે. મિત્ર શશીકાન્ત્ત પાસ માટેના ૨૫૦ રૂપિયા આપે છે. પ્રવેશની આશાએ શૉન્તુ દોઢ મહિનો અવરજવર કરે છે. એક દિવસ શૉન્તુને પાક્કી ખાતરી થઈ જાય છે કે નવી સીટોની મંજૂરી મળવાની નથી. શૉન્તુ અવરજવર બંધ કરે છે. શૉન્તુ પાછો મજૂરીએ વળગે છે. મોરડ ગામમાં ખેતમજૂરીનો એકાદ મહિનો થાય છે. ભાદરવી પૂનમ નજીક આવતાં વડાલીમાં આવેલા રેપડીમાતાના મંદિર પાસે રોડ પડખે મોટાભાઈ સાથે શૉન્તુ કપડાંનો નાનકડો ધંધો શરૂ કરે છે. પૂનમના ત્રણ દિવસ બાકી હોય છે ત્યારે અંબાજી ચાલતો જતો મિત્ર શશીકાન્ત્ત શૉન્તુને મળી જાય છે. શશીકાન્ત જણાવે છે કે, ‘શૉન્તિલાલ, ઘણા [વેઘાર્થીઓ હમજણ નીં પડવાના કારણે ફી પાસી લઈન્ જતા રિયા સ, એટલઅ્ વિઘાર્થીની ઘટ પડવાના લીધે તનઅ્ પ્રવેશ મલી જહે.’ બીજા દિવસે શૉન્તુ વિજયનગર જઈ કારકૂનને વાત કરે છે. કારકૂન ફીનું પૂછે છે. શૉન્તુ કપડાંના ધંધામાંથી મળેલા નફાના ૧૦૦૦ રૂપિયા આપે છે. બાકીના ૫૨૦૦ રૂપિયા ‘દિવાળી હુધી કોક કરહું’ કહી શૉન્તુએ પ્રવેશ મેળવી લે છે. પ્રવેશના પંદર દિવસ પછી પ્રથમ સેમિસ્ટરની ઇન્ટરનલ પરીક્ષા આવી. મહેનતના અભાવે શૉન્તુ નાપાસ થયો. સાહેબો પણ જણાવવા લાગ્યા કે તમે મોડા આવ્યા છો તો શું કામ પૈસા બગાડો છો ? તમારાથી કશું થશે નહીં. શોન્તુ હારતો નથી. વડાલીના હિમાંશુ ભાવસાર, ગજેન્દ્ર સોલંકી ને ઇડરના શશીકાન્ત પરમાર આ ત્રણ મિત્રોની મદદથી શૉન્તુ કોર્સ કવર કરે છે. પ્રથમ સેમિસ્ટરની ફાઈનલ પરીક્ષામાં ૫૦ ટકા લાવે છે. સાહેબો તો આ માનવા જ તૈયાર નથી, પણ પરિણામ તેમની સામે હોય છે.

PHOTO • Labani Jangi

શોન્ટુ નિષ્ફળ ગયો. તેની જરાય તૈયારી નહોતી. તેના શિક્ષકોએ તેને પૈસા બગાડવાની સલાહ આપી કારણ કે તે કોર્સમાં મોડો જોડાયો હતો. તેઓએ કહ્યું કે તે તેને સાફ કરી શકશે નહીં. પણ શોન્તુએ આશા છોડી ન હતી

હવે બીજું સેમિસ્ટર શરૂ થાય છે. આ સેમિસ્ટરની ફી ૯૩૦૦ રૂપિયા. પ્રથમ સેમિસ્ટરના ૫૨૦૦ રૂપિયા તો બાકી, એટલે શૉન્તુને કુલ ૧૪૫૦૦ રૂપિયા ભરવાના આવ્યા. શૉન્તુ આટલા રૂપિયા ભરી શકે એમ છે નહીં. ભલામણ, વિનંતીથી ગાડું છેક બીજા સેમિસ્ટરની ફાઈનલ પરીક્ષા સુધી આવી જાય છે. પણ હવે ફી ભરવી ફરજિયાત હતી. શૉન્તુ બરાબર તાણમાં આવી જાય છે. કોઈ રસ્તો સૂઝતો નથી. છેવટે એક રસ્તો સૂઝે છે, સ્કોલરશિપ. કારકૂનને મળે છે. સ્કોલરશિપ આવે ત્યારે તેમાંથી ફી કાપી લેવીની વાત કરે છે. કારકૂન માંડ માંડ સંમત થાય છે, પણ એક શરત સાથે. વિજયનગરની દેના બૅન્કમાં ખાતું ખોલાવી કોરો ચેક આપો તો ! શૉન્તુ બૅન્કમાં ખાતું ખોલાવી શકતો નથી, કારણ કે શૉન્તુ પાસે ખાતું ખોલાવવાના ૫૦૦ રૂપિયા નથી. શૉન્તુનું ખાતું બરોડા બૅન્કમાં છે. તેનો ચેક પણ આપી શકતો નથી. અહીં કારણ એટલું કે ખાતામાં માત્ર ૭૦૦ રૂપિયા હોવાથી બૅન્ક શૉન્તુને ચેક બૂક આપતી નથી. હવે શું કરવું ? ઓળખીતા રમેશભાઈ સોલંકીને વિગતે વાત કરે છે. રમેશભાઈએ વિશ્વાસ રાખી શૉન્તુને દેના બૅન્કનો તેમની સહીવાળો કોરો ચેક આપે છે. શૉન્તુ આ ચેક કૉલેજમાં આપે છે, ને શૉન્તુને પરીક્ષા આપવા મળે છે. હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ લીધેલી પરીક્ષામાં શૉન્તુને ૫૮ ટકા આવે છે, પણ શૉન્તુને માર્કશીટ મળતી નથી. શૉન્તુ નોકરી માટે અરજી કરે છે એ આશાએ કે કોલ લેટર આવતાં પહેલાં માર્કશીટ મળી જશે, પણ સ્કોલરશિપ મંજૂર થાય તો શૉન્તુની ફીના પૈસા ભરાય પછી માર્કશીટ મળે. શૉન્તુને ઇન્ટરવ્યૂ માટેના કોલ લેટર મળે છે પણ જતો નથી, કેમ કે ત્યાં ઑરિજિનલ માર્કશીટ બતાવવી જરૂરી હોય છે. ઇડરની નવી ખૂલેલી સેલ્ફફાઈનેન્સ આઈ.ટી.આઈ.માં ૨૫૦૦ના માસિક વેતન ૫૨ શૉન્તુ નોકરી કરે છે, એક મહિનામાં અસલ પ્રમાણપત્ર બતાવવાની શરતે. એક મહિના ઉપરનો સમય થયો પણ શૉન્તુને માર્કશીટ મળતી નથી. સમાજ કલ્યાણ ખાતામાં તપાસ કરતાં સ્કોલરશિપ કોલેજમાં મોકલી દીધાની વાત જાણે છે. શૉન્તુ વિજપનગર પહોંચીને કારકૂનને વાત કરે છે. કારકૂને જણાવ્યું કે ગ્રાન્ટ અહીંયા આવી છે તે પાસ થાય તેમાંથી તારી ફી ભરાય ત્યારે તારી માર્કશીટ મળે. શૉન્તુએ રમેશભાઈનો કોરો ચેક પાછો આપવાનું પૂછ્યું. જવાબમાં કારકૂને સારું, મળી જશે કહ્યું, ને વધુમાં ઉમેર્યું કે હવે અહીં આવતો નહીં. ફોન કરીને તારો એકાઉન્ટ નંબર મને આપી દેજે. શૉન્તુ દિવાળી ને બેસતા વર્ષ વચ્ચે આવેલા પડતર દિવસે કારકૂનને ફોન કરે છે, 'તેમણે કીધું કઅ્ કઈ બૅન્કમંઅ્ ખાતું સ, મેં કીધું બરોડા બૅન્કમંઅ્, તો તેમણે કીધું કઅ્ દેના બૅન્કમંઅ્ ખાતું ખોલાય !’

શૉન્તુને આખરે સર્વ શિક્ષા અભિયાનમાં કામ મળ્યું અને જૂન 2021થી, સાબરકાંઠા જિલ્લામાં BRC ભવન ખેડબ્રહ્મા ખાતે 11 મહિનાના કરાર પર છે. તે હાલમાં ડેટા એન્ટ્રી ઓપરેટર કમ ઓફિસ આસિસ્ટન્ટ તરીકે 10,500 રૂપિયાના પગાર પર કામ કરે છે.

વાર્તા ગુજરાતીમાં લેખકના સર્જનાત્મક રેખાચિત્રોના સંગ્રહ, માટીમાંથી લેવામાં આવી છે.

Umesh Solanki

Umesh Solanki is an Ahmedabad-based photographer, documentary filmmaker and writer, with a master’s in Journalism. He loves a nomadic existence. He has three published collections of poetry, one novel-in-verse, a novel and a collection of creative non-fiction to his credit.

Other stories by Umesh Solanki
Illustration : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Editor : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya