અમે ટેકરીઓ અને ખેતરોની આસપાસ ચાલતા ચાલતા હાથીના પગલાંના નિશાન શોધી રહ્યા છીએ

અમને રાત્રિભોજનની થાળી કરતાં મોટા હોય એવા પુષ્કળ નિશાન મળે છે, નરમ જમીન પર ઊંડા નિશાન. જૂના નિશાન ધીમેધીમે ભૂંસાઈ રહ્યા છે. બીજા નિશાન ઉપરથી એ પ્રાણીએ શું કર્યું હશે તેનો ખ્યાલ આવે છે: ધીમી ચાલે મારેલી લટાર, નિરાંતે આરોગેલું ભોજન, ઘણી બધી લાદ. અને એ પ્રાણીએ ઉખેડીને આમતેમ ફેંકેલી વસ્તુઓની રહી ગયેલી નિશાનીઓ: ગ્રેનાઈટના થાંભલા, તારની વાડ, વૃક્ષો, દરવાજા...

અમે હાથીની સાથે સંકળાયેલી હોય તેવી દરેક વસ્તુનો ફોટો પાડવા રોકાઈએ છીએ. હું મારા સંપાદકને પગલાંના નિશાનનો ફોટો મોકલું છું. તેઓ આશાપૂર્વક જવાબ આપે છે, "શું ત્યાં આ પગલાં જેના છે એ હાથી પણ છે?" હું પ્રાર્થના કરું છું કે તેમની આશાઓ પર પાણી ફરી વળે.

કારણ કે મેં જે સાંભળ્યું છે તેના પરથી કૃષ્ણાગિરી જિલ્લાના ગંગનહલ્લી કસ્બામાં હાથીઓ તમારા માથે (સૂંઢ મૂકી) આશીર્વાદ આપે અને કેળું માંગે તેવી શક્યતા નથી. મંદિરના હાથીઓ સાથે તે ક્રમ રોજનો હોઈ શકે. આ તેમના જંગલી પિતરાઈ ભાઈઓ છે. અને તેઓ સામાન્ય રીતે ભૂખ્યા હોય છે.

ડિસેમ્બર 2021 માં તમિળનાડુના કૃષ્ણાગિરી જિલ્લાના રાગી ખેડૂતોને મળવા માટેની મારી સફર અણધારી રીતે મને હાથીઓ તરફ દોરી ગઈ. મને એમ હતું કે ખેતીના અર્થશાસ્ત્રની આસપાસ ચર્ચાઓ થશે. કેટલીક ચર્ચાઓ ચોક્કસ થઇ હતી. પરંતુ મોટે ભાગે મેં એક પછી એક ખેતરમાં સાંભળ્યું કે તેઓ માંડ તેમના પરિવાર પૂરતી જ રાગી (એક પ્રકારની બાજરી) ઉગાડી શકે છે અને તેનું કારણ છે - હાથીઓ. નબળા ભાવો (35 થી 37 રુપિયા પ્રતિ કિલોના ભાવ જે તેમને કોઈ જાતના નફા વિના જેટલો ખર્ચ થયો હોય તે ભરપાઈ કરી આપે તેને બદલે 25 થી 27 રૂપિયા પ્રતિ કિલોના ભાવ) ની સાથોસાથ આબોહવા પરિવર્તન અને અતિશય ભારે વરસાદથી ખેડૂતોને મુશ્કેલી પડે છે. હવે તેમાં હાથીઓની સૂંઢ અને દંતશૂળ ઉમેરો અને આ તમામ બાબતોએ મળીને ખેડૂતોની કમર તોડી નાખી છે.

આનંદરામુ રેડ્ડી સમજાવે છે, “હાથી ખૂબ બુદ્ધિશાળી પ્રાણી છે. તેઓ તારના દોરડાને દબાવી રાખીને તારની વાડ કેવી રીતે ઓળંગવી એ શીખી ગયા છે. તેઓ ઇલેક્ટ્રિક વાડને શોર્ટ-સરકિટ કરવા માટે વૃક્ષોનો ઉપયોગ કરવાનું જાણે છે, અને તેઓ હંમેશા ટોળામાં હોય છે." આનંદરામુ - જેમને (લોકો) આનંદ કહીને બોલાવે  છે તેઓ - ડેન્કનીકોટ્ટાઈ તાલુકામાં વાડરા પલયમમાં એક ખેડૂત છે. તેઓ અમને મેલાગિરી અભયારણ્યની સરહદ પર લઈ જાય છે. એ ઉત્તર કાવેરી વન્યજીવ અભયારણ્ય નો ભાગ છે.

The large footprint of an elephant.
PHOTO • M. Palani Kumar
Damage left behind by elephants raiding the fields for food in Krishnagiri district
PHOTO • M. Palani Kumar

ડાબે: હાથીના પગલાંના મોટા નિશાન જમણે: કૃષ્ણાગિરી જિલ્લામાં ખોરાક માટે ખેતરોમાં હાથીઓના હુમલાને કારણે થયેલ નુકસાન

ઘણા વર્ષોથી હાથીઓ જંગલની બહાર અને ખેતરોમાં ભટકી રહ્યા છે. આ જાડી ચામડીના પ્રાણીઓના ટોળાં ગામડાઓમાં ઉતરી આવે છે, રાગીનો મોટાભાગનો પાક ખાઈ જાય છે અને બાકીનો કચડી નાખે છે. પરિણામે ખેડૂતોને ટામેટાં, મેરીગોલ્ડ, ગુલાબ જેવા વૈકલ્પિક પાકો વિશે વિચારવાની ફરજ પડી. એવા વિકલ્પો જેનું બજાર છે એવું તેઓ માને છે અને જે ખાવાની હાથીઓને પરવા નથી. તેઓ મને ખાતરી આપે છે, “2018-19 માં અહીં ઇલેક્ટ્રિક વાડ ઊભી કર્યા પછી ટોળું બહાર આવતું નથી. પણ મોટ્ટઈ વાલ, મખના, ગિરી...જેવા નર હાથીઓને કશાથી ય રોકી શકાતા નથી. તેમની ભૂખ તેમને (જંગલમાંથી) બહાર કાઢીને અમારા ખેતરો સુધી ખેંચી લાવે છે."

તમિળનાડુના કૃષ્ણાગિરી અને ધર્મપુરી જિલ્લાના માનદ વન્યજીવ સંરક્ષક એસ.આર. સંજીવ કુમાર સમજાવે છે, "જંગલની ગુણવત્તા (ઘટતા જતા જંગલ) એ માનવ અને હાથી વચ્ચેના સંઘર્ષના મુખ્ય કારણોમાંનું એક છે."  તેમના અંદાજ મુજબ માત્ર કૃષ્ણાગિરીમાં જ 330 જેટલા ગામો આ સમસ્યાથી પ્રભાવિત છે.

એ વિસ્તારની મારી મુલાકાતના થોડા સમય પછી સંજીવ કુમાર - જેઓ એક વન્યજીવ સંરક્ષણ એનજીઓ, કેનીથ એન્ડરસન નેચર સોસાયટી (કેએએનએસ) ના સ્થાપક સભ્ય અને ભૂતપૂર્વ પ્રમુખ પણ છે - ઝૂમ કોલ પર એક પ્રસ્તુતિ શેર કરે છે. સ્ક્રીન પરની છબી ચોંકાવનારી છે, હાથીના આકારના ટપકાઓથી છબી કાળી થયેલી છે. તેઓ કહે છે, “દરેક ટપકું એક એવા ગામનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં સંઘર્ષ થાય છે. અને આ માહિતી પાકના નુકસાનના દાવાઓ પરથી લેવામાં આવી છે."

ઉત્તરપૂર્વ ચોમાસા પછી તરત જ પાક લણણી માટે તૈયાર હોય ત્યારે હાથીઓ હુમલો કરે છે. "[કૃષ્ણાગિરી જિલ્લામાં] વર્ષમાં12 કે 13 માનવ મૃત્યુ પણ થયા છે, જે ડિસેમ્બર અને જાન્યુઆરી વચ્ચે થયેલ છે, સામાન્ય રીતે રાગીની લણણીના સમય દરમિયાન આ મૃત્યુ થયેલ છે." હાથીઓ પણ મૃત્યુ પામે છે. “તેના કારણોમાં પ્રતિશોધ (માણસો દ્વારા વળતા હુમલા) છે. અને રેલ્વે લાઈનો, હાઈવે પર કે ખુલ્લા કુવામાં પડી જવાથી થતા અકસ્માતો છે. અને જંગલી ડુક્કરો માટે નાખવામાં આવેલા વાયરથી વીજ કરંટ લાગવાથી પણ હાથીઓનું મૃત્યુ થાય છે.”

સંજીવ સમજાવે છે, હાથીઓ 100 થી વધુ પ્રજાતિના છોડ ખાય છે. "તેઓ છોડના ઘણા ભાગો ખાય છે. બંધક હાથીઓના નિરીક્ષણના આધારે અમે જાણીએ છીએ કે તેઓ 200 કિલો ઘાસ ખાય છે અને 200 લિટર પાણી પીએ છે. તેઓ ધ્યાન દોરે છે, "પરંતુ જંગલમાં ઋતુ પ્રમાણે (ઘાસનો) જથ્થો મોટા પ્રમાણમાં બદલાય છે - પરિણામે તેમની શારીરિક સ્થિતિ પણ બદલાઈ શકે છે."

In this photo from 2019, Mottai Vaal is seen crossing the elephant fence while the younger Makhna watches from behind
PHOTO • S.R. Sanjeev Kumar

2019 ના આ ફોટામાં, મોટ્ટઈ વાલ હાથીને રોકવા માટેની વાડ પાર કરતો જોવા મળે છે જ્યારે નાનો મખના તેની પાછળ ઊભો રહીને જોઈ રહ્યો છે

તદુપરાંત લેન્ટાના કેમરા - ફૂલોના છોડની આક્રમક, પરિચયિત પ્રજાતિ - હવે "હોસુર વિસ્તારમાં 85 થી 90 ટકા જંગલ" આવરી લે છે. તે એક સખત છોડ છે, જેને બકરા અને ગાયો અડતા પણ નથી અને તે ઝડપથી ફેલાય છે. “બાંદીપુર અને નાગરહોલમાં પણ આ જ હાલત છે. સફારી માટેના રસ્તાઓ પરથી લેન્ટાના દૂર કરવામાં આવે છે જેથી હાથીઓ ત્યાં ઘાસ ખાવા આવે અને પ્રવાસીઓ તેમને જોઈ શકે.”

સંજીવ દલીલ કરે છે કે હાથીઓ તેમના ઝોનમાંથી બહાર આવે છે તેનું મુખ્ય કારણ લેન્ટાના છે. આ ઉપરાંત આ કદાવર પ્રાણીઓ માટે રાગી રસદાર અને ખૂબ જ આકર્ષક છે. "જો હું એક (હાથી) હોત તો હું પણ એ ખાવા આવત." ખાસ કરીને નર હાથીઓ પાક પર હુમલા કરવા મજબૂર હોય છે. કારણ કે, 25 અને 35 વર્ષની વય વચ્ચે તેમના વિકાસની ઝડપનો દર એકાએક વધી જાય છે. એ વયજૂથના હાથીઓ મોટું જોખમ લેતા હોય છે.

પણ મોટ્ટઈ વાલ એવું કરતો નથી. તે વૃદ્ધ હાથી છે અને તે પોતાની મર્યાદા જાણે છે. સંજીવ માને છે કે તે 45 થી વધારે વર્ષનો છે, તે 50 વર્ષનો થવા આવ્યો હશે. તેઓ તેને 'સૌથી મીઠો' હાથી કહે છે. "તે મુસ્તમાં હતો ત્યારનો એક વીડિયો મેં જોયો છે." (નર હાથીઓમાં મુસ્ત એ જૈવિક અને અંત:સ્ત્રાવ વૃદ્ધિ-સંબંધિત સ્થિતિ છે જેને સામાન્ય અને સ્વસ્થ બંને માનવામાં આવે છે. પરંતુ તેનો અર્થ એ પણ છે કે તેઓ એ 2-3 મહિનામાં વધુ આક્રમક બની શકે છે.) “સામાન્ય રીતે તેઓ હિંસક બની શકે છે, પરંતુ મોટ્ટઈ વાલ ખૂબ જ શાંત હતો. તે વિવિધ ઉંમરના હાથીઓ સાથે ટોળામાં હતો, અને તે શાંતિથી એક બાજુ ઊભો હતો. તેણે દુનિયા જોઈ છે.”

સંજીવના અનુમાન પ્રમાણે તે લગભગ 9.5 ફૂટ ઊંચો છે, તેનું વજન કદાચ 5 ટન છે. "તેનો એક ખાસ સાથીદાર છે, મખના અને તેઓ બીજા યુવાન હાથીઓ સાથે પણ ફરે છે." હું પૂછું છું કે તેને બચ્ચાં હશે કે? સંજીવ હસે છે, "તેને તો ઘણાં (બચ્ચાં) હશે.”

જો તે ઝડપી વિકાસના સમયગાળામાંથી પસાર થઈ ગયો હોય તો તે શા માટે ખેતરોમાં હુમલા કરે છે? મોટ્ટઈ વાલની તેની શારીરિક સ્થિતિ જાળવી રાખવાની જરૂરિયાતને સંજીવ કુમાર એ માટેનું કારણ ગણાવે છે. "તેને બહાર ખૂબ જ સારો ખોરાક મળે છે - રાગી, ફણસ, કેરી - અને તે ખાધા પછી તે પાછો જંગલમાં જતો રહે છે." બીજા નર હાથીઓ છે જેઓ કોબીજ, કઠોળ, કોલીફ્લાવર ખાય છે. સંજીવ કહે છે કે આ અપરિચિત ખોરાક છે, જે જંતુનાશકોની મદદથી ઉગાડવામાં આવે છે.

"ત્રણ વર્ષ પહેલાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. જે ખેડૂતોએ ટામેટાં અને કઠોળમાં જંગી રોકાણ કર્યું હતું તેમણે ઘણા પૈસા ગુમાવ્યા. અને હાથી જ્યારે એક ભાગ ખાય છે ત્યારે તે ખાય તેનાથી પાંચ ગણું નુકસાન કરે છે. વધુ ને વધુ ખેડૂતો હાથીઓને લલચાવે નહીં એવા પાકો તરફ વળી રહ્યા છે. મોટ્ટઈ વાલ અને તેના સાથીઓ આ વિસ્તારની કૃષિ પદ્ધતિઓને અસરકારક રીતે બદલી રહ્યા છે.

A rare photo of Mottai Vaal, in the Melagiri hills
PHOTO • Nishant Srinivasaiah

મેલાગીરી ટેકરીઓમાં મોટ્ટઈ વાલનો એક દુર્લભ ફોટો

ઘણા વર્ષોથી હાથીઓ જંગલની બહાર અને ખેતરોમાં ભટકી રહ્યા છે. આ જાડી ચામડીના પ્રાણીઓના ટોળાં ગામડાઓમાં ઉતરી આવે છે, રાગીનો મોટાભાગનો પાક ખાઈ જાય છે

*****

“અગાઉ અમને થોડુંઘણું વળતર મળતું હતું. હવે તેઓ [અધિકારીઓ] ફક્ત ફોટા જ લે છે, પરંતુ અમને કોઈ પૈસા મળતા નથી."
વિનોદમ્મા, ગુમલાપુરમ ગામના ગંગનહલ્લી કસ્બાના ખેડૂત

ગોપી શંકરસુબ્રમણિ એવા થોડા લોકોમાંના એક છે જેમણે મોટ્ટઈ વાલને ખરેખર ખૂબ નજીકથી જોયો છે. અમે અમારા યજમાન ગોપકુમાર મેનન સાથે ગોલ્લાપલ્લીથી અડધા કલાકના અંતરે આવેલી નફાના હેતુ વિના કામ કરતી એક સંસ્થા નવદર્શનમમાં રોકાયા હતા. એક વહેલી સવારે ગોપીએ નવદર્શનમ ખાતેના પોતાના નાનકડા ઘરનો દરવાજો ખોલ્યો. અને...

ગોપી જે મિત્રની રાહ જોતા હતા તે મિત્રને બદલે ત્યાં હાથી હતો, લાંબો અને પહોળો – અને શરમાળ. પરંતુ પછી મોટ્ટઈ વાલ લગભગ તરત જ પાછો ફર્યો. ટેકરી પર એક સુંદર ઘરના વરંડામાં બેસીને ગોપી અમને ઘણી વાર્તાઓ કહે છે. કેટલીક રાગી વિશે છે. બાકીની હાથીઓ વિશે છે.

શિક્ષણે એરોસ્પેસ એન્જિનિયર ગોપી ટેક્નોલોજી ક્ષેત્ર છોડીને અન્ન ઉત્પાદન તરફ વળ્યા.  વર્ષોથી તેઓ ગુમલાપુરમ ગામના ગંગનહલ્લી કસ્બામાં નવદર્શનમ ટ્રસ્ટના નિયંત્રણ હેઠળની 100 એકર જમીન પર રહે છે અને ત્યાં જ કામ કરે છે. ટ્રસ્ટ પોતાની નાણાકીય જરૂરિયાતો માટે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ, મુલાકાતીઓ અને કાર્યશાળા દ્વારા મળતા યોગદાન પર આધાર રાખે છે. "અમારી પાસે કોઈ મોટી યોજનાઓ નથી, અમારી પાસે કોઈ મોટા બજેટ નથી, અમે બધું સરળ અને નાનું રાખવાનો પ્રયાસ કરીએ છીએ." ખાદ્ય સહકારી સંસ્થા એ તેમની સૌથી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓમાંની એક છે, જેમાં આસપાસના ગ્રામજનો સામેલ છે. ખેતી કરવા માટે ખૂબ ઓછી જમીનો અને વર્ષના માત્ર થોડા મહિનાઓમાં જ ખેતી થતી હોવાથી ગ્રામજનોને આજીવિકા માટે જંગલ પર નિર્ભર રહેવાની ફરજ પડી હતી.

ગોપી કહે છે, "અમે 30 પરિવારોને જગ્યા અને મૂલ્ય-વર્ધિત ખાદ્ય ઉત્પાદનો કેવી રીતે બનાવવા તેની જાણકારી આપી છે અને જંગલ પરની તેમની નિર્ભરતા ઓછી કરી છે, તેમાંના મોટાભાગના પરિવારો ગંગનહલ્લી ગામના છે." હવે મુખ્યત્વે તેમના પરિવારની જરૂરિયાત માટે રાગી ઉગાડવામાં આવે છે. અને માત્ર વધારાનો પાક વેચવામાં આવે છે.

નવદર્શનમમાં ગાળેલા 12 વર્ષોમાં ગોપીએ જે નોંધપાત્ર ફેરફાર જોયો તે છે ત્યાં ઉગાડવામાં આવતી રાગીની જાતોમાં - સામાન્ય રીતે 4-5 મહિનામાં લણી શકાતી સ્થાનિક દેશી પ્રજાતિને બદલે હવે 3 મહિનાના ટૂંકા ગાળામાં તૈયાર થતી સંકર પ્રજાતિ ઉગાડવામાં આવે છે. તેઓ કહે છે કે સૂકી જમીન પર ઉગતા પાક જમીન પર જેટલા લાંબા સમય સુધી રહે તે વધુ સારું છે; "તે વધુ પોષક તત્ત્વો શોષી શકે છે". દેખીતી રીતે જ ટૂંકી અવધિનો પાક તેમ કરી શકતો નથી. પરિણામ એ આવે છે કે લોકો રાગીના એક મુદ્દાને બદલે બે મુદ્દા ખાય છે.  "એ આટલો સ્પષ્ટ તફાવત છે."

Gopi Sankarasubramani at Navadarshanam's community farm in Ganganahalli hamlet of Gumlapuram village.
PHOTO • M. Palani Kumar
A damaged part of the farm
PHOTO • M. Palani Kumar

ડાબે: ગુમલાપુરમ ગામના ગંગનહલ્લી કસ્બામાં નવદર્શનમના સામુદાયિક ખેતરમાં ગોપી શંકરસુબ્રમણિ. જમણે: ખેતરનો ક્ષતિગ્રસ્ત થયેલ એક ભાગ

પરંતુ તેમ છતાં ખેડૂતો સંકર પ્રજાતિ ઉગાડવાનું પસંદ કરે છે કારણ કે ઝડપથી તૈયાર થતા પાકનું રક્ષણ ઓછા સમય માટે કરવું પડે છે. ઉપરાંત બજાર બે પાકના અલગ ભાવ ચૂકવતું નથી. ગોપી કહે છે, “વધુમાં, ખેડૂતોએ પાક ઉગાડવામાં એકબીજા સાથે સમન્વય સાધવો પડશે. જો ઘણા લોકો દેખરેખ રાખતા હોય - એક આ ખૂણેથી બૂમો પાડે અને બીજો ત્યાંથી - તો હાથીને (ખેતરથી) દૂર રાખી શકવાની શક્યતા વધુ રહે છે. જો બીજા બધા ટૂંકા સમયગાળાનો પાક લેવા માંડશે તો પછી હાથીઓ તમારો પાક ખાવા આવશે...”

અમારી વાતચીતની વચ્ચે વચ્ચે પક્ષીઓનો મધુર કલરવ ગૂંજે છે. (પક્ષીઓના) સીટી વગાડવાના, હસવા અને ગાવાના આવાજો આવે છે, જાણે તેઓ પણ જંગલોના કોઈ સમાચાર જણાવવા માંગતા ન હોય.

બપોરના ભોજન - પાલકની ગ્રેવી સાથે રાગીના મુદ્દા  - પછી અમને મગફળીની કરકરી ચીકી અને રાગીના સુગંધિત લાડુ આપવામાં આવે છે. એ બધું બનાવનાર મહિલાઓ - વિનોદમ્મા અને બી. મંજુલા - કન્નડમાં વાત કરે છે (ગોપી અને તેમના મિત્રો મારા માટે તેનો અનુવાદ કરે છે).  તેઓ કહે છે વરસાદ અને હાથીઓને કારણે તેઓ તેમનો રાગીનો મોટા ભાગનો પાક ગુમાવે છે.

તેઓ અમને કહે છે કે તેઓ દરરોજ રાગી ખાય છે, અને તેમના બાળકો મોટા થાય ને ભાત ખાવાનું શરુ ન કરે ત્યાં સુધી તેમને પણ - રાગીની મધ્યમ જાડી રાબ - ખવડાવે છે. તેઓ રાગીના વાર્ષિક પાકને ઘેર કોથળાઓમાં સંઘરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેને પીસી લે છે. પરંતુ આ વર્ષે તેમની નબળી ઉપજને આખા વર્ષ સુધી ચલાવવી મુશ્કેલ બનશે.

બંને મહિલાઓ નવદર્શનમની નજીકના ગંગનહલ્લી ગામના છે અને બપોરનું ભોજન કરીને પાછા ફર્યા છે. વિનોદમ્મા પાસે 4 એકર અને મંજુલા પાસે 1.5 એકર જમીન છે. તેમના ખેતરોમાં તેઓ રાગી, ડાંગર, કઠોળની શિંગ અને રાઈ ઉગાડે છે. મંજુલા કહે છે, “કમોસમી વરસાદ પડે ત્યારે રાગીના બીજ છોડમાં જ અંકુરિત થઈ જાય છે." અને પછી પાક બગડે છે.

આવું ન થાય તે માટે વિનોદમ્માના પરિવારે ઝડપથી ફસલની લણણી કરવાનું અને રાગી અને દાંડીને ઝડપથી અલગ કરવા માટે મશીનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. હવામાં સુઘડતાથી હાથ હલાવી ઈશારા કરીને વાત કરતા વિનોદમ્માના હાવભાવ ભાષાના અંતરને પૂરે છે.

માનવ અને પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષ અંગેની તેમની હતાશા કોઈ જ અનુવાદ વિના પણ સમજી શકાય  છે. “અગાઉ અમને થોડુંઘણું વળતર મળતું હતું.  હવે તેઓ [અધિકારીઓ] ફક્ત ફોટા જ લે છે, પરંતુ અમને કોઈ પૈસા મળતા નથી."

Manjula (left) and Vinodhamma from Ganganahalli say they lose much of their ragi to unseasonal rain and elephants
PHOTO • M. Palani Kumar
A rain-damaged ragi earhead
PHOTO • Aparna Karthikeyan

ડાબે: ગંગનહલ્લીના મંજુલા (ડાબે) અને વિનોદમ્મા કહે છે કે કમોસમી વરસાદ અને હાથીઓના કારણે તેઓ તેમનો રાગીનો મોટા ભાગનો પાક ગુમાવે છે. જમણે: વરસાદથી નુકસાન પામેલ રાગીનું ડૂંડું

એક હાથી કેટલું ખાય? ગોપી કહે છે ઘણુંબધું. તેઓ યાદ કરે છે, એક વખત બે હાથીઓ બે રાતમાં લગભગ 10 થેલી રાગી આરોગી ગયા હતા જેની કિંમત લગભગ 20000 રુપિયા હતી. “એક હાથી એક જ ઝપાટામાં 21 ફણસ ખાઈ ગયો હતો. અને કોબીજ પણ...”

પોતાનો પાક બચાવવાની ચિંતામાં ખેડૂતોની ઊંઘ હરામ થઈ જાય છે. ગોપી યાદ કરે છે કે બે વર્ષ સુધી રાગીની મોસમમાં હાથીઓ પર નજર રાખવા તેમણે રાતોની રાતો મચાન (માંચડા) પર બેસીને વિતાવી હતી. તેઓ કહે છે કે આ મુશ્કેલ જીવન છે ને સવાર સુધીમાં તો તમે થાકીને ઠૂસ થઈ જાઓ છો. નવદર્શનમની આસપાસના સાંકડા અને વળાંકવાળા રસ્તાઓ પરથી અમને ઘણા મચાન જોવા મળે છે. કેટલાક પાકાં છે, બીજા કાચા અને કામચલાઉ ઊભા કરેલા છે. મોટાભાગના મચાનમાં એક જાતની ઘંટડી હોય છે - એક પતરાનો ડબ્બો અને દોરડા સાથે જોડાયેલ લાકડી - હાથી જોવામાં આવે ત્યારે બીજા લોકોને એની ચેતવણી આપવા આ ઘંટડીનો ઉપયોગ કરવામાં આવે છે.

દુઃખદ વાત એ છે કે આ બધા પ્રયત્નો છતાં ઘણીવાર હાથી પાક પર હુમલો કરે છે. ગોપી યાદ કરે છે, “જ્યારે એક હાથી દેખાયો ત્યારે લાખ પ્રયત્નો કરવા છતાં અમે તેને રોકી ન શક્યા. અમે ફટાકડા ફોડ્યા, બધું અજમાવી જોયું, પણ તેણે તેનું ધાર્યું કર્યું."

ગંગનહલ્લી વિસ્તારમાં હવે એક વિચિત્ર સમસ્યા છે: વન વિભાગની હાથીઓની વાડ નવદર્શનમની ખૂબ જ નજીક પૂરી થાય છે, જેને કારણે એક એવી ખાલી જગ્યા ઊભી થાય છે જ્યાંથી હાથીઓ ગંગનહલ્લી વિસ્તારમાં પ્રવેશી શકે છે. અને તેથી પહેલા એક વર્ષમાં 20 હુમલા થતા હતા તેમાંથી હવે જ્યારે લણણી માટે પાક તૈયાર થાય ત્યારે લગભગ રોજ રાત્રે હાથીઓના હુમલા થાય છે.

“વાડની બંને બાજુના લોકોનું નુકસાન થઈ રહ્યું છે. જ્યારે તમે [હાથીઓને રોકવા વાડ લગાવવાનું] શરૂ કરો છો, ત્યારે પછી તમે અટકી શકતા નથી." ગોપી આંગળી હલાવે છે અને માથું ધુણાવે છે.

A makeshift machan built atop a tree at Navadarshanam, to keep a lookout for elephants at night.
PHOTO • M. Palani Kumar
A bell-like contraption in the farm that can be rung from the machan; it serves as an early warning system when elephants raid at night
PHOTO • M. Palani Kumar

ડાબે: રાત્રે હાથીઓ પર નજર રાખવા માટે નવદર્શનમ ખાતે એક ઝાડની ટોચ ઉપર બાંધવામાં આવેલ કામચલાઉ મચાન. જમણે: ખેતરમાં એક ઘંટડી જેવું ઉપકરણ કે જે મચાનમાંથી વગાડી શકાય છે; રાત્રે હાથીઓ હુમલો કરે ત્યારે પ્રારંભિક ચેતવણી પ્રણાલી તરીકે તેનો ઉપયોગ થાય છે

*****

"મારી પત્ની ઈચ્છે છે કે હું ઘેર વધુ સમય પસાર કરું."
હાથીઓના હુમલાથી પાકનું રક્ષણ કરવામાં રોકાયેલા 60 વર્ષના એક ખેડૂતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના જજ સમક્ષ જણાવ્યું

માનવીઓ અને હાથીઓ વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવા ઘણા કારણોસર સંવેદનશીલ અને ટકાઉ ઉકેલની જરૂર છે. પહેલી વાત તો એ છે કે સમસ્યાનું કદ હાથી જેટલું જ મોટું છે. ફ્રન્ટીયર્સ ઇન ઇકોલોજી એન્ડ ઇવોલ્યુશનમાં પ્રકાશિત થયેલ, વૈશ્વિક સ્તરે વર્તમાન વ્યવસ્થાપન વ્યૂહરચનાઓની સમીક્ષા કરતા એક સંશોધનપત્ર પ્રમાણે, "દુનિયાના 1.2 બિલિયન લોકોમાંથી ઘણા લોકો કે જેઓ દરરોજ $1.25 યુએસડી (અમેરિકન ડોલર) કરતા પણ ઓછા ખર્ચે જીવે છે તેઓ એશિયન અને આફ્રિકન હાથીઓની નોંધપાત્ર વસ્તીવાળા દેશોમાં વસે છે." અને આ વંચિત સમુદાયોને "જગ્યા અને સંસાધનો માટે હાથીઓ જેવી અન્ય પ્રજાતિઓ સાથે વધુને વધુ સ્પર્ધા" કરવી પડે છે.

માનદ વન્યજીવ સંરક્ષક સંજીવ કુમાર કહે છે કે ભારતમાં 22 રાજ્યો હાથીઓ સાથે સંઘર્ષનો સામનો કરે છે, જેમાં મોટા ભાગના સંઘર્ષ તમિલનાડુ, કર્ણાટક, કેરળ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને આસામમાં થાય છે.

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા રાજ્યસભામાં રજુ કરાયેલા સત્તાવાર આંકડાઓ જણાવે છે કે એપ્રિલ 2018 થી ડિસેમ્બર 2020 સુધીના - ત્રણ વર્ષથી ઓછા સમયગાળામાં આવા સંઘર્ષને કારણે 1401 માનવીઓ અને 301 હાથીઓના મોત થયા છે.

ખેડૂતને તેના નુકસાન માટે વળતર આપવાનો પૂરેપૂરો ઈરાદો કાગળ ઉપર તો છે. વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલયના પ્રોજેક્ટ એલિફન્ટ ડિવિઝન દ્વારા જારી કરાયેલ ભારત સરકારનો 2017નો દસ્તાવેજ જણાવે છે કે ભલામણ કરેલ વળતર અંદાજિત પાકના નુકસાનના 60 ટકા જેટલું હોવું જોઈએ. અને તેઓ ઉમેરે છે, "જો વળતરની રકમ પાકના મૂલ્યના લગભગ 100 ટકાની નજીક હોય તો ખેડૂતને તેના પાકને બચાવવાની કોઈ જરૂર રહેશે નહીં."

ભારતીય વન સેવા (ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ - આઈએફએસ) અધિકારી અને વન્યજીવ સંરક્ષકની કચેરી, હોસુર ખાતે સહાયક વન સંરક્ષક કે. કાર્તિકેયની મને કહે છે કે હોસુર વન વિભાગમાં વાર્ષિક 200 હેક્ટરથી વધુ પાકને નુકસાન થાય છે. તેઓ કહે છે, “વન વિભાગને ખેડૂતો પાસેથી તેમના પાક માટે વળતરની માગણી કરતી 800 થી 1000 અરજીઓ મળે છે. અને વાર્ષિક ચૂકવણી [રુ.] 80 લાખથી 1 કરોડની વચ્ચે છે." આમાં પ્રત્યેક માનવ મૃત્યુ માટે ચૂકવવામાં આવતા 5 લાખનો પણ સમાવેશ થાય છે - આ વિસ્તારમાં હાથીઓના હુમલામાં દર વર્ષે 13 લોકો માર્યા જાય છે.

Tusker footprints on wet earth.
PHOTO • Aparna Karthikeyan
Elephant damaged bamboo plants in Navadarshanam
PHOTO • M. Palani Kumar

ડાબે: ભીની જમીન પર હાથીના પગના નિશાન. જમણે: નવદર્શનમમાં હાથીએ વાંસના છોડને નુકસાન પહોંચાડ્યું

કાર્તિકેયની સમજાવે છે, “એક એકર માટે ચૂકવવાપાત્ર મહત્તમ વળતર 25000 રુપિયા છે. કમનસીબે બાગાયતી પાક માટે આ પૂરતું નથી, કારણ કે ખેડૂતોને પ્રતિ એકર 70000 રુપિયાથી વધુનું નુકસાન થાય છે."

તદુપરાંત વળતરનો દાવો કરવા માટે ખેડૂતે દસ્તાવેજો રજૂ કરવા પડશે, કૃષિ અથવા બાગાયત અધિકારી (જેવો મામલો હોય તે પ્રમાણે) દ્વારા ખેતરનું  નિરીક્ષણ કરાવવું પડે છે, પછી ગ્રામ વહીવટી અધિકારી (વિલેજ એડ્મિનિસ્ટ્રેટિવ ઓફિસર - વીએફઓ) એ તેમના જમીનના દસ્તાવેજોની ચકાસણી કરીને તેને પ્રમાણિત કરવા  પડે છે, અને છેલ્લે ફોરેસ્ટ રેન્જ ઓફિસર મુલાકાત લઈને ફોટા લે છે. તે પછી જો કોઈ વળતર મળવાપાત્ર હોય તો જિલ્લા વન અધિકારી (ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર - ડીએફઓ) તે મંજૂર કરે છે.

એમાં મુશ્કેલી એ છે કે વળતર તરીકે 3000 થી 5000 રુપિયા મેળવવા માટે ખેડૂતોને - કેટલીકવાર ત્રણ કૃષિ ચક્ર સુધી - રાહ જોવી પડે છે. કાર્તિકેયની કહે છે, "જો રિવોલ્વિંગ ફંડનો ઉપયોગ કરીને (વળતરના દાવાની) તરત જ પતાવટ કરવામાં આવે તો તે વધુ સારું રહે."

સંજીવ કુમાર જણાવે છે કે આ સંઘર્ષને ઉકેલવાથી માનવીઓના જીવન અને ખેડૂતોની આજીવિકા તો બચાવી જ શકાશે, એટલું જ નહીં તેમના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે, તેનાથી રાજ્યના વન વિભાગ માટેનો લોકોનો અભિપ્રાય પણ સુધરશે. તેઓ ઉમેરે છે, "હાલ હાથીના સંરક્ષણનો બધો ભાર કૃષિવાદીઓ દ્વારા જ ઉઠાવવામાં આવે છે."

સંજીવ સ્વીકારે છે કે, મહિનાઓ સુધી રાત-રાતભર હાથીઓથી પાકની રક્ષા કરવી એ કંઈ ખાવાના ખેલ નથી. અને તે કામ ખેડૂતોને ઘણા કલાકો અને દિવસો માટે બાંધી રાખે છે. તેઓ યાદ કરે છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ની બેઠક દરમિયાન એક ખેડૂત ન્યાયાધીશને કહેતો હતો, 'મારી પત્ની ઈચ્છે છે કે હું ઘેર વધુ સમય પસાર કરું'. સંજીવ યાદ કરે છે કે ખેડૂતની ઉંમર 60 વર્ષથી વધુ હતી અને તેની પત્નીને શંકા હતી કે ખેડૂતને લગ્નેતર સંબંધ છે.

ખેડૂત પરનો તણાવ વન વિભાગ માટે સમસ્યાઓ ઊભી કરે છે. સંજીવ કુમાર કહે છે, "તેઓ પોતાનો ગુસ્સો વિભાગ પર કાઢે છે. તેમણે કાર્યાલયમાં તોડફોડ કરી છે. તેમણે રસ્તા રોકો આંદોલન કર્યા છે, કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કર્યો છે અને મારપીટ કરી છે. પરિણામે વન વિભાગને પીછેહઠ કરવાની ફરજ પડી છે, વિભાગ ખૂબ સાવધાનીપૂર્વક કામ કરે છે અને સંરક્ષણની ફરજોમાં અવરોધ ઊભો થાય  છે."

Anandaramu Reddy explaining the elephants’ path from the forest to his farm in Vadra Palayam hamlet
PHOTO • M. Palani Kumar

વાડરા પલયમ કસ્બામાં જંગલમાંથી તેમના ખેતર સુધીનો હાથીઓનો રસ્તો બતાવતા આનંદરામુ રેડ્ડી

માનવી અને હાથી ના સંઘર્ષની આર્થિક, પર્યાવરણીય અને મનોવૈજ્ઞાનિક અસરો છે. તમારી પોતાની કોઈ પણ ભૂલ વિના ગમે ત્યારે તમારો ધંધો બરબાદ થઈ શકે છે તે જાણીને કોઈ ધંધો કરવાની કલ્પના કરી જુઓ

અને આ બધા ઉપરાંત હાથીઓના જીવ પણ જોખમમાં છે. 2017 માં હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરી મુજબ તમિળનાડુમાં હાથીઓની સંખ્યા 2761 છે તે ભારતીય હાથીઓની વસ્તી, જે 29964 છે, તેના 10 ટકાથી પણ ઓછી છે. તે જોતાં એ અતિ આવશ્યક અને તાકીદનું છે.

પ્રતિશોધ (માણસો દ્વારા વળતા હુમલા), વીજળીના આંચકા, માર્ગ અને રેલ અકસ્માતોને કારણે આ દુર્લભ પ્રજાતિની વસ્તી ઘટતી જાય છે. પ્રથમ નજરે આ ઉકેલ વિનાની સમસ્યા લાગે છે. જો કે સંજીવ અને અન્ય લોકોએ એક ઉકેલ શોધી કાઢ્યો છે – મૂર્તિની મદદથી…

*****

“સાચું પૂછો તો અમે વીજળી પર બિલકુલ નિર્ભર રહેવા માંગતા નથી. સૌર ઉર્જા અવિશ્વસનીય છે. ઉપરાંત હાથીઓએ વીજળીના આંચકાથી બચવાનો રસ્તો શોધી કાઢ્યો છે.”
એસ.આર. સંજીવ કુમાર, કૃષ્ણાગિરી અને ધર્મપુરી જિલ્લાના માનદ વન્યજીવન સંરક્ષક

સંજીવ કુમાર કહે છે કે કૃષ્ણાગિરી જિલ્લામાં મેલાગિરી એલિફન્ટ ફેન્સનો વિચાર દક્ષિણ આફ્રિકાના એડો એલિફન્ટ નેશનલ પાર્ક પરથી આવ્યો હતો. "'ધ એલિફન્ટ મેન ઓફ ઈન્ડિયા' તરીકે જાણીતા રમણ સુકુમારે મને એ વિશે કહ્યું હતું. ત્યાં તેઓએ નકામા ગણીને ને ફેંકી દેવાયેલ રેલ્વેના પાટા અને લિફ્ટના કેબલનો ઉપયોગ કર્યો હતો. અને એકવાર તેઓએ વાડ ઊભી કરી એટલે સંઘર્ષનો અંત આવી ગયો હતો.” સંજીવે એડો અભ્યારણ્યનો વિચાર અપનાવ્યો.

અગાઉ હોસુર વન વિભાગમાં હાથીઓને જંગલની અંદર અને ખેતરની બહાર રાખવાના ઘણા પ્રયાસો થયા હતા - પરંતુ કોઈ સફળ થયા ન હતા. તેઓએ જંગલની સીમાની આસપાસ ઓળંગી ન શકે એવા ઊંડા ખાડાઓ ખોદી જોયા - હાથી-પ્રૂફ ટ્રેન્ચીઝ અજમાવી જોયા. તેઓએ પરંપરાગત સૌર (ઉર્જાથી ચાલતી) વાડ, કાંટાળા અવરોધો અજમાવી જોયા અને આફ્રિકામાંથી કેટલાક કાંટાળા વૃક્ષો પણ આયાત કર્યા. પણ તેમાંથી કંઈ કામ ન લાગ્યું.

જ્યારે દીપક બિલ્ગી, આઈએફએસ, ને હોસુર વિભાગના નાયબ વન સંરક્ષક તરીકેનિયુક્ત કરવામાં આવ્યા ત્યારે એક મહત્વપૂર્ણ પ્રગતિ થઈ. બિલ્ગીએ આ વિચારમાં રસ લીધો, તેના માટે ભંડોળ એકઠું કર્યું, કલેક્ટર સાથે વાત કરી અને "અમે પ્રાયોગિક ધોરણે વાડ ઊભી કરવાનું નક્કી કર્યું," સંજીવ સમજાવે છે.

A section of the Melagiri Elephant Fence, which is made of pre-cast, steel-reinforced concrete posts, and steel wire rope strands
PHOTO • M. Palani Kumar

મેલાગિરી એલિફન્ટ ફેન્સનો એક વિભાગ, જે પ્રી-કાસ્ટ, સ્ટીલ-રિઇનફોર્સ્ડ કોંક્રીટના થાંભલા અને સ્ટીલના વાયરના દોરડાના તારથી બનેલો છે

રસપ્રદ વાત એ છે કે હાથીની તાકાત કેટલી છે તે અંગે કોઈ માહિતી નથી. અથવા એક અથવા ઘણા હાથી કેટલું વજન ધકેલી શકે છે તેનો કોઈ અંદાજ નથી. તેથી તેઓએ મુદુમલાઈમાં વાડનું એક પ્રાયોગિક માળખું સ્થાપિત કર્યું અને કુમકીઓ (પ્રશિક્ષિત બંધક હાથીઓ) ની મદદથી તેનું પરીક્ષણ કર્યું. તેમાંનો એક હતો - પાંચ ટનનો, દંતશૂળ વિનાનો મૂર્તિ - વન વિભાગ દ્વારા તેનું પુનર્વસન કરવામાં ત્યાં સુધી ઘણા લોકોની હત્યા કરવા માટે કુખ્યાત. જો કે વિચિત્રતા એ છે કે પ્રાથમિક પરીક્ષક - બીટા ટેસ્ટર તરીકે તેનું કામ માનવીઓ અને હાથીઓ વચ્ચેના સંઘર્ષને ઘટાડવા માટે નાખવામાં આવનારા કેબલને તપાસવાનું હતું.

સંજીવ કહે છે, “તેને એટલી સારી રીતે પ્રશિક્ષિત કરવામાં આવ્યો હતો કે તમે તેના ભૂતકાળનો અંદાજો લગાવી શકતા નથી. તે ખૂબ શાંત અને સૌમ્ય બની ગયો હતો.” હવે મૂર્તિ સેવાનિવૃત્ત છે – મારી જાણ મુજબ હાથીઓની સેવાનિવૃત્તિની ઉંમર 55 વર્ષ છે –  તે આરામથી રહે છે, સારું ખાય છે-પીએ છે, સારા જીવનનો આનંદ માણે છે, અને તે પ્રસંગોપાત છાવણીના માદા હાથીઓની સંભોગની ઈચ્છા સંતોષનાર બની રહે છે. જંગલમાં તેની આ પ્રકારની સેવાઓની આવશ્યકતા રહેતી નથી - અથવા તેને તેમ કરવા દેવામાં આવતું નથી - કારણ કે એ વિશેષાધિકાર માટે યુવાન નર હાથીઓ તેની સાથે સ્પર્ધામાં હોય છે.

મૂર્તિનું નિરીક્ષણ કરીને તેમને જાણવા મળ્યું કે અમુક પરિસ્થિતિઓમાં હાથી મહત્તમ 1,800 કિલોગ્રામ સુધીનું બળ લગાવવા સક્ષમ છે. મૂર્તિના અનુભવના આધારે થાંભલાની ડિઝાઇન કરીને - તેઓએ બનાવેલ પ્રથમ બે કિલોમીટરની વાડ આનંદના ઘરથી દૂર ન હતી.

“આ પ્રયાસમાંથી અમે ઘણું શીખ્યા. માત્ર એક જ અઠવાડિયામાં મખના – જે મોટ્ટઈ વાલ સાથે ઘણો સમય પસાર કરે છે - તેણે એ તોડી નાખી. અમારે એને ફરીથી ડિઝાઇન કરવી પડી, અને હવે તે મૂળ ડિઝાઇન કરતાં 3.5 ગણી વધુ મજબૂત છે. વાયરનું દોરડું પહેલેથી જ ખૂબ જ મજબૂત છે, અને તે 12 ટનનો ભાર સહન કરી શકે છે. એટલે કે, એ દોરડા વડે તમે બે હાથીઓને ઊંચકી શકો છો.”

સંજીવ કહે છે કે બીજી વાડોની સરખામણીમાં તેમની વાડ લગભગ અભેદ્ય છે. તે પ્રી-કાસ્ટ, સ્ટીલ-રિઇનફોર્સ્ડ કોંક્રીટના થાંભલા અને સ્ટીલના વાયરના દોરડાના તારથી બનેલી છે. હાથીઓ થાંભલા કે વાયર તોડી શકતા નથી. તેઓ વાડ ઓળંગી શકે છે અથવા તેમાંથી પસાર થઈ શકે છે. “આના કારણે અમને કોઈપણ સમસ્યાવાળા વિસ્તારોને ઠીક કરવા માટે ચોક્કસ ઉકેલ શોધવાની તક મળી રહે છે. અમારી ટીમે વાડમાંથી બહાર નીકળતા અથવા પાક પર હુમલો કરીને પાછા જતા અમારા મિત્રોને (હાથીઓને) કેમેરામાં કેદ પણ કર્યા હતા." અને તેઓએ જે જોયું તેના આધારે તેઓએ સુધારા કર્યા. સંજીવ હસે છે, "ક્યારેક હાથી આવી જાય છે અને અમને સમજાવે છે કે વાડ (અભેદ્ય બનાવવા) માટે હજી અમારે વધુ કામ કરવાની જરૂર છે."

આ બિન-ઇલેક્ટ્રીક સ્ટીલની વાડ ઊભી કરવાનો ખર્ચ 40 લાખથી 45 લાખ રુપિયા પ્રતિ કિલોમીટર જેટલો થાય છે. જિલ્લા કલેક્ટરે - કેટલાક ખાનગી ક્ષેત્રની મદદથી - તેમજ રાજ્ય સરકારની તમિળનાડુ ઇનોવેટિવ ઇનિશિયેટિવ્સ સ્કીમ વાડના પહેલા બે કિલોમીટર અને ત્યાર પછીના 10 કિલોમીટર માટે ભંડોળ પૂરું પાડ્યું હતું.

Anandaramu walking along the elephant fence and describing how it works
PHOTO • M. Palani Kumar

હાથીની વાડની નજીક ચાલતા અને તે કેવી રીતે કામ કરે છે તેનું વર્ણન કરતા આનંદરામુ

હાલ હાથીઓને રોકવા જે 25 કિલોમીટરની વાડ છે, તેમાંથી 15 કિલોમીટર બિન-ઇલેક્ટ્રીક છે, અને 10 કિલોમીટર (સૌર ઉર્જા વડે) ઇલેક્ટ્રિફાઇડ છે. વોલ્ટેજ વધારે છે - 10000 વોલ્ટ - અને તે સીધા પ્રવાહ (ડાયરેક્ટ કરંટ - ડીસી કરંટ) નો એક નાનો જથ્થો છે જે દર સેકન્ડે પસાર થાય છે. સંજીવ સમજાવે છે, “સામાન્ય રીતે હાથી જ્યારે તેને અડકે ત્યારે તે મૃત્યુ પામતો નથી. વીજળીનો આંચકો લાગવાથી થતા મોત 230V એસી કરંટથી થાય છે જેનો આપણે ઘરો અથવા ખેતરોમાં ઉપયોગ કરીએ છીએ. અહીં તેઓ સુરક્ષિત છે કારણ કે પ્રવાહ ઘરોમાં વપરાતા પ્રવાહના થોડા હજારમા ભાગનો જ છે. નહિંતર તે તેમને મારી નાખશે."

જ્યારે ડીસી વોલ્ટેજ ઘટીને 6000 વોલ્ટ થઈ જાય છે - ઉદાહરણ તરીકે કોઈ વૃક્ષ અથવા છોડ વાડ પર પડે - ત્યારે હાથીઓ આરામથી વાળ ઓળંગી જાય છે. અને કેટલાક નર હાથીઓમાં ખાવાની ઈચ્છા એટલી તો તીવ્ર હોય છે કે તેઓ મુશ્કેલી વેઠીને પણ વાડ પાર કરે છે. સંજીવ સ્વીકારે છે, "તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજવું મુશ્કેલ છે."

તેઓ નોંધે છે, “સાચું પૂછો તો અમે વીજળી પર બિલકુલ નિર્ભર રહેવા માંગતા નથી. સૌર ઉર્જા અવિશ્વસનીય છે." ઉપરાંત હાથીઓએ વીજળીના આંચકાથી બચવાનો રસ્તો શોધી કાઢ્યો છે.” તેઓ ઇન્સ્યુલેશન અને વાહકતાનો સિદ્ધાંત જાણે છે. તેઓ એક શાખા અથવા વૃક્ષ લઈને વાડને શોર્ટ-સર્કિટ કરી દે છે. અથવા નર હાથી તેને તોડવા માટે દંતશૂળનો ઉપયોગ કરે છે - તેઓ સમજી ગયા છે કે તે (દંતશૂળ) વીજળીના ખરાબ વાહક છે. સંજીવ હસે છે, "મારી પાસે એક ફોટોગ્રાફ છે, જેમાં એક હાથી વાડમાં વીજળી છે કે કેમ તે જોવા માટે એક નાની ડાળીથી વાડનું પરીક્ષણ કરી રહ્યો છે."

*****

“મેલાગીરી વાડને કારણે હાથીઓ દક્ષિણ તરફ જવા લાગ્યા છે. આ એક સારી વાત છે, કારણ કે ત્યાં ગાઢ જંગલ છે, જે આગળ છેક નીલગીરી સુધી ફેલાયેલું છે. "
કે. કાર્તિકેયની, ભારતીય વન સેવા અધિકારી

માનવી અને હાથી સાથેના સંઘર્ષની આર્થિક, પર્યાવરણીય અને મનોવૈજ્ઞાનિક અસરો છે. તમારી પોતાની કોઈ પણ ભૂલ વિના ગમે ત્યારે તમારો ધંધો બરબાદ થઈ શકે છે તે જાણીને કોઈ ધંધો કરવાની કલ્પના કરી જુઓ.ક્રિષ્નાગિરી જિલ્લામાં - પેઢીઓથી - રહેતા અને ખેતી કરતા ખેડૂતોનું આ જ જીવન છે.

સંજીવ કુમાર સમજાવે છે કે સ્થાનિક ઉત્પાદનની મિજબાની કરવા ઉપરાંત પાક પર હુમલો કરનારા હાથીઓ વધુ અંતર કાપતા પણ શીખ્યા છે, અને આવું છેલ્લા દોઢ દાયકામાં બન્યું છે. "અભ્યારણ્યની બહાર એક કે બે કિલોમીટર સુધી ફરનારા હાથીઓ હવે આંધ્ર અને કર્ણાટકમાં લગભગ 70 કે 80 કિલોમીટર દૂર સુધી મુસાફરી કરે છે, ત્યાં બે મહિના વિતાવે છે અને પાછા ફરે છે." હોસુર વિસ્તારમાં, જ્યાં પાક પર ઘણા હુમલા થાય છે, ત્યાં હાથીઓ કદાવર હોય છે; તેઓ તંદુરસ્ત દેખાય છે અને તેમને ઘણાં બચ્ચાં હોય છે.

યુવાન હાથીઓ ઘણું જોખમ ઉઠાવે છે. સંજીવે અભ્યારણ્યની બહાર હાથીઓના મૃત્યુ અંગેના આંકડા એકઠા કર્યા અને તેનો ગ્રાફ તૈયાર કર્યો. તેમણે જોયું કે લગભગ 60 થી 70 ટકા મૃત્યુ યુવાન નર હાથીઓના છે.

Mango plantation damaged by elephants in Anandaramu’s field
PHOTO • Anandaramu Reddy
Ananda with more photographs showing crops ruined by elephant raids
PHOTO • Aparna Karthikeyan

ડાબે: આનંદરામુના ખેતરમાં હાથીઓ દ્વારા કેરીના વાવેતરને કરાયેલ નુકસાન. જમણે: હાથીઓના હુમલાથી બરબાદ થયેલા પાકને દર્શાવતા વધુ ફોટોગ્રાફ્સ સાથે આનંદ

આનંદ મને કહે છે કે હાલમાં ભાગ્યે જ હાથીઓના ટોળા જોવા મળે છે. ફક્ત નર હાથીઓ: મોટ્ટઈ વાલ, મખાના અને ગિરી જ દેખાય છે. તેઓ હજી પણ વ્હોટ્સએપ પર હાથીઓના હુમલાની તસવીરો વારંવાર મોકલે છે -તૂટી પડેલી આંબાની ડાળીઓ, કચડી નાખેલા કેળાના ઝાડ, પગ તળે ચગદી નાખેલા ફળો અને હાથીની લાદના ઢગલા ને ઢગલા. તેઓ વાત કરે છે ત્યારે તેમના અવાજમાં અણગમતી પરિસ્થિતિ સ્વીકારવાની તૈયારી હોય છે, ક્યારેય રોષ હોતો  નથી.

સંજીવ કહે છે, "તે એટલા માટે કારણ કે જો રોષ હોય તો તે સરકાર અથવા વન વિભાગ તરફ નિર્દેશિત થાય છે. તેઓ જાણે છે કે વળતર ખૂબ મોડું મળે છે અથવા મળતું જ નથી, તેથી તેઓએ તે માટે દાવો કરવાનું બંધ કરી દીધું છે. અને તે એક સમસ્યા છે, કારણ કે તો પછી એ માહિતી સંઘર્ષની વાસ્તવિક ગંભીરતા બતાવશે નહીં.

સંઘર્ષ ઘટાડવાનો એકમાત્ર રસ્તો હાથીઓને જંગલની અંદર રાખવાનો છે. જ્યારે તેમનું કુદરતી રહેઠાણ પુનઃસ્થાપિત થશે ત્યારે જ સમસ્યા દૂર થશે. “પણ તે ઉકેલના ફક્ત 80 ટકા છે. લેન્ટાનાથી છુટકારો મેળવવો એ પણ મહત્વપૂર્ણ છે."

હાલમાં જે 25 કિલોમીટરમાં વાડ છે - તે માનવ અને હાથી વચ્ચેના સંઘર્ષના  કુલ વિસ્તારના 25 ટકા છે - તેનાથી સંઘર્ષ 95 ટકા ઘટ્યો છે. કાર્તિકેયની કહે છે, “મેલાગીરી વાડને કારણે હાથીઓ દક્ષિણ તરફ જવા લાગ્યા છે. આ એક સારી વાત છે, કારણ કે ત્યાં ગાઢ જંગલ છે, જે સત્યમંગલમ અને આગળ છેક નીલગીરી સુધી ફેલાયેલું છે. આ તેમના માટે વધુ સારું છે.”

મેલાગીરી વાડનો મોટો ભાગ એ ભૌતિક અવરોધ છે. “જ્યાં તેનું સૌર ઉર્જાથી વિદ્યુતીકરણ થાય છે, તે એક મનોવૈજ્ઞાનિક અવરોધ છે – તે તેમને માત્ર એક નાનો આંચકો આપે છે અને તેમને તેનો ડર લાગે છે. પરંતુ હાથીઓ હોશિયાર  છે. મધપૂડાની વાડ, અથવા વાઘની ગર્જના અથવા એલાર્મ કોલ કંઈ કામ લાગતા નથી. સંજીવ કુમાર કહે છે, મૂળભૂત રીતે તમે બધા હાથીઓને હંમેશા માટે મૂર્ખ બનાવી શકતા નથી.

પરંતુ હાથીઓ હંમેશા એક પગલું આગળ હોવાનું જણાય છે. તેઓ પોતે (પોતાની હિલચાલથી) જ લોકોને શીખવતા હતા કે તેમને (જંગલની) અંદર શી રીતે રાખવા એ જાણે તેઓ સમજી ગયા હોય કે તેમ હવે તેઓએ કેમેરાની જાળ તોડવાનું શરૂ કર્યું છે. સંજીવ વાત કરે છે ત્યારે હું મારા સ્ક્રીન પરના ચિત્ર તરફ જોઉં છું: વાડની આગળ બે હાથીઓ એકસાથે ઝૂકી રહ્યા છે, દોરડાને કેવી રીતે પાર કરીને રાગી સુધી પહોંચવું તેની યોજના ઘડી રહ્યા છે ...

લેખક ગોપકુમાર મેનનનો આ વાર્તાના રિપોર્ટિંગ દરમિયાન મદદ કરવા બદલ, તેમના આતિથ્ય અને મૂલ્યવાન ઇનપુટ્સ માટે આભાર માને  છે.

આ સંશોધન અભ્યાસને અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા તેના સંશોધન અનુદાન  કાર્યક્રમ 2020ના ભાગરૂપે અનુદાન પ્રાપ્ત થયેલ છે.

મુખપૃષ્ઠ છબી (મોટ્ટઈ વાલ): નિશાંત શ્રીનિવાસૈયા.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Aparna Karthikeyan

Aparna Karthikeyan is an independent journalist, author and Senior Fellow, PARI. Her non-fiction book 'Nine Rupees an Hour' documents the disappearing livelihoods of Tamil Nadu. She has written five books for children. Aparna lives in Chennai with her family and dogs.

Other stories by Aparna Karthikeyan
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik