તિરુવનંતપુરમમાં એમ. જી. રોડ પાસે આવેલી જનકીય હોટેલની શાખામાંથી  તૈયાર ભાણાનું પેકેટ  ખરીદવાની રાહ જોતા આર. રાજુ  કહે છે,  “અમારા જેવા લોકો, જેઓ લોકડાઉનમાં બેરોજગાર થઇ ગયા છે, તેમને માટે જનકીય હોટેલ એક મોટી મદદ છે.”

૫૫ વર્ષના રાજુ એક સુથાર છે. તેઓ એક મહિનાથી પણ વધારે સમયથી રોજના  ૩ કિલોમીટર સાઈકલ ચલાવી   જનકીય આવે છે અને ફક્ત ૨૦ રુપિયામાં ભાણું લઈ  જાય  છે.  એ ભાણામાં હોય છે -  ભાત, અથાણું, ૩ જાતની કરી અને એક શાકાહારી તોરન  (શાકની સાંતળેલી વાનગી), જે તેઓ કહે છે કે 'શ્રેષ્ઠ છે.'

રાજુ ઉમેરે છે, "જ્યારે લોકડાઉન જાહેર  થયું ત્યારે હું ચિંતિત હતો." તેમને  ત્યાર પછી કોઈ કામ નથી મળ્યું. "મારી પાસે ખાસ બચત નહોતી, અને મને નહોતું લાગતું કે હું બે મહિના ખાવાનું ખરીદી શકીશ. પણ અહીં  મને મહિને આશરે ૫૦૦ રુપિયામાં ખાવાનું મળી રહે છે."

ટી કે રવીન્દ્રન એક કોલ સેન્ટરમાં કામ કરે છે, આજકાલ તેઓ પણ  જનકીય હોટલના પરવડી શકે એવા ભાવના ભાણા પાર આધાર રાખે  છે. રવીન્દ્રન એમ. જી. રોડથી ૩ કિલોમીટર દૂર  તિરુવનંતપુરમના પેત્તાહ  વિસ્તારમાં એકલા ભાડે રહે છે. બપોરના ભોજન માટે તેઓ પોતાની ઓફિસની કેન્ટીન પર આધાર રાખતા. પણ  ૨૫ મી માર્ચે  રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના થોડા દિવસ પહેલા 23મી માર્ચે  જ્યારે કેરલા સરકારે લોકડાઉનની જાહેરાત કરી ત્યારથી ઓફિસની  કેન્ટીન બંધ છે. રવીન્દ્રન કહે છે, "બીજી રેસ્ટોરન્ટ બહુ મોંઘી છે. ડિલિવરી ચાર્જ પણ ઊંચો છે."  તેઓ  લગભગ ૭૦ કિલોમીટર દૂર કોલ્લમથી ૨ વર્ષ પહેલા અહીં શહેરમાં આવ્યા હતા.

તેઓ અને રાજુ જે જનકીય શાખામાં જાય છે, તેમાં 10 મહિલાઓનું એક જૂથ તૈયાર ભાણાના પેકેટ બનાવવામાં વ્યસ્ત છે. દરરોજ તેઓ લગભગ 500 ભાણા બનાવીને પેક કરે છે - પ્લાસ્ટિકકોટેડ કાગળમાં ભાત મૂકી ઉપર છાપું વીંટાળે, અને સિલ્વર ફોઈલમાં શાક વીંટાળે, જેથી ઢોળાય નહિ. જનકીય (લોકોની) હોટલ  એક 'ફક્ત પાર્સલ' હોટેલ છે. ત્યાં સોમવાર થી શનિવાર, સવારના ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી ભાણું મળે છે.
Kudumbashree members in the Janakeeya Hotel near Thiruvananthapuram's M.G. Road cook and pack about 500 takeaway meals every day
PHOTO • Gokul G.K.
Kudumbashree members in the Janakeeya Hotel near Thiruvananthapuram's M.G. Road cook and pack about 500 takeaway meals every day
PHOTO • Gokul G.K.

તિરુવનંતપુરમના એમ જી રોડ પાસે આવેલ જનકીય હોટેલમાં કુડુંબશ્રીના સભ્યો આશરે ૫૦૦ ટેકઅવે ભાણા બનાવે અને પેક કરે છે

"અમે સવારે ૭ વાગ્યા સુધીમાં અહીં આવી જઈએ  છીએ અને તરત કામે લાગી જઈએ છીએ. ૧૦ વાગ્યા સુધી રાંધવાનું પૂરું થઇ જાય છે અને પછી તરત અમે  પેકિંગ કરવા માંડીએ છીએ.  કે. સરોજમ શાખાના રોજબરોજના કામ પર નજર  રાખે છે. તેઓ કહે છે, રસોડું બંધ થાય પછી અમે બીજે દિવસે રાંધવાના શાક સમારી લઈએ  છીએ. હું મોટે ભાગે રાંધવામાં મદદ કરું છું. અહીં દરેક વ્યક્તિને કોઈક કામ સોંપેલું હોય છે."

સરોજમ અને તેમની ટીમની બીજી મહિલાઓ કુડુંબશ્રીના સભ્યો છે. આ નામ કેરલા રાજ્ય ગરીબી નિવારણ મિશનનું છે. તે રાજ્યભરના મહિલા સંગઠનોનો સમૂહ છે. એના સભ્યો કેરલામાં (૨૬ મે સુધીમાં) ૪૧૭ જનકીય શાખાઓ સંભાળે અને ચલાવે છે, આ શાખાઓ સામાન્ય રીતે કુડુંબશ્રી હોટેલ તરીકે ઓળખાય છે.

આ સમૂહની શરૂઆત ૧૯૯૮માં થઈ હતી અને તેમના કામમાં  માઈક્રો ફાઈનાનસિંગ, ખેતીવાડી, મહિલા સશક્તિકરણ અને આદિજાતિ સમુદાયો માટે વિકાસ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.  કેન્દ્ર સરકારની  ખોરાક સુરક્ષા, રોજગાર અને આજીવિકાને લગતી યોજનાઓના અમલીકરણ માટે પણ કુડુંબશ્રી મધ્યવર્તી એજન્સી  છે.

આ સસ્તા ભાવે ભાણાનો કાર્યક્રમ કુડુંબશ્રી અને કેરલા/ કેરળના  સ્થાનિક સરકારી વિભાગોએ સાથે મળીને શરુ કર્યો હતો. એમ. જી. રોડ પરની  ૩ રૂમની શાખા  - એક રસોડું, એક હોલ જ્યાં ખાવાનું પેક થાય છે અને આપવા માટે એક કાઉન્ટર - નગરપાલિકાના સદનમાં છે. એ તિરુવનંતપુરમની ૨૨ જનકીય હોટેલમાંથી એક છે.

રોજ બપોરે લગભગ ૨ વાગ્યે આ શાખા  પર ગ્રાહકોનો ભારે ધસારો થાય  છે - કોવિડ-૧૯ના કારણે થયેલ લોકડાઉનને પરિણામે હૉસ્ટેલમાં રોકાઈ ગયેલા  વિદ્યાર્થીઓ,  વૈદકીય પરિચારકો,  એમ્બ્યુલન્સ ચાલકો,  વિભિન્ન ઇમારતોના ચોકીદારો,, આવશ્યક સમાનની હેરફેર કરતા ડ્રાઈવરો અને  બીજા ઘણા.  કુડુંબશ્રીના જિલ્લા સંચારક ડો. કે આર શાઇજુ અમને કહે છે, "અમારા મોટા ભાગના  ગ્રાહકો  એવા લોકો છે જેઓ  લોકડાઉનના કારણે એમની આવક ખોઈ ચૂક્યા છે, જેમની પાસે ખાવાનું ખરીદવાના ખાસ પૈસા નથી અથવા જેઓ  પોતાના માટે ખાવાનું બનાવી શકવાની સ્થિતિમાં નથી."
The lunch parcels, priced Rs. 20, are stacked on the counter. They are mostly bought by people left with barely any income in the lockdown
PHOTO • Gokul G.K.
The lunch parcels, priced Rs. 20, are stacked on the counter. They are mostly bought by people left with barely any income in the lockdown
PHOTO • Gokul G.K.

૨૦ રુપિયાની કિંમતના પાર્સલનો થપ્પો કાઉન્ટર પર પડ્યો છે. તે મોટે ભાગે એવા લોકો ખરીદે છે જેમની લોકડાઉનમાં ખાસ કોઈ આવક રહી નથી

ભોજનના તૈયાર પેકેટ દરવાજા કાઉન્ટર પર રાખ્યા છે. માસ્ક અને હાથમોજા પેહેરલ કુડુંબશ્રી કાર્યકર્તા  પૈસા લે છે અને પાર્સલ આપે છે. કુડુંબશ્રીના સભ્ય એસ. લક્ષ્મી કહે છે,  "અહીંયાં કતાર થાય ત્યારે પણ લોકો સામાજિક અંતર (સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ) જાળવી રાખે તેનું અમે ધ્યાન રાખીયે છીએ."

લક્ષ્મી અને સરોજમ કુડુંબશ્રીના ૪૫ લાખ સભ્યોમાંથી છે, જેમનું આયોજન પડોશી જૂથ (નેબરહૂડ ગ્રુપ NHG) દ્વારા થાય છે. કેરલા/ કેરળના ૭૭ લાખમાંના  ૬૦ ટકા ઘરોમાંથી  પરિવારની ઓછામાં ઓછી એક વ્યક્તિ આ જૂથ સાથે જોડાયેલ છે.

જનકીયની પ્રત્યેક શાખા નજીકનું પડોશી જૂથ ચલાવે છે. એમ. જી. રોડની શાખા ત્યાંથી આશરે ૫ કિલોમીટર દૂર આવેલા કુરિયતિના પડોશી જૂથની છે. તેઓ રોજ લગભગ ૫૦૦ પેકેટ ભોજન બનાવે છે, જે સામાન્ય રીતે કાઉન્ટર બંધ થતા પહેલા વેચાઈ જાય છે. એવું ભાગ્યે જ થયું છે કે તેમનું ખાવાનું ખૂટ્યું હોય. સરોજમ કહે છે, "અને કોઈ વખત અમારા ૫ કે ૬ પેકેટ વધી જાય છે, જે અમે ઘેર લઈ જઈએ  છીએ."

8મી એપ્રિલે એમ. જી. રોડ પરની શાખા  શરુ થઈ તે સવારે ૮ થી સાંજે ૫ સુધી કામ કરતા એ. રાજીવ માટે આશીર્વાદરૂપ થઈ પડ્યું. ૨૩ માર્ચથી લોકડાઉન શરુ થયું ત્યારથી ૨૮ વર્ષીય રાજીવ પોતાની પિક-અપ વાનમાં હોસ્પિટલો અને દવાની દુકાનોમાં દવાઓ પહોંચાડે  છે. તેઓ કહે છે, "લોકડાઉનનું પહેલું અઠવાડિયું બહુ મુશ્કેલ હતું કેમ કે કોઈ રેસ્ટોરન્ટ ખુલ્લી નહોતી. મારા મમ્મી સવારે વહેલા ઊઠીને મારું બપોરનું ભોજન બનાવતા હતા. આ શાખા મારા માટે સુલભ છે કેમકે મારી મોટા ભાગની ડિલિવરીઓ આ વિસ્તારની નજીકમાં જ  છે. મને લગભગ ૫૦૦ રુપિયામાં અહીંથી આખા મહિનાનું ભોજન મળી રહે છે. હું ઈચ્છું છું  કે લોકડાઉન પછી પણ તેઓ આ ચાલુ રાખે. એનાથી અમારા જેવા લોકોની બહુ મદદ થશે.”
Left: Rice is packed in coated paper. Right: A. Rajeev with his meal packets. 'I hope they will continue even after the lockdown'
PHOTO • Gokul G.K.
Left: Rice is packed in coated paper. Right: A. Rajeev with his meal packets. 'I hope they will continue even after the lockdown'
PHOTO • Gokul G.K.

ડાબી બાજુ: કોટેડ કાગળમાં ભાત બંધાય છે. જમણી બાજુ: પોતાના ભોજનના પેકેટ સાથે એ. રાજીવ. "હું ઈચ્છું છું  કે લોકડાઉન પછી પણ તેઓ આ ચાલુ રાખે"

જનકીયનું ભાણું કૃષ્ણ કુમાર અને તેમની કમાણી પર નિર્ભર તેમના વૃદ્ધ માબાપને  પણ ઉપયોગી થયું  છે. આ પરિવાર શહેરની દક્ષિણે  શ્રીવરાહમ વિસ્તારમાં રહે છે. તેઓ કહે છે, "હું રોજ અમારા ૩ જણ માટે ૨ પેકેટ ભોજન ખરીદું છું. રવિવારે અમે ઢોસા જેવું કંઈ  સાદું બનાવી લઈએ છીએ અથવા એક પેકેટ ઓટ્સ  ઉકાળી લઈએ છીએ.

લોકડાઉન પહેલા કુમાર એક ઠેકેદાર માટે પ્લમર તરીકે કામ કરતા હતા. જ્યારે  તેમને કામ માટે બોલાવતા ત્યારે  દિવસના  ૮૦૦ રુપિયા મળતા. તેઓ મહિનાના આશરે ૧૬૦૦૦ રુપિયા કમાતા. તેઓ કહે છે, "આ બે મહિના [એપ્રિલ અને મે] માટે ઠેકેદારે મને અર્ધા મહિનાનો પગાર આપ્યો છે. મેં  સાંભળ્યું છે કદાચ લોકડાઉન લંબાવશે. મને ખબર નથી કે તેઓ મને આ રીતે ક્યાં સુધી પગાર આપી શકશે".

૨૦૨૦માં કેરલા સરકારે શરૂ કરેલ ભૂખ મુક્ત કેરલા અભિયાનના ભાગરૂપે  કુડુંબશ્રી હોટેલો શરુ કરાઈ  હતી. રાજ્યના નાણાંમંત્રી શ્રી થોમસ આઈઝાકે  ૭ મી ફેબ્રુઆરીએ બજેટની રજૂઆતના તેમના વક્તવ્યમાં  આ પ્રકારની  હોટેલોની વિભાવના રજૂ કરી હતી.

કુડુંબશ્રીની પહેલી શાખા 29 મી ફેબ્રુઆરીએ આલપ્પુળા જિલ્લાના મન્નનકેરી શહેરમાં શરુ થઈ હતી. જ્યારે 24 મી માર્ચથી આખા દેશમાં લોકડાઉનની જાહેરાત થઈ ત્યારે રાજ્યની લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ સરકારે આ પ્રકારની વધારે હોટેલો શરુ કરવાના પોતાના  પ્રયાસો પણ વધાર્યા. ૨૬ મી મે સુધીમાં રાજ્યની જનકીય હોટેલોએ ૨૦ રુપિયાનું એક એવા લગભગ ૯.૫ લાખ ભાણા  વેચ્યા હતા.

રાજ્ય સરકારની ઘણી બધી ઓફિસોની કેન્ટીન પણ કુડુંબશ્રી સંભાળે છે. પણ  તેના સભ્યોએ જનકીય શાખાઓ  જેવું આટલા મોટા પાયે કામ ક્યારેય સંભાળ્યું નહોતું. સરોજમ કબૂલ કરે છે કે  પહેલી વખત જ્યારે  આ વિચાર અંગે સાંભળ્યું  ત્યારે તેઓ શંકાશીલ હતા. રસોડું સાંભળવાનો તેમને અનુભવ ન હતો અને અહીં તો તેમને વડા બનવાનું હતું.
Left and centre: K. Sarojam and S. Lekshmi. We had never run anything of this scale,' says Sarojam. Right: The packets are almost over by 3 p.m.
PHOTO • Gokul G.K.
Left and centre: K. Sarojam and S. Lekshmi. We had never run anything of this scale,' says Sarojam. Right: The packets are almost over by 3 p.m.
PHOTO • Gokul G.K.
Left and centre: K. Sarojam and S. Lekshmi. We had never run anything of this scale,' says Sarojam. Right: The packets are almost over by 3 p.m.
PHOTO • Gokul G.K.

ડાબી બાજુ અને વચ્ચે: કે. સરોજમ અને એસ. લક્ષ્મી. સરોજમ કહે છે, 'અમે આટલા મોટે પાયે કંઈ  ચલાવ્યું ન હતું.'  જમણી બાજુ: બપોરે ૩ વાગ્યા સુધીમાં લગભગ  બધા પેકેટ વેચાઈ જાય છે

પોતાના પડોશી જૂથના પ્રમુખ તરીકે  ભૂતકાળના સરોજમના કામોમાં  બેઠકનું સંચાલન કરવું, લોનનો વહીવટ કરવો અને કુરિયતિના પડોશી જૂથના સભ્યોએ શરુ કરેલા વેપાર, જેવા કે સાબુ, અથાણાં અને હસ્તકલાની ચીજવસ્તુઓ બનાવવાનું, તેમાં એમની મદદ કરવી જેવા કામોનો સમાવેશ થતો હતો. તેઓ કહે છે, 'અમે આવા મોટા પાયે કંઈ  ચલાવ્યું ન હતું. મને ખાતરી નહોતી  કે અમે આ બરોબર ચલાવી શકીશું કે નહિ.'

કુડુંબશ્રી મિશને આપેલા  પ્રારંભિક ભંડોળથી કુરિયતિ પડોશી જૂથે જનકીય શાખા શરુ કરી. કેરલા રાજ્ય નાગરિક  પુરવઠા વિભાગ ચોખા, શાક અને બીજી ચીજવસ્તુઓ  સસ્તા  ભાવે આપે છે અને ભાડા અને ફર્નિચર જેવા ખર્ચા તિરુવનંતપુરમ નગરપાલિકા  પુરા પાડે છે. કુડુંબશ્રી મિશન પોતાના સભ્યોને પ્રત્યેક ભાણાના વેચાણદીઠ  ૧૦ રુ પિયા સબસીડી આપે છે. સરોજમ કહે છે, ‘બધી સબસીડી ગણો તો એક ભાણાના પેકેટની કિંમત ૨૦ રુપિયાથી થોડી વધારે થાય  છે (કુડુંબશ્રી તરફથી મળતી  ૧૦ રુપિયાની સબસીડી  ઉમેરતા પહેલા).'

શાઇજુ કહે છે કે પડોશી જૂથની ટીમ પ્રત્યેક ભાણાના વેચાણદીઠ  ૧૦ રુપિયા કમાય છે. સરોજમ કહે છે કે તેમની કમાણી  શાખા ચલાવતા દસ સભ્યો વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે છે.

તેમની શાખા આટલી સફળ થશે એવું તેમણે ધાર્યું નહોતું. તેઓ ઉમેરે છે, "જ્યારે લોકો અમારા વિષે સારી વાતો કરે છે ત્યારે અમને ખુશી થાય છે. ભલે અમે પહેલા અચકાતા હતા, પણ પછી મુશ્કેલીઓ હોવા છતાં અમે આમાં આગળ  વધવાનું નક્કી કર્યું અને હવે અમને ખુશી છે કે અમે આ કર્યું."

બપોરના ૩ વાગ્યા છે. એમ. જી. રોડની શાખા પરની  કતાર હવે ઓછી થવા માંડી છે. માત્ર મહિલાઓની બનેલી ટીમ કામમાં વ્યસ્ત છે: તેઓ રસોડું સાફ કરે છે અને બીજા દિવસ માટે શાક સમારે  છે.

પાસે રાજુ પોતાની સાઈકલ લઈને  ઊભો છે. એ પોતાના પેકેટ તરફ ઈશારો કરે છે અને કહે છે: "આ મહિલાઓ કોઈને ભૂખે નહિ મરવા દે.

અનુવાદ: શ્વેતલ વ્યાસ પારે

Gokul G.K.

Gokul G.K. is a freelance journalist based in Thiruvananthapuram, Kerala.

Other stories by Gokul G.K.
Translator : Shvetal Vyas Pare

Shvetal Vyas Pare is a PhD student at the School for Culture, History and Language at the College of Asia and the Pacific at the Australian National University. Her work has been published in academic journals like Modern Asian Studies, as well as in magazines line Huffington Post India. She can be contacted at [email protected]

Other stories by Shvetal Vyas Pare