'Naukar ho ya maalik, leader ho ya public

apne aage sabhi jhuke hain, kya raja kya sainik'

(નૌકાર હો યા મલિક, લીડર હો યા પબ્લિક 

અપને આગે સભી ઝૂકે હૈ, ક્યા રાજા ક્યા સૈનિક ')

1957 માં આવેલી ફિલ્મ 'પ્યાસા' માં સાહિર લુધિયાનવીના જાણીતા ગીત 'તેલ માલિશ'ની આ પંક્તિઓએ અવગણના અને ભેદભાવ સહન કરનાર વાળંદ(હજામ) સમુદાયને  થોડુંઘણું માન અપાવ્યું.

હાલની લોકડાઉનની પરિસ્થિતિએ લાતુર જિલ્લામાં - હકીકતમાં આખા મહારાષ્ટ્રમાં અરે ખરું પૂછો તો આખા ભારતમાં - તેમના એ માનનો એકાદો નાનો સરખો અંશ પણ તેમની પાસે રહેવા દીધો નથી. મૂળભૂત રીતે રોજિંદી કમાણી પર આધારિત  તેમના ધંધાને તો બેવડો ફટકો પડ્યો છે  કારણ તેમને માટે તો તેમના ગ્રાહકોથી સામાજિક અંતર જાળવવાનો વિચાર કરવાનું પણ શક્ય  નથી.

40 વર્ષનો ઉત્તમ સૂર્યવંશી (ઉપરના કવર ફોટોમાં ડાબે, ભત્રીજા આરુષ સાથે) કહે છે, “લોકડાઉનને કારણે અમારી તો જિંદગી જોખમમાં છે. મને ખબર નથી હવે પછીના 10-15 દિવસમાં હું મારા કુટુંબને શી રીતે ખવડાવીશ.” તે લાતુર શહેરથી 11 કિલોમીટર દૂર, લગભગ 6000 ની વસ્તી ધરાવતા ગંગાપુર ગામનો એક વાળંદ છે.

લોકડાઉન દરમ્યાન તેમની તકલીફ સમજાવતા ઉત્તમ કહે છે, “મારા ગામમાં 12 પરિવારો સંપૂર્ણપણે આ ધંધા પર નિર્ભર છે. અમે કમાઈએ નહીં તો અમે ખાઈએ શું?/અમારે ભૂખે મારવા વારો આવે."  તેના સલૂનમાં ત્રણ ખુરશીઓ છે, બીજી બે ખુરશી પરના ઘરાકને તેના ભાઈઓ, 36 વર્ષનો શ્યામ અને 31 વર્ષનો  કૃષ્ણ સંભાળે  છે (ઉપર કવર ફોટોમાં વચ્ચે અને જમણે). સૂર્યવંશી હેર સલૂનમાં વાળ કપાવવાના   50 રુપિયા,  હજામત કરાવવાના 30 રુપિયા, ચંપી કરાવવાના 10 રુપિયા  અને ફેશિયલના 50 રુપિયા થાય. 25 માર્ચે લોકડાઉન શરૂ થયાના એક દિવસ પહેલા  ત્રણેય ભાઈઓમાંના દરેક લગભગ 300-400 રુપિયા કમાયા હતા.

Left: Policemen outside a salon in Jalna town, Jalna district. It isn't only Latur that's affected by the lockdown. Right: A pre-locked-down photo of Mauli Gents Parlour in Udgir town of Latur district
PHOTO • Kalyan Dale
Left: Policemen outside a salon in Jalna town, Jalna district. It isn't only Latur that's affected by the lockdown. Right: A pre-locked-down photo of Mauli Gents Parlour in Udgir town of Latur district
PHOTO • Awais Sayed

ડાબે: જલના જિલ્લાના જલના શહેરમાં સલૂનની બહાર તૈનાત પોલીસકર્મીઓ. લોકડાઉનથી ફક્ત લાતુર જ અસરગ્રસ્ત છે એવું નથી. જમણે: લાતુર જિલ્લાના ઉદગીર શહેરમાં મૌલી જેન્ટ્સ પાર્લરનો લોકડાઉન પહેલાનો ફોટો

જ્યારે કામ સંપૂર્ણપણે બંધ થઈ ગયું હોય ત્યારે ચાર જણના કુટુંબનું પેટ  કેમ ભરવું એ ઉત્તમ માટે એક મોટો પ્રશ્ન  છે. તે પૂછે છે, "ખરું પૂછો તો આ જ અમારે કમાવાનો સમય છે અને ત્યારે જ બધું બંધ રાખવું પડે, એથી વધુ ચિંતાજનક બાબત શું હોઈ શકે?" તે સમજાવે છે કે  ઉનાળો એટલે  લગ્નગાળાની મોસમ, અને ત્યારે જ  વાળંદોને વધુ કમાણી કરવાની સારી તક હોય છે અને એ કમાણીમાંથી તેઓ જે દેવામાં ફસાયેલા હોય છે તેની ચુકવણી કરી શકે છે.

લાતુર જિલ્લા કેશકર્તનાલય સંગઠન (સલુન્સના સંગઠન) ના અધ્યક્ષ ભાઉસાહેબ શેંદ્રેએ જણાવ્યું કે, "વર્ષ 2018 થી, અમારા પ્રદેશમાં સતત દુષ્કાળને લીધે અમે અમારી સેવાઓમાં કોઈ ભાવવધારો કરી શક્યા નથી. અમારામાંના લગભગ 80 ટકા લોકો જમીનવિહોણા અને બેઘર છે. આ જ સમયગાળા દરમ્યાન અમે મકાન અને સલૂન ભાડામાં 15 ટકાના વધારાનો બોજ સહન કર્યો હતો. જીવન નિર્વાહનો ખર્ચ વધી રહ્યો છે, પણ અમારી આવક ઘટતી જાય  છે. અમારું નુકસાન નક્કી છે, આજીવિકા અનિશ્ચિત છે.

શેંદ્રેનું સંગઠન રાજ્ય કક્ષાના મહારાષ્ટ્ર નાભિક મહામંડળ સાથે સંકળાયેલું છે, જે રાજ્યમાં નાભિક (વાળંદ) ઓબીસી સમુદાયને જોડતું એક સંગઠન છે. મહામંડળના વડા કલ્યાણ ડાલેનો દાવો છે કે મહારાષ્ટ્રમાં 4 લાખથી વધુ નાભિકો છે. જો કે આ બાબતની પુષ્ટિ કરતા  કોઈ સત્તાવાર આંકડા નથી. પરંતુ જો અગાઉના આંકડા પરથી વસ્તીનો આશરે અંદાજ કાઢીએ તો, એ સ્પષ્ટ છે કે  તેમની સંખ્યા લાખોમાં છે.

જિલ્લાના 6,000 સલુન્સ - જેમાંથી  800 માત્ર લાતુર શહેરમાં છે - લગભગ 20,000 લોકોને રોજગારી પૂરી પાડે છે. સંગઠનનું કહેવું છે કે દરેક સલૂનમાં સરેરાશ 3-4 ખુરશીઓ હોય છે અને દરેક ખુરશીદીઠ દિવસના  400-500 રુપિયાની કમાણી થાય છે. અર્થાત કુલ મળીને  તેઓ રોજ લગભગ12-13 લાખનો ધંધો કરે છે.

જિલ્લામાં આવેલા બાકીના 5200 સલુનમાં દરેકમાં સરેરાશ 2-3 ખુરશીઓ છે અને ખુરશીદીઠ રોજના  200-300 રુપિયાની કમાણી થાય છે. એટલે તેઓ કુલ મળીને રોજનો લગભગ  47 લાખનો ધંધો કરે છે.

21 દિવસ સુધી બંધ તમામ સલુન બંધ રહેતા માત્ર લાતુર જિલ્લાના આ ગરીબ અને દલિત સમુદાયને 12.5 કરોડ રુપિયાનું નુકસાન વેઠવું પડશે.
A forlorn hoarding in Udgir advertising Shri Ganesh Gents Parlour
PHOTO • Awais Sayed

ઉદગીરમાં  શ્રી ગણેશ જેન્ટ્સ પાર્લરની જાહેરાત કરતું પાટિયું

વાળંદો સંપૂર્ણપણે રોજિંદી કમાણી પર નિર્ભર હોય છે અને તે રોજિંદી કમાણીનો આધાર જે તે દિવસે દુકાનમાં કેટલા ઘરાક આવે છે તેની પર છે... તેમાંથી કોઈની પાસે ખાસ બચત હોતી નથી, ઘણા દેવામાં ડૂબેલા હોય છે. અને હવે લોકડાઉન પછી તેમની સ્થિતિ વધુ કથળી છે

શેંદ્રે કહે છે, "અમારી સાથે કામ કરનારા વાળંદોની તો એવી  હાલત  છે કે તેમને એક ટંક ખાવાના પણ સાંસા છે." હતાશ શેંદ્રે ઉમેરે છે, "એટલે અમે 50,000 રુપિયા ભેગા કરીને  જિલ્લામાંના  50 જરૂરિયતમંદ પરિવારોને દરેકને આશરે 1000 રુપિયાની કીટની સહાય પૂરી પાડી છે. કીટમાં 10 કિલો ઘઉં, પાંચ કિલો ચોખા, બે કિલો તેલ અને એક -એક કિલો મસૂર દાળ, ખાંડ અને મગફળી  છે. ઉપરાંત એક ડેટોલ સાબુ પણ  છે. અમે સરકાર દ્વારા જાહેર કરાયેલા ત્રણ મહિનાના અચોક્કસ મફત રેશનના ભરોસે ન રહી શકીએ."

વાળંદો સંપૂર્ણપણે રોજિંદી કમાણી પર નિર્ભર હોય છે અને તે રોજિંદી કમાણીનો આધાર જે તે દિવસે દુકાનમાં કેટલા ઘરાક આવે છે તેની પર છે. ઘણીવાર, આ અદના કારીગરો  યુવા પેઢીને જોઈતી હોય તેવી આધુનિક સ્ટાઈલના હેરકટ પણ ખૂબ ઓછી કિંમતે કરી આપે  છે. તેમાંથી કોઈની પાસે ખાસ બચત હોતી નથી, ઘણા દેવામાં ડૂબેલા હોય છે.

અને હવે લોકડાઉન પછી તેમની સ્થિતિ વધુ કથળી છે. પૈસાની સગવડ કરવા માટે તેમની પાસે બે જ રસ્તા છે: ‘નવા યુગ’ ની  ફાઇનાન્સ કંપનીઓ કે જે વાર્ષિક 15 ટકા વસૂલે છે (જો કે હિસાબ માંડીએ તો અંતે આ ભાર તો આ આંકડા કરતા ઘણો  વધી જાય છે) અથવા ખાનગી શાહુકાર, જે મહિને  3 થી 5 ટકા વ્યાજ લે છે.

લાતુર શહેરની સીમમાં ખડગાંવમાં રહેતો વાળંદ સુધાકર સૂર્યવંશી દેવામાં ડૂબેલો છે. તે કહે છે, "મારી કમાણીનો સૌથી મોટો ભાગ મારા બાળકોના ભણતર પાછળ ખર્ચાઈ જાય છે." (લોકડાઉન જાહેર થયું તેના એક દિવસ પહેલા તે આશરે 300 રુપિયા કમાયો હતો). આ વર્ષે જાન્યુઆરીમાં તેણે બાળકોના શિક્ષણ માટે એક શાહુકાર પાસેથી  મહિને 3 ટકાના વ્યાજના  દરે 1 લાખ રુપિયાની લોન લીધી હતી. તેણે માર્ચ મહિનામાં  3000 રુપિયાનો પહેલો હપ્તો પણ ચૂકવી દીધો હતો. જો કે, તેની સમસ્યાઓ તો એ પહેલા જ શરૂ થઈ ગઈ હતી.
Left: Rutu’s Beauty Zone is one of many salons in Latur city Right: Deserted main thoroughfare of Latur city
PHOTO • Vilas Gawali
Left: Rutu’s Beauty Zone is one of many salons in Latur city Right: Deserted main thoroughfare of Latur city
PHOTO • Vilas Gawali

ડાબે: લાતુર શહેરના  800 સલૂન-પાર્લરમાંનું એક ઋતુ'ઝ બ્યુટી ઝોન જમણે: લાતુર શહેરનો નિર્જન મુખ્ય માર્ગ

તે કહે છે, "ડિસેમ્બર 2019 માં મને મારી બેંકનો ફોન આવ્યો કે મારું જનધન ખાતું રદ કરવામાં આવ્યું છે." આ બે રીતે વિચિત્ર હતું. પહેલું તો તેણે તમામ જરૂરી દસ્તાવેજ - પાનકાર્ડ, આધાર, ‘ઓરેન્જ’ રેશનકાર્ડ વિગેરે - આપ્યા હતા. બીજું  તે ખાતામાં તેને ક્યારેય કોઈ પૈસા મળ્યા ન હતા. ‘ઓરેન્જ’ કાર્ડ મહારાષ્ટ્રના શહેરી વિસ્તારમાં રહેતા અને જેમની વાર્ષિક આવક 59,000 રુપિયાથી  1 લાખ રુપિયા જેટલી છે ઓરેન્જ કાર્ડ આપવામાં આવે છે. તેમના પરિવારના રેશનકાર્ડ પર 'પ્રાધાન્યતા કુટુંબ'નો સિક્કો છે, જે તેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભાર્થી બનાવે  છે.

સુધાકર ફરિયાદ કરે છે, “મારી પાસે તે રેશનકાર્ડ છે, પરંતુ આ મહિનામાં મને તેના પર કંઈ મળ્યું નથી સસ્તા અનાજની દુકાનના માલિકનું કહેવું છે કે અનાજનો પુરવઠો ક્યારે આવશે તે અંગે તેમને પણ કોઈ ખબર નથી.” આ સમયગાળામાં તે પોતાનું ભાડુ કેવી રીતે ચૂકવશે તે અંગે પણ તે ચિંતિત છે. આ વર્ષે જાન્યુઆરીમાં, મકાનમાલિકે તેનું ભાડું 2,500 રુપિયાથી  વધારીને 3,000 રુપિયા કરી દીધું છે. પરિણામે, તેના પરનો બોજ વધતો જાય છે.

તે કોરોનાવાયરસ અંગેનો પ્રસાર માધ્યમોનો પ્રચાર ખાસ ગંભીરતાથી લેતા  નથી. “જ્યારે અમારે રોજેરોજ એક ટંક ખાવાના સાંસા છે, ત્યાં હેન્ડ સેનિટાઈઝર્સ અને રક્ષણાત્મક માસ્ક વિશે ક્યાંથી વિચારીએ?

“સંકટ તો અમારે માટે રોજનું થયું. ગઈકાલે હતું, આજે છે અને આવતીકાલે રહેશે. ”

કવર ફોટો: કુમાર સૂર્યવંશી.

અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.

Ira Deulgaonkar

ઈરા દેઉલગાંવકર 2020 ના PARI ઇન્ટર્ન છે; તે પૂનાની સિમબાયોસિસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઈકોનોમિક્સના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં બીજા વર્ષમાં છે.

Other stories by Ira Deulgaonkar