અમે 5 મી એપ્રિલે હૃદય પરભુને મળ્યા ત્યારે તેણે કહ્યું, “ઈંટના ભઠ્ઠામાં  કોઈ લોકડાઉન નથી. અમે હંમેશની જેમ જ રોજ કામ કરીએ છીએ. કોઈ એક ફેર હોય તો માત્ર એ જ  કે ગામડાનું અઠવાડિક બજાર બંધ છે, તેથી અમારા માલિક તરફથી અમને મળતા અઠવાડિક ભથ્થામાંથી અનાજ અને આવશ્યક ચીજો ખરીદવામાં મુશ્કેલી પડે છે."

હૃદય ત્રણ વર્ષથી તેલંગાણામાં એક ભઠ્ઠામાં કામ કરે  છે -  દેવું ચૂકતે કરવાની ચિંતાએ નાછૂટકે તે આ ધંધામાં ધકેલાયો છે. દર વર્ષે, તે તેની પત્નીને ઓડિશાના બાલનગીર જિલ્લાના તુરેકેલા તાલુકાના ગામ ખુટુલુમુંડામાં છોડીને અહીં આવે છે. તે તૂટ્યાફૂટ્યા હિન્દીમાં બોલતા કહે છે, “હું મારા ગામમાં લોહકાર [લુહાર] તરીકે સારી કમાણી કરતો હતો, પરંતુ મેં મારું મકાન બનાવ્યું એ પછી હું દેવામાં ડૂબ્યો. ત્યારબાદ નોટબંધી [વિમુદ્રીકરણ] આવી. મારા ગામમાં કામ બહુ ઓછું હતું, મારે માથે  દેવું વધતું ગયું અને મને ઈંટો બનાવવા અહીં આવવાની ફરજ પડી. અહીં ભઠ્ઠામાં કામ કરતા દરેકને માથે  દેવું છે."

હૃદય સંગરેડ્ડી જિલ્લાના જિન્નારામ મંડળના ગડ્ડીપોતારમ ગામમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરે છે. 25 માર્ચના રોજ જાહેર થયેલા અણધાર્યા લોકડાઉનને કારણે અહીં કામ કરતા મજૂરોના મનમાં મૂંઝવણ અને અનિશ્ચિતતા પેદા થઈ હતી.  તે જ ભઠ્ઠામાં કામ કરતા હૃદયના દૂરના સબંધી જયંતિ પરભુએ કહે છે, "દર શુક્રવારે, અમે અમારું અઠવાડિક ભથ્થું લઈ અહીંથી ત્રણ કિલોમીટર દૂર ગામના બજારમાં   શાકભાજી અને અનાજની ખરીદી કરવા જતા. કેટલાક મજૂરો  દારૂ પણ ખરીદતા. હવે એ  બધું બંધ થઈ ગયું છે કારણ લોકડાઉનને કારણે બજાર બંધ છે. "

જોકે લોકડાઉન શરૂ થયાના બે દિવસ પછી મજૂરો શુક્રવારી બજારમાંથી કેટલીક ખાદ્ય ચીજો ખરીદી શક્યા હતા, પરંતુ તે પછીના શુક્રવારે તેઓ અટવાઇ ગયા હતા કારણ કે ત્યાં સુધીમાં બજાર બંધ થઈ ગયું હતું. હૃદયે કહ્યું, “અનાજ મેળવવાનું  મુશ્કેલ થઈ ગયું છે. અમને તેમની ભાષા [તેલુગુ] આવડતી નથી એટલે દુકાન શોધતા શોધતા અમે ગામમાં થોડું આગળ નીકળી ગયા ત્યારે પોલીસે અમને ભગાડી મૂક્યા."

PHOTO • Varsha Bhargavi

ગડ્ડીપોતારમના ભઠ્ઠામાં હૃદય પરભુએ (ઉપર ડાબી બાજુ, સફેદ શર્ટમાં) અને અન્ય મજૂરો. લોકડાઉન દરમ્યાન તેલંગાણાના ઘણા ભાગોમાં ઈંટના ભઠ્ઠાઓ  ચાલુ છે

લોકડાઉન છતાં તેલંગાણાના ઘણા ભાગોમાં 25 મી માર્ચ પછી પણ ઈંટના ભઠ્ઠાઓ ચાલુ  છે. 2019 ના અંતે ભઠ્ઠામાં પહોંચતા પહેલા મજૂરોને તેમનું  વેતન મળ્યું હતું. જયંતિએ કહ્યું, “અમને દરેકને  ભઠ્ઠામાં કામ પર આવતાં પહેલાં 35,000 રુપિયા અગોતરા મળ્યા હતા." તેને અને અન્ય લોકોને પરિવારદીઠ  દર અઠવાડિયે અનાજ માટેનું ભથ્થાના 400 રુપિયા  પણ મળે છે. (જો કે, કદાચ તેમની સાથેની અમારી વાતચીત દરમ્યાન ભઠ્ઠાના માલિક અને મંડળ મહેસૂલ અધિકારી હાજર હતા તે કારણે મજૂરો કહેતા રહ્યા કે આ વ્યક્તિ દીઠ છે. તેમની હાજરીમાં તો  મજૂરોએ એમ પણ કહ્યું  કે તેમના શેઠ હંમેશા તેમને  ખૂબ સારી રીતે રાખે છે ! - જ્યારે હકીકતમાં તો આ સૌથી વધુ શોષણખોર ઉદ્યોગ-ધંધામાંનો એક છે.)

કામદારોએ ભઠ્ઠા પર તેમના કામકાજના સાત મહિનાના કાર્યકાળ દરમ્યાન, કુટુંબની ટીમ દીઠ 3,000 થી 4,000 - ઈંટોનો  દૈનિક લક્ષ્યાંક પૂરો કરવાનો હોય છે. ઓડિશાથી મજૂરો આવે એ પછી નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં ઈંટના ભઠ્ઠાઓમાં કામ શરૂ થાય છે. તે મેના અંત સુધી અથવા જૂનની  શરૂઆત સુધી ચાલે છે.

ગડ્ડીપોતારમના ભઠ્ઠામાં બધા કામદારો ઓડિશાના છે. તેમાંના હૃદય અને જયંતિ જેવા ઘણા રાજ્યમાં OBC (અન્ય પછાત જાતિ) તરીકે સૂચિબદ્ધ લુહુરા સમુદાયના છે. હૃદયે સમજાવ્યું કે સરદાર અથવા ઠેકેદાર , સામાન્ય રીતે દરેક સીઝનમાં લગભગ 1000 મજૂરોના જૂથને તેલંગાણાના વિવિધ ભઠ્ઠામાં લાવે છે. “એવા ઘણા ઠેકેદારો છે જેઓ ઓડિશાના ગામોમાં જઈને અમારા  જેવા મજૂરોને ભેગા કરે  છે. હું એક નાના ઠેકેદાર સાથે અહીં આવ્યો છું. મોટો ઠેકેદાર 2000 મજૂરો પણ લાવી શકે છે.

આ વખતે હૃદય  તેની કિશોરવયની દીકરીને પણ તેની સાથે કામ કરવા લાવ્યો હતો. 55 વર્ષના પિતાએ કહ્યું કે, “કિરમાની 16-17 વર્ષની હશે. તેણે અધવચ્ચેથી ભણવાનું છોડી દીધું, એટલે તે અહીં મારી સાથે કામ કરવા માટે આવી છે. ઈંટો બનાવવામાં બે હાથ બીજા ઉમેરાય તો  હંમેશા સારું  રહે છે અને તેના લગ્ન કરવા માટે અમારે  પૈસાની જરૂર  છે. હવે, કોરોનાવાયરસથી અને અનિશ્ચિતપણે લંબાઈ રહેલા લોકડાઉનથી ડરના માર્યા, તેઓ તેમના ગામ પાછા ફરવા ઉતાવળા થયા છે.

The kiln workers' makeshift huts – around 75 families from Balangir district are staying at the kiln where Hruday works
PHOTO • Varsha Bhargavi
The kiln workers' makeshift huts – around 75 families from Balangir district are staying at the kiln where Hruday works
PHOTO • Varsha Bhargavi

ભઠ્ઠામાં કામ કરતા મજૂરોની કામચલાઉ ઝૂંપડીઓ - બાલનગીર જિલ્લાના લગભગ 75 પરિવારો હૃદય જ્યાં કામ કરે છે એ ભઠ્ઠામાં રહે  છે

રાજ્ય સરકારની સ્થાનિક શિક્ષણ કચેરીના એક સ્ત્રોતના જણાવ્યા અનુસાર  હાલમાં સાંગારેડ્ડી જિલ્લાના જિન્નારામ અને ગુમ્મડીદલા મંડળોના  ઈંટના ભઠ્ઠામાં  આશરે 4800 જેટલા ઓડિશાના પરપ્રાંતીય મજૂરો કામ કરી રહ્યા છે. અને શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પરપ્રાંતીય  બાળકો માટેની કામના સ્થળે આવેલી શાળામાં ભણતા 7 થી 14 વર્ષની ઉંમરના 316 બાળકો પણ ઈંટના  ભઠ્ઠાના પરિસરમાં રહે છે. (છ વર્ષથી નાના બાળકોની સંખ્યા જાણી શકાઈ નથી.) હૃદય  અને કિરમાની જે ભઠ્ઠામાં કામ કરે છે ત્યાં બાલનગીર જિલ્લાના 75 કુટુંબો છે, તેમાં પુખ્ત વયના 130 લોકો, 7 થી 14 વર્ષની વય જૂથના 24 બાળકો અને નાનાં ભૂલકાં પણ છે.

31 વર્ષની જયંતિ ત્રણ બાળકોની માતા છે. જયંતિ ઈંટના ભઠ્ઠામાં તેના પતિના  જેટલા જ કલાક કામ કરે છે. તેણે  કહ્યું કે, “અમે સવારના 3 વાગ્યાથી ઈંટો બનાવવાનું શરૂ કરીએ છીએ અને સવારે 10-11 વાગ્યા સુધીમાં કામ પૂરું કરીએ છીએ. અમે સવારની પાળી પછી વિરામ લઈએ છીએ. મહિલાઓ લાકડાં ભેગાં કરવા જાય, રસોઈ પૂરી કરે, બાળકોને નવડાવે અને બપોરે 1 વાગ્યાની આસપાસ જમે, અને ત્યારબાદ થોડા કલાક આરામ કરે છે. ચાર વ્યક્તિઓ ટીમ તરીકે કામ કરે છે. અમે બપોર પછી ફરીથી 4 વાગ્યે કામ શરૂ કરીએ છીએ. અને રાત્રે 10 વાગ્યા સુધી ઈંટો બનાવવાનું ચાલુ રાખીએ છીએ. અમે વાળુ કરીએ ત્યાં સુધીમાં તો લગભગ મધરાત થઇ જાય કે પછી ક્યારેક તો રાતના 1 પણ વાગી જાય. "

જયંતિના લગ્ન 14-15 વર્ષની ઉંમરે થયાં હતાં - તેને ચોક્કસ ઉંમર યાદ નથી. 5 મી એપ્રિલે અમે તેને મળ્યા ત્યારે તેણે  તેના બે વર્ષના પુત્ર બસંતને તેડેલો હતો અને તેની છ વર્ષની પુત્રી અંજલિને  ટેલ્કમ પાવડરનો ડબ્બો ખાલી કરતા રોકવાનો પ્રયત્ન કરતી હતી, જેનાથી તે તેના મોઢા પર પાવડર લગાડી ફોટોગ્રાફ્સ માટે પોઝ. આપતી હતી. જયંતિનો સૌથી મોટો પુત્ર 11 વર્ષનો છે. તે ચાલીને જઈ શકાય એટલા અંતરે જ બીજા ભઠ્ઠામાં આવેલી કામના સ્થળે આવેલી શાળામાં ભણે છે.  પણ હાલ લોકડાઉનને કારણે હવે શાળા બંધ થઈ ગઈ છે. જયંતિ પોતે ક્યારેય શાળામાં ગઈ નથી; અમને તેની ઉંમર જણાવવા તેણે અમને તેનું આધાર કાર્ડ બતાવ્યું.

ખુટુલુમુંડામાં જયંતિના પતિના કુટુંબની બે એકર જમીન છે. તેણે કહ્યું કે, "ફક્ત એક એકર જમીન જ ખેતીલાયક છે. અમે કપાસ ઊગાડીએ છીએ, કારણ બીજ કંપનીના એજન્ટો બીજથી માંડીને જંતુનાશકો સુધીની દરેક વસ્તુ અમને  ઘરઆંગણે  પહોંચાડે  છે. તેઓ અમારી પાસેથી લણણી કરેલ કપાસ ખરીદવા પાછા આવે છે. અમે જૂનમાં જ્યારે વરસાદ પડે ત્યારે વાવણી શરૂ કરીએ છીએ અને નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં કપાસની લણણી કરીએ છીએ. તેઓ અમને દર વર્ષે લણણી કરેલા કપાસ માટે 10000 રુપિયા આપે છે. "

Left: Joyanti Parabhue (standing) with other workers. Right: Kirmani (in blue), Joyanti, Anjoli and Bosanth (in background), in the cooking area of Joyanti's hut
PHOTO • Varsha Bhargavi
Left: Joyanti Parabhue (standing) with other workers. Right: Kirmani (in blue), Joyanti, Anjoli and Bosanth (in background), in the cooking area of Joyanti's hut
PHOTO • Varsha Bhargavi

ડાબે:  જયંતિ પરભુએ (ઊભેલા) અન્ય કામદારો સાથે. જમણે: કિરમાની (વાદળી કપડાંમાં), જયંતિ, અંજલિ  અને બસંત (પૃષ્ઠભૂમિમાં), જયંતિની ઝૂંપડીના રસોઈઘરમાં

તેમના ગામમાં કોઈ, અથવા ખરીદદારો કંપનીઓને વેચેલા કપાસનું વજન કરતા નથી. જયંતિએ કહ્યું, "અમને આનંદ છે કે તેઓ અમને બીજ અને જંતુનાશક દવા આપે છે અને કપાસની ખરીદી પણ કરે છે. અમારા જેવા મોટા કુટુંબ માટે 10000 રુપિયા પૂરતા નથી. અમે દર વર્ષે કપાસની લણણી કર્યા પછી આ ઈંટના ભઠ્ઠા પર કામ કરવા માટે આવીએ છીએ.

ભઠ્ઠાઓ પર, મજૂરો તૂટેલી અને નુકસાનીવાળી ઈંટોના ખડકલામાંથી બનાવેલી કામચલાઉ ઝૂંપડીઓમાં રહે છે. ફક્ત થોડી ઝૂંપડીઓમાં ગારાનું લીંપણ છે. ઈંટના  ભઠ્ઠાના માલિકે પાણી-શુદ્ધિકરણનું મશીન રાખ્યું છે જેમાંથી પીવાનું પાણી મળી રહે  છે - કામના સ્થળ પર આ એકમાત્ર સુવિધા છે.

27 વર્ષની ગીતા સેને તેના બાળકને ઊંચકેલું છે. તેણે અમને ભઠ્ઠાની પાછળનો ખુલ્લો વિસ્તાર બતાવ્યો.  “અમે ત્યાં મેદાનમાં કુદરતી હાજતે જઈએ. નહાવા અને કપડાં ધોવા માટે અમારે ત્યાં સુધી પાણી લઈ જવું પડે. પુરુષો તો મન ફાવે ત્યાં નહીં લે. પરંતુ અમે મહિલાઓ અહીં નાહીએ છીએ." પથ્થરના ચાર સ્લેબ, ડહોળા પાણીથી ભરેલા થોડા તૂટેલા પ્લાસ્ટિકના વાસણ અને લાકડીઓથી ટેકવેલ પ્લાસ્ટિકની શીટથી ઢંકાયેલી એક નાનકડી જગ્યા તરફ ઈશારો કરતા તેણે કહ્યું, તેણીએ નાના વિસ્તાર તરફ ઇશારો કરતા કહ્યું. “અમારામાંથી એક જણ અહીં ઊભા રહીને ધ્યાન રાખે ત્યારે બીજું નહાય. અમે ભઠ્ઠાની નજીકની સ્ટોરેજ ટાંકીમાંથી પાણી લઈ આવીએ. ”

સવારના નાહેલા પાણીથી બનેલા અડધા-પડધા સૂકાઈ ગયેલા  બંધિયાર  પાણીના ખાબોચિયા પાસે અમે ઊભા હતા. શિશુઓ અને બાળકો સાથે બીજી કેટલીક મહિલાઓ ત્યાં આવી. તે બધા ઘેર જવા માગે છે. ગીતાએ અચકાતા અચકાતા પૂછ્યું, "લોકડાઉન પછી અમે બધા પાછા ઓડિશા જઈ શકીએ?"

PHOTO • Varsha Bhargavi

અમે જયાં હતા ત્યાં  સાથે થોડી સ્ત્રીઓ તેમના બાળકો સાથે ભેગી થઈ હતી  - એ બધાને ઘેર જવું છે. જમણે: ભઠ્ઠામાં સ્નાન કરવાની જગ્યા, તેમાં ભાગ્યે જ કોઈ સુવિધાઓ છે

30 મી  માર્ચે તેલંગાણા સરકારે લોકડાઉન દરમિયાન રાહતનાં પગલાંનાં ભાગ રૂપે દરેક પરપ્રાંતીય મજૂરને 12 કિલો ચોખા અને 500 રુપિયા આપવામાં આવશે એવી જાહેરાત કરી હતી. અને એ વખતે તો લોકડાઉન 14 મી એપ્રિલે પૂરું થવાનું હતું.જો કે,  ગડ્ડીપોતારમમાં રહેતા પરપ્રાંતીય પરિવારો સુધી 5 મી એપ્રિલ સુધી નહોતી આવી કોઈ સહાય પહોંચી કે નહોતા આ પરિવારો ગામના બજારમાંથી કંઈ ખરીદી શક્યા. જ્યારે સ્વયંસેવકોએ આ પરિવારોને  બે અઠવાડિયા ચાલે એટલી આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓના (એક ખાનગી કંપની દ્વારા ફાળવવામાં આવેલ) 75 રેશન કીટ પહોંચાડ્યા ત્યારે, તેમણે છેલ્લા 24 કલાકથી કંઈ ખાધું નહોતું.

સાંગારેડ્ડીમાં જિલ્લા વહીવટીતંત્રને તેમની સ્થિતિની જાણ કરવામાં આવી તે પછી કલેકટરે 5 મી એપ્રિલે મજૂરોને ચોખા અને પૈસા  મોકલ્યા હતા, પણ તે સહાય પરિવારદીઠ આપવામાં આવી હતી નહિ કે વ્યક્તિદીઠ. અમે જેમની સાથે વાત કરી તેમાંના ઘણાં સ્થળાંતરીત કામદારો કહે છે  કે સહાય વિતરણમાં તેમનું સ્થાન સાવ નીચલા સ્તરે - રાજ્યના  રેશનકાર્ડ ધારકોની નીચે  છે. તેમને મળતા ભથ્થામાંથી મજૂરો ગામની દુકાનોમાંથી થોડી વસ્તુઓ ખરીદી શક્યા છે.  આ દુકાનો  હવે સવારે 11 વાગ્યા સુધી ખુલ્લી રહે છે.

એ  બધા ઘેર પાછા જવા તલપાપડ છે. ગુસ્સાથી હૃદયે પૂછ્યું, "અમને કોરોના થાય એની રાહ જોતા અમે અહીં બેસી રહીએ એવું જોઈએ છે તમારે? જો મરવાનું જ હોય, તો અમે બધા અમારા વતનમાં અમારા કુટુંબના સભ્યો વચ્ચે મરવાનું પસંદ કરીશું."

અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

Varsha Bhargavi

Varsha Bhargavi is a labour and child rights activist, and a gender sensitisation trainer based in Telangana.

Other stories by Varsha Bhargavi
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik