સિરાજ મોમીનને ભૂલ કરવી પોસાય એમ નથી. એક ચૂક અને પ્રતિ મીટર કાપડ દીઠ ૨૮ રૂપિયા તેઓ ગુમાવી દેશે. તેમણે ઉભા અને આડા બંને દોરાની સંખ્યા ચોક્કસપણે જાળવવી પડે છે. જેથી તેઓ બિલોરી કાચથી થોડી થોડી વારે વણાટનું અવલોકન કરે છે. અને ૬ કલાકના સમય દરમિયાન, હેન્ડલૂમના ૨ પેડલ, મીનીટમાં ૯૦ વખત કે દિવસ દરમિયાન ૩૨,૪૦૦ વખત દબાવે છે. તેમનાં પગની હિલચાલ હાર્નેસ – ૩૫૦૦ વાયરની લંબચોરસ ફ્રેમને ચાલું બંધ કરે છે. આ લગાતાર પગની હિલચાલને લીધે સોય પર બાંધેલો દોરો આ વાયરોમાંથી પસાર થાય છે. આનાથી એક કાપડ બને છે, જેમાં પ્રતિ ઇંચ દીઠ ૮૦ આડા અને ૮૦ ઉભા દોરા હોય છે – જે કલાક દીઠ એક મીટર બને છે.

૭૨ વર્ષીય સિરાજ, આ કામ અડધી સદી કરતાં પણ વધારે સમયથી કામ કરે છે, જ્યારથી તેઓ ૧૫ વર્ષના હતાં ત્યારથી. તેમનું હેન્ડલૂમતો તેમનાં કરતાં બમણી વયનું છે, જે સદી જુના સાગનાં  લાકડામાંથી બનેલું કૌટુંબિક વરસાગત વસ્તુ છે. તેનાં પર, છેલ્લાં ૫૭ વર્ષથી સિરાજે કાપડની બનાવટનું નિર્દેશન કર્યું છે – હાટવણાટમાં તેમનાં જેવા કુશળ વણકરની - દોરાની સતત તપાસ કરતાં રહેવા માટે, હાથ-પગની હિલચાલને સંકલિત કરવા માટે અને કાપડમાં ઉભા અને આડા દોરડાઓની સંખ્યા બરાબર હોવાની ખાતરી કરવા માટે જરૂર પડે છે.

સિરાજના ઘરમાં અત્યારે લગભગ ૭ ફૂટ ઉંચા ૨ હેન્ડલૂમ છે. એક સમય એવો હતો કે તેમની પાસે આવાં ૭ હેન્ડલૂમ હતાં અને તેને ચલાવવા માટે કારીગર પણ રાખ્યા હતાં. તેઓ કહે છે કે, “૧૯૮૦ના દશક સુધી ઘણું કામ આવતું હતું.” ૩ દશકાઓ પહેલાં, તેમણે બીજા ગામનાં ખરીદારને ૧૦૦૦ રૂપિયા લેખે ૩ હેન્ડલૂમ વેચી દીધાં અને ૨ હેન્ડલૂમ કોલ્હાપુર શહેરનાં એક NGO ને દાન કરી દીધાં.

૧૯,૭૬૪ (૨૦૧૧ની વસ્તીગણતરી) લોકોની વસ્તી ધરાવતાં કોલ્હાપુર જીલ્લાનાં હત્કાન્ગગલે તાલુકાનાં તેમનાં ગામ રેન્દલમાં સિરાજ પરિવાર ત્રણ પેઢીઓથી હાથવણાટ ચલાવે છે અને કાપડ બનાવે છે. ૧૯૬૨માં આઠમાં ધોરણનો અભ્યાસ કરીને સિરાજે પોતાની ફોઈ હલીમા પાસેથી વણાટની કળા શીખી હતી. તેમનાં ફોઈ રેન્દલમાં વણાટકામ જાણતી ખુબ ઓછી સ્ત્રીઓમાંથી એક હતાં. ગામની મોટાભાગની સ્ત્રીઓ હાથ વડે વણાટકામ કરતી – જેવું કે તેમનાં પત્ની મૈમુના એ અમુક વર્ષો પછી કર્યું.

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

સિરાજ મોમીન તેમનાં કુટુંબમાં વણાટકામ કરતી ત્રીજી અને છેલ્લી પેઢીમાં છે; ૭૨ વર્ષની વયે, તેઓ મહેનતથી હેન્ડલૂમ પર ફેબ્રિક બનાવે છે – જે સોય પર બાંધેલી દોરી હેડલના વાયરમાંથી પસાર થાય છે (ડાબો ફોટો)

પરંતુ અન્ય જગ્યાઓની જેમ રેન્દલ ગામમાં પણ હાથવણાટની જગ્યા, અટક્યા વગર ઝડપથી ચાલતાં અને હાથવણાટ કરતાં ઓછાં ભાવે કાપડ બનાવતા પાવરલૂમે લઇ લીધી છે. ધ પાવરલૂમ અસોસિયેશન ઓફ રેન્દલના પ્રમુખ રાઓસાહેબ તાંબે કહે છે કે, “પાવરલૂમમાં એજ કાપડ ૩ રૂપિયા પ્રતિ મીટર કરતાં પણ ઓછાં ભાવે બનાવી શકાય છે.” તે અંદાજો લગાવે છે કે, રેન્દલમાં વર્ષ ૨૦૦૦માં ૨૦૦૦-૩૦૦૦ પાવરલૂમ હતાં એની જગ્યાએ અત્યારે ૭૦૦૦-૭૫૦૦ છે.

સિરાજ જાણે છે કે ગ્રાહકો સસ્તું કપડું પસંદ કરે છે. સિરાજ કહે છે કે, “જો એજ કપડું પાવરલૂમ પર વણવામાં આવે, તો કોઈ તેના માટે ૪ રૂપિયા પ્રતિ મીટરથી વધારે ભાવ આપશે નહીં. અમે ૨૮ રૂપિયા લઈએ છીએ.” હાથવણાટનું કાપડ તેની ગુણવત્તા, વણકરોની મહેનત અને કુશળતાના કારણે મોઘું પડે છે. સિરાજ કહે છે કે, “લોકો હાથ વણાટના કાપડની ગુણવત્તા અને કિંમત સમજી શકતાં નથી. એક મજૂર એક સાથે ઓછામાં ઓછી ૮ પાવરલૂમ સંભાળી શકે છે જયારે હાથવણાટમાં એક કારીગર એક જ હેન્ડલૂમ ચલાવી શકે છે – કારણકે તે એકએક દોરા પર નજર રાખે છે. તેમનું માનવું છે, કે આનાં લીધે પ્રત્યેક હાથ વણાટનું કાપડ વિશિષ્ટ હોય છે.”

પાવરલૂમની પ્રગતિ સાથે સમય જતાં રેન્દલના હેન્ડલૂમ વણકરોએ અનુકુળ થવાનો પ્રયત્ન કર્યો છે. પરંપરાગત રીતે, વણકરો નૌવારી સાડી (૮ મીટર થી થોડીક લાંબી) બનાવતાં હતાં. ૧૯૫૦ના દશકામાં તેઓ ૪ કલાકમાં સાડીને વણી લેતાં હતાં અને નંગ દીઠ ૧.૨૫ રૂપિયા કમાતાં હતાં – ૧૯૬૦ સુધી આ કિંમત વધીને ૨.૨૫ રૂપિયા થઇ. આજે, સિરાજ બજારની માંગ મુજબ ખમીસ બનાવે છે. તેઓ કહે છે કે, “આ ૨ દશકાઓ પહેલા શરુ થઇ હતી, પણ અત્યારે ગામોમાં કૉ-ઓપરેટીવ સોસાયટીઓ હવે બંધ થઇ ગઈ છે.”

ધ ઓટોમેટીક હેન્ડલૂમ કૉ-ઓપરેટીવ વણકર સોસાયટી અને હાથમાગ વણકર કૉ-ઓપરેટીવ સોસાયટી રેન્દલના વણકરો અને સોલાપુર શહેરનાં ખરીદનાર કોર્પોરેશન પશ્ચિમ મહારાષ્ટ્ર હાથમાગ વિકાસ મહામંડળ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરતાં હતાં. સિરાજ કહે છે કે ૧૯૯૭માં હેન્ડલૂમ સાડીઓની માંગમાં ઘટાડો થવાને લીધે સોસાયટીઓ બંધ થઇ ગઈ.

કાચો માલ મેળવવા માટે અને તેમનું વણેલુ કાપડ વેચવા માટે સિરાજ કર્ણાટકના બેલગામ (અત્યારે બેલાગાવી) જીલ્લાનાં ચીકોડી તાલુકાનાં કોગાનોલી ગામમાં આવેલ કર્ણાટક હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (KHDC) ના પેટા કેન્દ્રમાં જોડાયા. તેઓ મને ૬ નવેમ્બર ૧૯૯૮ની સભ્ય-નોંધણીની પાવતી બતાવીને કહે છે, કે રેન્દલના અન્ય ૨૯ વણકરો પણ ૨૦૦૦ રૂપિયાની ડીપોઝીટ જમાં કરાવીને સભ્ય બન્યાં હતાં. પરંતુ, હવે ફક્ત ૪ જ વણકરો – સિરાજ, બાબાલાલ મોમીન, બાલુ પારિત અને વસંત તાંબે, ગામમાં હેન્ડલૂમમાં કામ કરે છે. (જુઓ A life measured in metres and yards ) સિરાજ કહે છે કે, “અમુક લોકો મૃત્યુ પામ્યાં, અમુકે વણાટકામ છોડી દીધું અને બીજાઓએ પોતાનાં હેન્ડલૂમ વેચી દીધાં.”

PHOTO • Sanket Jain

મૈમુના મોમીન, જેઓ હાથ વડે વણાટકામ કરે છે, કહે છે કે હવે યુવાન પેઢીમાંથી કોઈ આ કામ કરશે નહીં

સિરાજના ઘરથી લગભગ ૨૦૦ મીટરના અંતરે  નાના કાદવ વાળા રસ્તાથી આગળ, એક શેડમાં ૭૦ વર્ષીય બાબાલાલ મોમીન છેલ્લાં ૫૭ વર્ષથી વણાટકામ કરે છે. ૧૯૬૨માં, તેમણે તેમનાં પિતા ખુત્બુદ્દીન પાસેથી ૨૨ હેન્ડલૂમ મેળવ્યા હતાં. ૨ દશકાઓ બાદ, બાબાલાલે તેમાંના ૨૧ હેન્ડલૂમ નંગ દીઠ ૧૨૦૦ રૂપિયાના ભાવે અન્ય ગામોનાં ખરીદારોને વેચી દીધાં હતાં.

બાબાલાલના શેડની બાજુમાં હાથ વણાટનાં સાધનો પડ્યા છે – જેમાં અમુક તૂટેલા અને અનુપયોગી હાલતમાં પડેલા છે. જેમાં એક લાકડાનો બીમ અને ડાબી છે જે લૂમના ઉપર જોડવામાં આવે  છે અને જેનાથી નીચે રહેલાં કાપડ પર જટિલ પેટર્ન અને ડીઝાઇન બનાવવામાં આવે છે. બાબાલાલ કહે છે કે, “હું હવે આનું શું કરું? કોઈ પણ વણકર હવે તેને વાપરતાં નથી. હવે આવતી પેઢી તેને ઇંધણ તરીકે વાપરશે.”

તેઓ વધુમાં કહે છે કે, “જયારે ૧૯૭૦માં પાવરલૂમનો ફેલાવો શરૂ થયો, હેન્ડલૂમ વણકરોની માંગ ઘટવા માંડી. પહેલાં, અમે ૪ કલાક કામ કરતાં હતાં અને પુરતું કમાઈ લેતાં હતાં. આજે ભલે અમે ૨૦ કલાક પણ કામ કરીએ અમે ટકી રહેવાં માટે પુરતું કમાઈ શકતાં નથી.”

બાબાલાલ ઇંચ દીઠ ૫૦ ઉભા અને ૫૦ આડા દોરડા હોય એવા કાપડનું વણાટકામ કરે છે. પ્રત્યેક મીટર દીઠ તેઓ KHDC પાસેથી ૧૯ રૂપિયા મેળવે છે. તેઓ ૪૫ દિવસમાં ૨૫૦ મીટર જેટલું કાપડ વણે છે જેમાંથી તેમને ૪૭૫૦ રૂપિયા મળે છે. વણાટ કરેલાં કાપડની કિંમત ઇંચ દીઠ ઉભા અને આડા દોરાઓની સંખ્યા અને કાપડના પ્રકાર અને ગુણવત્તા જેવી ઘણી વસ્તુઓ પર આધાર રાખે છે.

કૉ-ઓપરેટીવ સોસાયટીઓએ પણ બજારની માંગ મુજબ હાથવણાટના ભાવ શક્ય એટલા ઓછાં રાખવા પ્રયત્નો કર્યા છે. એક રીતે એમ કરવા માટે કોટન (રૂ) સાથે પોલીસ્ટરને મિક્ષ કરવામાં આવે છે. KHDC માંથી બાબાલાલ જે સુતર મેળવે છે તેમાં ૩૫% કોટન અને ૬૫% પોલીસ્ટર હોય છે. બાબાલાલ કહે છે કે, “અમે દસેક વર્ષથી ૧૦૦% કોટન વાપરવાનું બંધ કરી દીધું છે કારણકે તે ખુબજ મોઘું પડે છે.”

બબલાલના ૬૮ વર્ષીય પત્ની રઝીયા કહે છે કે સરકારે વણકરોને નિષ્ફળ કર્યા છે. “દર થોડાક વર્ષે સરકરી લોકો અમારી માહિતી લે છે અને ચોક વડે અમારાં હેન્ડલૂમ પર [હેન્ડલૂમની ગણતરીના ભાગરૂપે] કંઈ લખે છે. અગર તેઓ અમને કાપડ માટે સારી કિંમત ના અપાવી શકતા હોય, તો આનો શું ઉપયોગ છે?” રઝીયા પહેલાં બાબાલાલ સાથે કામ કરતાં હતાં અને કાંતવાના તાંતવા (ચરખા જેવા) પર દોરી લગાવતા હતાં. ૨ દશકાઓ પહેલાં, તીવ્ર કમર દર્દે તેમને નિવૃત્ત થવા માટે મજબૂર કર્યા. (વણાટકામ અને કાંતવા માટે તીવ્ર શારીરિક કાર્યક્ષમતા, જે ખાસ સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે, એના લીધે કમર દર્દ, ખભાનો દર્દ અને અન્ય દર્દ થાય છે.)

૨૦૦૯-૧૦માં નેશનલ કાઉન્સિલ ઓફ ઇકોનોમિક રીસર્ચ, નવી દિલ્હી દ્વારા મીનીસ્ટ્રી ઓફ ટેકસટાઇલ માટે કરવામાં આવેલ ત્રીજા હેન્ડલૂમ સેન્સસ ઓફ ઇન્ડિયાએ શોધ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં રહેલ હેન્ડલૂમની સરેરાશ વાર્ષિક આવક ૩૮,૨૬૦ રૂપિયા અથવા ૩૧૮૮.૩૩ રૂપિયા છે. આ ગણતરીએ એમ પણ નોંધ્યું છે કે, ૧૯૯૫માં ભારતમાં ૩૪.૭૧ લાખ વણકરો હતાં જે ૨૦૧૦માં ઘટીને ૨૯.૦૯ લાખ થઇ ગયા છે.

PHOTO • Sanket Jain

અદ્રશ્ય થતી કળાના અવશેષો. ઉપર ડાબે: બાલુ પારિતના વર્કશેડમાં એક લાકડાનું સ્પીન્ડલ. મોટાભાગના હવે પ્લાસ્ટિક સ્પીન્ડલથી બદલી દેવામાં આવ્યાં છે જેમાં આડો દોરો બાંધવામાં આવે છે. ઉપર જમણે: હેન્ડલૂમના હેડલમાંથી પસાર થતાં દોરાઓ. નીચે ડાબે: બાલુની લૂમ નજીક રાખવામાં આવેલ અમુક હાથવણાટની બાબિન નીચે જમણે: શટલને એક છેડાથી બીજા છેડા સુધી ધકેલવા વપરાતો લાકડાનો ખંડ

આ બધાની વચ્ચે રેન્દલના ચોથા વણકર, ૭૬ વર્ષીય બાલુ પારિત છે. તેમણે તેમનાં ગામમાં ધમધમતાં કારખાના – એકથી વધુ લૂમ વાળા વર્કશોપમાં મજૂર તરીકે શરૂઆત કરી હતી. તેમણે પોતાની જાતે હેન્ડલૂમ ચલાવતાં શીખીને ૧૯૬૨માં વણકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેઓ કહે છે કે, “૪ વર્ષ સુધી, હું સુતર કાંતતો હતો અને તેને સુકાવતો હતો. ધીમેધીમે, મેં હેન્ડલૂમ વાપરવની શરૂઆત કરી અને વણાટકામ શીખી ગયો.” તેઓ હસતાં હસતાં ઉમેરે છે કે, “સુતરને ૩૦૦ બાબિન પર કાંત્યા પછી અમે એક રૂપિયો મેળવતાં હતાં. [૧૯૫૦માં].” આ કામ કરતાં એમને ૪ દિવસ લાગતાં.

૧૯૬૦માં બાલુએ એક વણકર પાસેથી ૧૦૦૦ રૂપિયામાં જૂનું હેન્ડલૂમ ખરીદ્યું. તેઓ કહે છે કે, “હું હજુ પણ તે જ લૂમ વાપરું છું.” બાલુંના પત્ની વિમલ કે જેઓ અત્યારે ઘરે છે, તેમણે પૈસા માટે થોડાક વર્ષો અગાઉ, કપડા ધોતા હતાં તેઓ કહે છે કે, “હું એટલાં માટે કામ કરું છું કે જેથી નવરી ન બેસી રહું.” તેમનો દીકરો કુમાર કે જે ૪૦ વર્ષ ઉપરનો છે તે ઈસ્ત્રી કરે છે.

સિરાજ અને મૈમુનાનો મોટો દીકરો ૪૩ વર્ષીય સરદાર કોલ્હાપુર જીલ્લામાં હુપારી શહેરમાં ખાંડની ફેકટરીમાં મજૂર તરીકે કામ કરે છે. અને તેમનો નાનો ૪૧ વર્ષીય દીકરો સત્તાર  રેન્દલમાં એક વેપારીને ત્યાં કામ કરે છે. તેમની ૪૧ વર્ષીય દીકરી બીબીજાન, જેમનાં લગ્ન થઇ ગયા છે અને તે ઘરકામ કરે છે. સત્તાર કહે છે કે, “હેન્ડલૂમ કાપડ માટે કોઈ બજાર (માંગ) નથી. માટે, અમે આ કળા ના શીખવાનું નક્કી કર્યું.”

બાબાલાલના કુટુંબે પણ વણાટકામ સિવાય અન્ય કામ શોધવાનાં પ્રયત્નો કર્યા છે. તેમનો સૌથી મોટો દીકરો – ૪૧ વર્ષીય મુનીર રેન્દલમાં કરિયાણાની દુકાન ચલાવે છે. બીજો દીકરો – ૩૯ વર્ષીય જમીર ખેત મજૂર તરીકે કામ કરે છે. સૌથી નાનો છોકરો – ૩૬ વર્ષીય સમીર બાજુનાં ગામમાં માંસની દુકાન ચલાવે છે. હેન્ડલૂમ પર હવે ફક્ત બાબાલાલ જ રહે છે.

બાબાલાલ ગુસ્સાથી કહે છે કે, “કર્નાટકમાં [બોર્ડરની પેલે પાર જ] આજે પણ હજારો હેન્ડલૂમ છે. શા કારણે મહારાષ્ટ્ર સરકાર પણ હાથવણાટ ઉદ્યોગને જીવિત રાખી શકતી નથી?” ૨૦૦૯-૧૦ની હેન્ડલૂમ ગણતરી બતાવે છે કે, કર્નાટકમાં ૩૪,૬૦૬ ચાલું હેન્ડલૂમ છે જયારે મહારાષ્ટ્રમાં ૩,૨૫૧ જ હેન્ડલૂમ છે. એમાંથી, રેન્દલમાં ફક્ત ૪ જ છે. “અમારાં ૪ ના મૃત્યુ પછી આ વ્યવસાય પણ મરી જશે.” બાબાલાલ મોમીન આટલું કહીને પોતાનાં લૂમમાં પરત ફરે છે.

PHOTO • Sanket Jain

રેન્દલ ગામના વિલીન થતી હેન્ડલૂમ ઉદ્યોગમાં મૈમુના મોમીન હાથ આ ચરખા જેવાં યંત્રમાં વણાટ વડે સુતર કાંતે છે

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

બાબાલાલ મોમીન કામ પર: તૂટેલી દોરીનો છેડો શોધવાનો પ્રયાસ, (હેન્ડલૂમમાં દોરી ઘણી વાર તૂટી જાય છે) અને (જમણે) ધ્યાનપૂર્વક એક દોરીને જોઈ રહ્યાં છે

PHOTO • Sanket Jain

તેમનાં ખુબજ કુશળતા ભર્યા કામ છતાં પણ ઓછી કિંમત મેળવતાં બાબાલાલ પૂછે છે કે, “અમે ૪ વણકરો કઈ રીતે વિરોધ દર્શાવીએ?”

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

બાલુ પારિત દોરીનો છેડો તપાસે છે – સતત તકેદારી વગર કાપડની ગુણવત્તા ઘટી જશે

PHOTO • Sanket Jain

બાલુ વણાટકામ શીખનાર તેમનાં કુટુંબ પહેલાં વ્યક્તિ હતાં – અને હવે રેન્દલના છેલ્લાં ૪ વણકરોમાંથી એક છે

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

આ ચરખા જેવું યંત્ર (ડાબે) ભાગ્યે જ વપરાય છે અને સદીઓ જૂના લાકડાના વણાટ માટેનાં બીમ અને અન્ય સાધનો (જમણે) હવે વપરાયા વગર રેન્દલમાં ધૂળ ખાય છે, અને હેન્ડલૂમ ઉદ્યોગ ધમધમી રહ્યો હતો તે સમયની યાદ અપાવે છે

અનુવાદ: મહેદી હુસૈન

Sanket Jain

Sanket Jain is a journalist based in Kolhapur, Maharashtra. He is a 2022 PARI Senior Fellow and a 2019 PARI Fellow.

Other stories by Sanket Jain
Translator : Mehdi Husain

Mehdi Husain is an Ahmedabad based article writer and translator, who works across Gujarati, Urdu and English languages. He is the editor of Prasann Prabhat online Guajarati magazine. He also works at Meher Library and Jafari Seminary as a proof reader.

Other stories by Mehdi Husain