“કોરોના શરૂ થયો ત્યારથી કોચિયા (વચેટિયો) અમારે ગામ આવતો બંધ થઈ ગયો છે.” જમુનાબાઇ માંડવી કહે છે. ત્રણ અઠવાડિયા પહેલાં એ ટોપલા ખરીદવા આવેલો. એ ન આવે એટલે અમારા ટોપલા વેચાય નહીં. એટલે અમારી પાસે કશું ખરીદવાના પૈસા ન હોય.”

 જમુનાબાઇ છત્તીસગઢના ધમાતરી જિલ્લાના નગરી બ્લોકના કૌહાબાહરા ગામમાં રહેતી ચાર બાળકોની માતા છે. લગભગ ૪૦ વર્ષની આ વિધવા સ્ત્રી કમાર સમુદાયની આદિવાસી છે. આ જૂથને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છત્તીસગઢમાં વિષેશ રૂપથી નબળા આદિજાતી જૂથની યાદીમાં મૂકેલું છે. આ ગામમાં એના જેવા બીજા ૩૬ કમાર કુટુંબો છે. જમુનાબાઇની જેમ જ એ બધા પણ આસપાસના જંગલોમાંથી વાંસ કાપી લાવીને ટોપલા બનાવી ગુજરાન ચલાવે છે.

 જમુનાબાઇ જેને ‘કોચિયા’ કહે છે એ આ વાંસના ટોપલા બનાવનાર બધાને માટે ખૂબ મહત્ત્વનો માણસ છે. આ વચેટિયાઓ કે વેપારીઓ દર અઠવાડિયે એમના ગામમાં ટોપલા ખરીદવા આવે છે અને એ ટોપલા શહેરોના બજારમાં કે ગામડાના અઠવાડિક હાટોમાં વેચાય છે.

 છેલ્લે લગભગ એક મહિના પહેલા વચેટિયા કૌઆબાહરા આવેલા. કોવિડ-19નો લૉકડાઉન શરૂ થયો એ પછી એમનું આવવાનું બંધ થયું છે. જમુનાબાઇને ચાર બાળકો છે. બાર વર્ષની લાલેશ્વરી, એણે પાંચમી ભણીને ભણવાનું છોડી દીધું છે. આઠ વર્ષની તુલેશ્વરી, છ વર્ષની લીલા અને ચાર વર્ષની લખમી. એનો પતિ સિયારામ ચાર વર્ષ પહેલાં ચાળીસેક વર્ષની ઉમરે અતિસારના રોગમાં ગુજરી ગયો. જમુનાબાઇ માટે ચાર બાળકો સાથે જીવવાનું ઘણું અઘરું છે. લૉકડાઉનને કારણે માત્ર ટોપલા વેચવાની આવક જ નહીં, બીજા સ્રોતોમાંથી થતી આવક પર પણ માઠી અસર થઈ છે.

હમણા જંગલમાં મહુડાના ફૂલની ઋતુ પણ છે, જેમાંથી દેશી દારૂ બને છે. નબળા સમયે આ લોકોને મહુડા વેચવાની આવક પણ મળે છે.

Top row: Samara Bai and others from the Kamar community depend on forest produce like wild mushrooms and  taramind. Bottom left: The families of Kauhabahra earn much of their a living by weaving baskets; even children try their hand at it
PHOTO • Purusottam Thakur

ઉપરની હાર: જંગલી મશરૂમ, આંબલી જેવી જંગલ ઉપજો કમાર સમુદાયના સમરીબાઇ અને બીજા લોકો માટે આજીવિકાનો આધાર છે. ડાબી બાજુ નીચે: કૌહાબાહરા ગામના કુટુંબો વાંસના ટોપલા બનાવીને ગુજરાન ચલાવે છે. નાનાં બાળકો પણ રસથી એમાં જોડાય છે

ડાબી બાજુ ઉપર: કૌહાબાહરા ગામમાં સમરીબાઇ (આગળ બેઠેલી) અને જમુનાબાઇ. જમણી બાજુ ઉપર: સમરીબાઇ એના ઘરના વાડામાં, જ્યાં તડકે સુકવવા નાખેલા મહુડા દેખાય છે. નીચે: જમુનાબાઈએ બનાવેલા ટોપલા લૉકડાઉન પછી વેચાયા વિના પડ્યા છે.

જમુનાબાઇ કહે છે, “ કોરોનાને કારણે બજારો અને હાટ બંધ છે. અમે વિણેલાં મહુડાના ફૂલ સરખા ભાવે વેચી પણ શકતા નથી. એનો અર્થ એ કે અમારી પાસે પૈસા ન હોય એટલે અમે ય કશું ખરીદી શકીએ નહીં.”

જમુનાબાઇને છત્તીસગઢમાં મહિને ૩૫૦ રૂપિયા વિધવા પેન્શન મેળવવાનો હક છે પણ એ યોજનામાં એમનું નામ નોંધાયું નથી તેથી એમને એ મળતું નથી.

છત્તીસગઢની સરકારે આખા રાજયમાં ગરીબીની રેખા નીચે જીવતા (બીપીએલ) કુટુંબોને વિનામૂલ્યે બે મહિના ચોખા વિતરણ કરવાના ગંભીરપણે પ્રયત્નો કર્યા છે. એમને દર મહિને ૩૫ કિલોગ્રામ લેખે બે મહિનાનો ૭૦ કિલોગ્રામ જથ્થો આગોતરો આપવામાં આવ્યો છે. મહિનાના બે કિલો લેખે ચાર કિલો મીઠાના પેકેટો પણ આપવામાં આવ્યા છે.  બીપીએલ કુટુંબોને ૧૭ રૂપિયે કિલોના ઘટાડેલા ભાવે ખાંડ પણ અપાય છે. પણ એને માટે પૈસા આપવા પડે. અત્યારે જમુનાબાઇનું કુટુંબ એના પર નભે છે.

પણ આવક સદંતર બંધ થઈ ગઈ છે. બીજું કશું ખરીદવા પૈસા નથી. સરકારી વિતરણમાં શાકભાજી નથી મળતા. અને કેટલાક ખરેખર ગરીબ કુટુંબો પાસે રેશન કાર્ડ નથી. લૉકડાઉન લંબાવવામાં આવ્યો એ પછી આ અંતરિયાળ ગામના બધા જ કમાર કુટુંબોની હાલત હજી વધુ કફોડી થઈ જશે.

જમુનાબાઇ એના બાળકો સાથે એના સાસરાના સગાઓ સાથે એમના સહિયારા લાકડા, માટીના છાપરાવાળા મકાનના એક ભાગમાં રહે છે. સાસરાના કુટુંબીઓ પાછળના ભાગમાં જુદા રહે છે. (એમની પાસે પોતાનો રેશન કાર્ડ છે.)

સમરીબાઇ જમુનાબાઇની સાસુ છે. “અમે પણ ટોપલા બનવીને જ ગુજરાન ચલાવીએ છીએ. પણ સરકારી સાહેબોએ કહ્યું છે કે કોરોના ચાલે છે એટલે જંગલમાં ન જવું. હું નથી જતી પણ મારો વર મહુડા ને લાકડાં વીણવા જંગલમાં જાય છે.”

Left: Sunaram Kunjam sits alone in his mud home; he too is not receiving an old age pension. Right: Ghasiram Netam with his daughter and son; his wife was gathering mahua flowers from the forest – they are being forced to sell the mahua at very low rates
PHOTO • Purusottam Thakur

ડાબી બાજુ: માટીના ઘરમાં બેઠેલો એકલો સૂનરમ કુંજમ. એને પણ વૃદ્ધત્વ પેન્શન નથી મળતું. જમણી બાજુ: ઘાસીરામ નેતમ એની દીકરી અને દીકરા સાથે. એની પત્ની જંગલમાં મહુડા વીણવા ગઈ છે. એમને સાવ નાખી દેવા જેવા ભાવે મહુડા વેચવા પડે છે

સમરીબાઇ કહે છે, “મહુડા રોજેરોજ સમયસર વીણી લેવા પડે. મોડું થઈ જાય તો પશુઓ એને ચરી ખાય અથવા એ બગડી જાય. મહુડા આદિવાસીઓનો રોકડિયો પાક ગણાય છે. અઠવાડિક બજારમાં એ વેચાય. એમાંથી મળતા પૈસા અને ટોપલા વેચવામાંથી મળતા પૈસા એ લોકો પોતાની જરૂરિયાતો ખરીદવા માટે વાપરે છે॰

સમરીબાઈએ કહ્યું, “ગઈ વખતે કોચિયા આવ્યો ત્યારે મને ટોપલા વેચ્યાના રૂ. ૩૦૦ મળેલા. એ પૈસા તેલ, મસાલા, સાબુ અને બીજી વસ્તુઓ લેવામાં વપરાઈ ગયા. પણ કોરોના આવ્યો છે ત્યારથી અમારી જરૂરિયાતની ચીજોના ભાવ બમણા થઈ ગયા છે.”

સમરીબાઈના ચારે ય સંતાનો ગુજરી ગયાં છે. જમુનાબાઈનો પતિ એમાંનો એક હતો. આ વાત કરતી વખતે સમરીબાઇ ખૂબ ભાવુક બની જાય છે. એની વાતો પરથી ચોક્કસ કહી શકાય કે એની ઉંમર ૬૫ વર્ષથી વધારે હશે જ. એને ૩૫૦ રૂપિયા વૃદ્ધત્વ પેન્શન મળવું જોઈએ. પણ એનું નામ નોંધાયું નથી અને એને એ નથી મળતું.

૨૦૧૧ની વસ્તી ગણતરીના અહેવાલ અનુસાર ભારતમાં કમાર સમુદાયના લોકો, ખાસ્સા ૧૦૨૫ લિંગ પ્રમાણ સાથે માત્ર ૨૬૫૩૦ જ છે. તેમનામાંના આશરે ૮૦૦૦ લોકો પાડોશના ઓડિશા રાજયમાં પણ વસે છે. તેમ છતાં એ રાજ્યમાં તેમને ખાસ નબળી હાલતમાં જીવતા જૂથ તરીકે તો નહીં જ, પણ આદિવાસી જૂથ તરીકે પણ માન્યતા નથી મળી.

કૌહાબાહરામાં ૬૫ વર્ષથી વધારે વયના બીજા એક વૃદ્ધ સુનારામ કુંજમ પણ કહે છે, કે એમને પણ વૃદ્ધત્વ પેન્શન નથી મળતું. માટીના ઝૂંપડામાં બેસીને એ કહે છે, “હું ઘરડો થઈ ગયો છુ. હવે મારાથી કામ નથી થતું. હું મારા છોકરા સાથે રહું છું. એ ખેત મજૂરી કરે છે પણ એની પાસે પણ હમણા કશું કામ નથી. આજે એ અને એની પત્ની જંગલમાં મહુડા વીણવા ગયાં છે.”

આ આદિવાસીઓને મહુડા બહુ ઓછા ભાવે આપી દેવા પડે છે. ૩૫ વર્ષનો ઘાસીરામ નેત્રમ કહે છે, “આસપાસના ગામોના લોકો અમારી પાસેથી ટોપલા ખરીદતા, પણ હવે એમની પાસે પણ ટોપલા ખરીદવાના પૈસા નથી. હવે અમે ટોપલા બનાવવાનું બંધ કર્યું છે.  હું અને મારી પત્ની બન્ને જંગલમાં મહુડા વીણવા જઈએ છીએ. હાટબજાર પણ બંધ છે એટલે અમે નજીકની એક દુકાનમાં મહુડા વેચીએ છીએ. અમને એક કિલોના ૨૩ રૂપિયા મળે છે. હાટમાં અમને એક કિલોના ૩૦ રૂપિયા મળે.”

ઘાસીરામને પાંચ બાળકો છે.  એમાંથી એક માયાવતીએ પાંચમી પછી ભણવા જવાનું બંધ કર્યું. “એને મારે આદિવાસી બાળકો માટેની શાળામાં મોકલવી હતી. મેં બહુ પ્રયત્ન કર્યા, પણ ત્યાં એને જગ્યા ન મળી. એટલે એણે આગળ ભણવાનું છોડી દીધું.” એના જેવા બીજા બાળકોને પણ એ શાળામાં જવા ન મળ્યું કારણ કે એમની પાસે જાતિનું પ્રમાણપત્ર ન હતું.

અહીંના ગ્રામવાસીઓ પહેલાથી જ કુપોષણના કારણે શરીરે નબળા, ગરીબીમાં ઘેરાયેલા, સરકારની સામાજિક કલ્યાણ સેવાઓ કે યોજનાઓના લાભથી વંચિત હોઈ, આવી મહામારી દરમિયાન એમની દશા કફોડી થઈ છે. લોકડાઉનને કારણે એમની આજીવિકાની સાંકળ તૂટી ગઈ છે. જો કે, એમાંના ઘણા જંગલમાંથી મહુડા વીણીને વેચી, એ સાંકળને જોડવા પ્રયાસ કરી રહ્યા છે. હમણા તેઓ જંગલમાં મહુડાના ફૂલ વીણવા ગયા છે.

અનુવાદક: સ્વાતિ મેઢ

સ્વાતિ મેઢ ગુજરાતી ફ્રીલાન્સ લેખિકા અને અનુવાદક છે. તેઓ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અંગ્રેજી, પત્રકારત્વ અને અનુવાદકૌશલ્યના અધ્યાપક રહી ચૂક્યાં છે તેમના ગુજરાતીમાં બે મૌલિક પુસ્તકો ત્રણ અનુવાદો અને એક સંપાદિત પુસ્તકો પ્રકાશિત થયાં છે.એમની કેટલીક કૃતિઓના અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં ભાષાઓમાં અનુવાદ પણ થયા છે. તેઓ એક ગુજરાતી અખબારમાં બે કોલમો પણ લખે છે.

Purusottam Thakur

પુરુષોત્તમ ઠાકુર ૨૦૧૫ના પારી (PARI) ફેલો છે. તેઓ એક પત્રકાર અને ફોટોગ્રાફર છે. હાલમાં તેઓ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન માં કામ કરે છે અને સમાજ સુધારણાના વિષયો પર લેખો લખે છે.

Other stories by Purusottam Thakur