20મી મેએ, અમ્ફાન ચક્રવાતને કારણે સૂસવાટાભેર વાતા ભારે પવન અને મૂશળધાર વરસાદને કારણે ચોમેર મોટા પાયે પાયમાલી થઈ હતી, છતાં સબિતા સરદાર ડર્યા નહોતા. તેઓ કહે છે, “અમે ખરાબ હવામાનનો સામનો કરવા ટેવાયેલા છીએ. મને ડર નહોતો લાગ્યો. હકીકતમાં પાકા મકાનોમાં રહેનારા વધારે ડરતા હતા."

સબિતા છેલ્લા 40 વર્ષથી દક્ષિણ કોલકાતાના જાણીતા બજાર ગરિયાહાટના રસ્તા પર રહે છે.

તે દિવસે જ્યારે ભારે ચક્રવાતી વાવાઝોડું પશ્ચિમ બંગાળની રાજધાનીમાંથી પસાર થયું ત્યારે સબિતા અને બીજી કેટલીક  બેઘર મહિલાઓ, ગરિયાહટ ફ્લાયઓવર નીચે તેમની ત્રણ પૈડાવાળી સાઇકલ-લારીમાં, ટોળે વળીને બેસી ગયા  હતા. તેઓએ આખી રાત આમ જ વિતાવી. સબિતા યાદ કરે છે, “કાચના છૂટા ટુકડાઓ હવામાં ઉડતા રહ્યા અને ઝાડ પડતાં રહ્યાં, અમે ત્યાં જ બેસી રહ્યા. પવનને કારણે અમારી તરફ આવતા વરસાદી ઝાપટાથી અમે ભીંજાઈ ગયા. અમે ઢૂમ-ઢામ એવા મોટા અવાજો સાંભળ્યા."

આગલે  દિવસે જ તેઓ ફ્લાયઓવર નીચેના તેમના મુકામે પાછા ફર્યા હતા. 47 વર્ષના સબિતાએ કહ્યું, “હું અમ્ફાન વાવાઝોડાના એક દિવસ પહેલાં મારા દીકરાના ઘેરથી ગરિયાહાટ પાછી આવી હતી. મારાં વાસણો અને કપડાં વેરવિખેર પડ્યાં હતાં, જાણે કોઈએ તેમાં કંઈક શોધવાનો પ્રયત્ન ન કર્યો હોય એવું લાગતું હતું.” તેઓ તેમના દીકરા રાજુ સરદારના ઘેરથી ચાર કિલોમીટર ચાલીને પાછા આવ્યા હતા. ૨૭ વર્ષના રાજુ, તેમની પત્ની ૨૫ વર્ષના રૂપા,  તેમનાં નાનાં બાળકો અને રૂપાની નાની બહેન તાલીગંજની ઝાલદર મઠ ઝૂંપડપટ્ટીમાં ભાડાના રૂમમાં રહે છે.

૨૫ મી માર્ચે  લોકડાઉન શરૂ થતાં કોલકત્તા પોલીસે ગરિયાહાટની ફૂટપાથ પર રહેનારાઓને એક આશ્રયસ્થાનમાં મોકલ્યા હતા. તેઓ (સબિતા) તે આશ્રયસ્થાન છોડીને ઝાલદર  મઠ ચાલ્યા ગયા હતા. તે રાતે, પોલીસ અધિકારીઓ આવ્યા અને ફ્લાયઓવર નીચે રહેતાં  સબિતા અને બીજા લોકોને મળ્યા. સબિતાએ કહ્યું, "તેઓએ અમને કહ્યું કે  [કોરોના] વાયરસના કારણે અમે રસ્તા પર રહી શકીએ નહીં, અને અમારે હાલ પૂરતું કોઈ આશ્રયસ્થાનમાં જવું પડશે." તેઓને કોલકત્તા મ્યુનિસિપલ  કોર્પોરેશનના વોર્ડ નં. 85ના કોમ્યુનિટી હોલમાં લઈ જવામાં આવ્યા હતા.

When Cyclone Amphan hit Kolkata on May 20, Sabita (on the left in the right image) huddled under the flyover with her daughter Mampi and grandson
PHOTO • Puja Bhattacharjee
When Cyclone Amphan hit Kolkata on May 20, Sabita (on the left in the right image) huddled under the flyover with her daughter Mampi and grandson
PHOTO • Puja Bhattacharjee

જ્યારે ૨૦ મી મેએ  કોલકત્તામાં અમ્ફાન ચક્રવાત આવ્યું, ત્યારે સબિતાએ  (લાલ સાડીમાં) ફ્લાયઓવરની નીચે આશરો લીધો. પાછળથી (જમણે) તેમની દીકરી મમ્પી અને અને તેના નાના દીકરા સાથે બેઠેલા

અમ્ફાન આવ્યાના  મહિના પહેલા ૨૦ મી એપ્રિલે મેં સબિતાને  ગરિયાહાટની સૂમસામ ફૂટપાથ પર એક ખખડી ગયેલી બેંચ પર બેઠેલા જોયા હતા.  તેમણે ૧૫ મી એપ્રિલે આશ્રયસ્થાન છોડી દીધું અને પોતાના દીકરા સાથે રહેવા જતા રહ્યા પણ તેઓ તેમના સામાનની સંભાળ લેવા આવ્યા હતા. કામચલાઉ નાની દુકાનો કે જ્યાં સામાન્ય રીતે ફેરિયાઓ છૂટકમાં પોતાનો માલ વેચે છે, તે લોકડાઉનના કારણે બંધ રહેતી હતી. ત્યાં ફૂટપાથ પર રહેતા થોડા લોકો જ હાજર હતા. તેમણે કહ્યું, “હું મારાં કપડાં અને વાસણો બરોબર છે કે નહિ તે જોવા આવી હતી. મને તે ચોરાઈ જવાની ચિંતા હતી, પણ બધું બરાબર જોઈ મને હાશ  થઈ."

સબિતાએ ઉમેર્યું, “આશ્રયસ્થાનમાં અમારી સ્થિતિ સારી નહોતી."  કોમ્યુનિટી હોલ માં આશરે 100 લોકોને થોડાક સમય માટે રાખ્યા હતા. તેમણે કહ્યું કે ત્યાં  “જો કોઈને બીજા કરતાં વધારે ખોરાક મળી જાય તો ઝઘડો થઈ જતો. આવું તો રોજ થતું. એક ચમચો વધારે ભાત  માટે ઝપાઝપી થઈ જતી.” તેમણે આગળ કહ્યું કે ખોરાકની ગુણવત્તા ખરાબ થવા લાગી હતી. “મસાલેદાર ખોરાકને લીધે મારું ગળું બળતું હતું. રોજેરોજ અમને પૂરી ને બટાકાનું એકસરખું જ ભાણું આપવામાં આવતું.” ત્યાંનું વાતાવરણ દુશ્મનાવટભર્યું હતું – ખોરાકના ઝઘડા ઉપરાંત, ત્યાંના ચોકીદારો પણ અપમાનજનક શબ્દો બોલતા , અને ત્યાં રહેતા લોકોને પીવા માટે પૂરતું પાણી  અને ધોવા માટે સાબુ પણ આપવામાં આવતો નહોતો.

સબિતા સાત વર્ષના હતા  ત્યારે તેઓ તેમની માતા, કાનન હલદર અને ત્રણ ભાઈઓ તથા ત્રણ બહેનો સાથે શહેરમાં આવ્યા હતા. ત્યારથી ગરિયાહાટની ફૂટપાથ જ તેમનું ઘર છે. “મારા પિતાને કામ માટે મુસાફરી કરવી પડતી. એકવાર તેઓ કામ માટે ગયા અને પછી ક્યારેય પાછા ન ફર્યા.” તેથી કાનન અને તેમનાં સાત બાળકોએ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના એક ગામમાંથી (સબિતાને અત્યારે ગામનું નામ યાદ નથી) કોલકાતાના બાલીગંજ સ્ટેશનની  ટ્રેન પકડી. સબિતાએ કહ્યું, “મારી માતા બાંધકામના સ્થળોએ  દાડિયા મજૂર તરીકે કામ કરતા હતા. અત્યારે આ કામ કરવા જેવી તેમની ઉંમર રહી નથી. તેઓ નકામો કચરો વીણે છે કે પૈસા માટે ભીખ માગે છે."

સબિતાએ કિશોર વયે જ પોતાના પરિવારને મદદરૂપ થવા નકામો કચરો (છૂટો પાડી ભંગારવાળાને વેચવા) વીણવાનું શરુ કર્યું. 17-18 વર્ષની ઉંમરે તેમણે  શિબુ સરદાર લગ્ન કર્યા. તેઓ પણ ફૂટપાથ પર રહેતા હતા.  તેમને રાજુ સહિત પાંચ બાળકો હતા. શિબુ ગરિયાહાટ બજારમાં દુકાનોમાં માલ પહોંચાડતો અને માછલી કાપવાનું કામ કરતો હતો. તે ૨૦૧૯માં  ક્ષય રોગને કારણે મૃત્યુ પામ્યો. હાલ તેમની બે મોટી દીકરીઓ અને દીકરો  શહેરમાં એન.જી.ઓ. સંચાલિત રહેણાંક શાળામાં  રહે છે. તેમની મોટી દીકરી, 20 વર્ષની મમ્પી અને તેનું નાનું બાળક મોટે ભાગે મમ્પીના અત્યાચારી પતિથી દૂર સબિતાની સાથે રહે છે.

૨૦૦૨માં જ્યારે ગરિયાહાટ ફ્લાયઓવર બંધાયો, ત્યારે સબિતા અને તેમનો વિસ્તૃત  પરિવાર – માતા કાનન, એક ભાઈ, એક બહેન, તેમનાં બાળકો અને તેમનાં ઘરવાળા – સહિત ઘણા ખુલ્લી ફૂટપાથ પરથી  ફ્લાયઓવરની નીચે રહેવા આવી ગયા. કોવિડ - 19 મહામારીને કારણે તેમનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યા.

PHOTO • Puja Bhattacharjee

25 મી માર્ચે કોલકતા પોલીસે ગરિયાહાટના ફૂટપાથ પરથી સબિતા અને તેમની સખી ઉષા ડોલુઈ (નીચે ડાબે) સહિત તમામ વસાહતીઓને હટાવ્યા. અમ્ફાન ચક્રવાત આવ્યું તેના માત્ર એક દિવસ પહેલા 19 મી મેએ સબિતા પોતાના દીકરા રાજુ (નીચે જમણે) ને ઘેરથી ગરિયાહાટ પાછા ફર્યા

25 મી માર્ચે સબિતા, કાનન, મમ્પી અને તેમનો દીકરા, સબિતાના ભાઈ, તેમના ભાભી પિંકી  હલદાર અને તેમની કિશોર દીકરીઓને આશ્રયસ્થાનમાં લઈ જવામાં આવ્યા હતા. થોડા દિવસો પછી  પિંકી અને તેમની દીકરીઓને તેમની શેઠાણીની વિનંતીથી છોડી મૂકવામાં આવ્યા.  પિંકી ગરિયાહાટ નજીક એકદલિયા વિસ્તારમાં  ઘર-નોકર તરીકે કામ કરતા હતા. તેમના એક વૃદ્ધ શેઠાણીને ઘરકામના કામકાજને  પહોંચી વળવામાં મુશ્કેલી પડતી હતી. પિંકીએ કહ્યું, “તેમણે  ગરિયાહાટ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી. અને જ્યારે તેમણે  (શેઠાણીએ) લેખિતમાં બાંહેધરી આપી કે તેઓ અમારી જવાબદારી લેશે અને અમારી સંભાળ લેશે, ત્યારે તેમણે અમને છોડી મૂક્યા.”

પિંકી તેમના સાસુ કાનનને આશ્રયસ્થાનેથી લઈ જવા 15 મી એપ્રિલે પાછા આવ્યા હતા. તેઓ કહે છે , “તેમને  એ  વેરઝેરવાળી જગ્યાએ ફાવતું નહોતું.” પણ પિંકી જ્યારે આશ્રયસ્થાને પહોંચી તો દરવાન સાથે બોલાચાલી થઈ ગઈ, તે પોલીસ-સ્ટેશનમાંથી પરવાનગીનો આગ્રહ રાખતો  હતો. તેમણે  આરોપ મૂકતા કહ્યું, “મેં તેમને માત્ર એટલું જ પૂછ્યું કે શું તેઓ દરેક જણ પાસેથી સહી કરેલ પરવાનગી જોવા માગે છે. તો તે ગુસ્સે થઈ ગયો અને પોલીસને બોલાવ્યા. હું ત્યાં મારાં સાસુની રાહ જોતી હતી, એવામાં પોલીસ ત્યાં આવી પહોંચ્યા અને મને તેની લાકડીથી માર મારવાનું શરૂ કરી દીધું."

કાનન અને સબિતાએ  તે દિવસે આશ્રયસ્થાન છોડી દીધું. સબિતા ગરિયાહાટ ફ્લાયઓવર નીચેની  તેમની જગ્યાએ પાછા ફર્યા હતા, અને  તેમના માતાને આશરે 40 કિલોમીટર દૂર દક્ષિણ 24 પરગણાના મલ્લિકપુર શહેરમાં  સબિતાની બહેન સાથે રહેવા મોકલી દેવાયા.

સબિતા લોકડાઉન પહેલા દિવસના ૨૫૦-૩૦૦ રુપિયા કમાતા હતા, પણ આશ્રયસ્થાન છોડ્યા પછી તેઓ ફરી પાછાં ભંગાર ભેગો કરવાના કામે ન લાગી શક્યા, કારણ કે ભંગાર ખરીદતી દુકાનો ખુલી નહોતી. વળી, જેઓએ આશ્રયસ્થાન છોડી દીધું હતું તેમણે પોલીસ અને તેમની લાઠીઓથી બચવા છુપાતા ફરવાનું હતું. તેથી સબિતા  ઝાલાદર મઠમાં તેમના દીકરાના પરિવાર જોડે રહેવા ચાલ્યા ગયા.

ગરિયાહાટમાં ભંગાર વીણી ભેગો કરવાનું કામ કરનાર  ઉષા ડોલુઇએ કહ્યું, “હું પોલીસથી નાસતી ફરું છું. હું માર ખાવા કે વાઇરસથી સંક્રમિત થવા નથી માગતી. જો ખોરાકમાં સુધારો થયો હોત, તો હું આશ્રયસ્થાને પાછી જાત.”  ઉષાના કિશોરવયના દીકરા-દીકરી  કોમ્યુનિટી હોલમાં છે. વિધવા ઉષા તેમને ત્યાં મૂકીને  એનજીઓ અને નાગરિકો  દ્વારા વિતરણ કરાતું અનાજ અને રેશન તેમને ખવડાવવા માટે લઈ જવા આશ્રયસ્થાનમાંથી બહાર આવ્યા હતા.

PHOTO • Puja Bhattacharjee

સબિતા (ઉપર ડાબે અને નીચે જમણે) મહામુશ્કેલીથી પોતાના પરિવારને ખવડાવી શકે છે. ઉપર જમણે: ઉષા ડોલુઈ ફ્લાયઓવરની નીચે રહેવા માટે પોલીસથી છટકતા ફરે છે. નીચે ડાબે: સબિતાના એક સંબંધી પિંકી હલદર  (ડાબે), , ગરિયાહાટમાં ઘર-નોકર તરીકે કામ કરે છે

ત્રીજી જૂને જ્યારે બધાને આશ્રયસ્થાન છોડવાનું કહેવામાં આવ્યું ત્યારે ગરિયાહાટની  ફૂટપાથ પર રહેતા લોકોમાંથી માત્ર ૧૭ જણાં જ આશ્રયસ્થાને બાકી  રહ્યા હતા. કોમ્યુનિટી હોલ ખાતેના એક સફાઈ કામદારે  કહ્યું કે નજીકના ટ્યૂબવેલમાંથી પીવાનું પાણી લાવવાના બહાને ઘણા લોકો પહેલેથી જ ભાગી ગયા હતા.

ઉષા પણ ગરિયાહાટ પોલીસ સ્ટેશનના રોડની સામે ફ્લાયઓવરની નીચે તેમની મૂળ જગ્યાએ  પાછા ફર્યા છે. તેઓ કહે છે કે બે વાર એક પોલીસવાળો આવ્યો અને તેઓ રસોઈ કરતા હતા ત્યારે તેમના રાંધવાના વાસણને લાત મારીને  ઊંધા વાળી દીધા. લોકોએ  આપેલું અનાજ પણ તેમણે જપ્ત  કરી લીધું. તેઓ તેમની (ઉષાની)  ત્રણ-પૈડાવાળી સાઇકલ-લારી, જેની પર તેઓએ  તેમના કપડાં અને ગોદડાં મૂક્યા હતા તે પણ લઈ ગયા . ઉષાએ કહ્યું, “તેમણે અમને અમારે ઘેર, અમે જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જવાનું  કહ્યું. અમે કહ્યું કે જો અમારી પાસે ઘર હોત તો અમે રસ્તા પર ન રહેતા હોત."

અમ્ફાન ત્રાટક્યું  તે પહેલાં સબિતા ગરિયાહાટમાં રહેવા પાછા આવ્યા, કારણ કે તેમના દીકરા રાજુને તેમના પરિવારના છ સભ્યોને ખવરાવવા માટે સખત મહેનત  કરવી પડતી હતી. તેઓ (રાજુ) ગરિયાહાટમાં એક જૂતાની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો, અને દિવસના ૨૦૦ રુપિયા કમાતો હતો. લોકડાઉન પછી તેણે  પૈસા બચાવવા ઘણી મહેનત કરી છે. તે સાત કિલોમીટર દૂર આવેલા બજારમાં  સસ્તા દરે શાકભાજી ખરીદવા સાઈકલ પર જાય છે. રાજુએ કહ્યું, “અમને   મારા દીકરાની શાળામાંથી [શિક્ષકો પાસેથી] અમુક રેશન મળ્યું હતું  (જે શાળાના શિક્ષકો દ્વારા અપાતું હતું), અને અત્યારે  છેલ્લા કેટલાય દિવસોથી અમે ભાત અને બટાકા ખાઈએ  છીએ.  અમારે  બિસ્કીટ, ચા, દૂધ, તેલ, મસાલા અને અમારા બે વર્ષના નાના બાળક માટે ડાયપરની જરૂર છે. મને ચિંતા છે કે જો  મારે  અચાનક કંઈક  ખરીદવાની જરૂર પડી તો હું શું કરીશ ?  હવે તો મારી પાસે રોકડ પણ નથી."

સબિતાએ પોતાની ત્રણ-પૈડાવાળી સાઇકલ-લારી એક ફળ વેચનારને ભાડા પર આપી છે. ફળ વેચનારે તેમને  દિવસના ૭૦ રૂપિયા આપવાના  હતા પણ તેઓ માત્ર ૫૦ રૂપિયા જ આપે છે.  તેઓ (સબિતા) કહે છે, “અમારે ખાવું તો પડે.” મમ્પી અને તેમનો આઠ મહિનાનો દીકરો હાલમાં  સબિતાની સાથે છે. આટલા પૈસા તેમને બધાને ખવડાવવા માટે પૂરતા નથી અને નજીકના સુલભ શૌચાલયનો ઉપયોગ કરવા માટે પણ તેમાંથી કેટલાક પૈસાની જરૂર છે.

છેલ્લા કેટલાક દિવસોથી સબિતાએ રદ્દી કાગળો  ભેગા  કરવાનું  શરૂ કર્યું છે, કારણ  કે કેટલીક દુકાનો હવે તે ખરીદી રહી છે. તેમને ત્રણ થેલાના ૧૦૦-૧૫૦ રુપિયા મળે છે.

રસ્તા  પર આ બધા  ખતરા અને જોખમો વચ્ચે જીવતા સબિતા  હવે મહામારી અને ચક્રવાતથી ડરતા નથી. તેમણે કહ્યું, “મોત ગમે ત્યારે આવી  શકે છે – લોકો રસ્તા  પર ચાલતા  હોય ત્યારે પણ કોઈ વાહન ટક્કર મારી શકે છે. ફ્લાયઓવરે અમને બચાવ્યા  છે. વાવાઝોડા પછીની સવારે, મેં પન્તા ભાત [વધેલો  ભાત] ખાધો. એકવાર વાવાઝોડું ગયું પછી બધું સામાન્ય થઈ ગયું.”

અનુવાદ: મહેદી હુસૈન

Puja Bhattacharjee

Puja Bhattacharjee is a freelance journalist based in Kolkata. She reports on politics, public policy, health, science, art and culture.

Other stories by Puja Bhattacharjee
Translator : Mehdi Husain

Mehdi Husain is an Ahmedabad based article writer and translator, who works across Gujarati, Urdu and English languages. He is the editor of Prasann Prabhat online Guajarati magazine. He also works at Meher Library and Jafari Seminary as a proof reader.

Other stories by Mehdi Husain