એશિયામાં બીજા ક્રમે સૌથી મોટું બન્ની ગ્રાસલેન્ડ્સ રિઝર્વ આશરે ૩,૮૪૭ ચોરસ કિલોમીટર જમીનને આવરે છે. તેની દક્ષિણે કચ્છનું  મહાન રણ અને  ઉત્તરે  કાળો ડુંગર (બ્લૅક હિલ્સ) છે . એક સમયે સિંધુ નદી આ પ્રદેશમાંથી વહેતી હતી, અને હવે જે ઈરાન, અફઘાનિસ્તાન, સિંધ અને બલુચિસ્તાનના નામથી ઓળખાતા પ્રદેશોમાંથી સ્થળાંતરિત થયેલા સમુદાયો સદીઓથી અહીં વસ્યા છે. ૧૮૧૯ માં, એક ભારે ભૂકંપે સિંધુનો પ્રવાહ બદલી નાંખ્યો, અને બન્ની શુષ્ક ઘાસના મેદાનમાં પરિવર્તિત થઈ ગયું. સમય જતાં, વસાહતી સમુદાયો શુષ્ક ધરતીના વિસ્તારને અનુરૂપ થવા પશુપાલન તરફ વળ્યા, અને તેઓ ગુજરાતના આ ઘાસના મેદાનોમાં આવેલા છૂટાછવાયા  ૪૮ કસબામાં રહે છે.

જાટ, રબારી અને સમા સહિત બન્ની સમુદાયમાં સમાવિષ્ટ કબીલાઓને સામૂહિક રીતે ‘માલધારી’ તરીકે ઓળખવામાં આવે છે. કચ્છી ભાષામાં “માલ” પ્રાણીઓના  સંદર્ભમાં વપરાય છે, અને “ધારી”નો અર્થ છે માલિક. આખા કચ્છમાં માલધારી ગાયો, ભેંસો, ઊંટ, ઘોડા, ઘેટાં અને બકરાં પાળે છે. તેમના જીવન અને સાંસ્કૃતિક પ્રણાલીઓના કેન્દ્રમાં તેમના પ્રાણીઓ હોય છે, અને તેમના ગીતોમાં પણ પશુપાલનની વાત હોય છે. કેટલાક માલધારીઓ તેમના પ્રાણીઓ માટે ગોચરની શોધમાં, સામાન્ય રીતે કચ્છમાં જ, મોસમ પ્રમાણે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે છે. કુટુંબો, મે અથવા કેટલીક વાર જૂન અથવા જુલાઈ સુધીમાં રવાના થાય છે, અને સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંત સુધીમાં વરસાદ શરુ થવાના સમય પહેલા જ  પરત આવી જાય છે.

મલધારીઓનો સામાજિક મોભો તેમના પશુઓની સંખ્યા અને ગુણવત્તા સાથે જોડાયેલો  હોય છે. દર વર્ષે, તેઓ, તે મોભાને, તેમના સમુદાયોને અને સંસ્કૃતિને ઉજવવા માટે ગોચરમાં યોજાયેલા વિશાળ મેળામાં બે દિવસ માટે ભેગા થાય છે. આ કાર્યક્રમની તારીખો સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરીમાં હોય છે. તે સમુદાય દ્વારા સામૂહિક રીતે નક્કી કરવામાં આવે છે. ફોટામાં તમે મેળા માટે કામચલાઉ  ઊભી કરવામાં આવેલી ટાંકીમાંથી પીવાનું પાણી ભરતા એક મલધારીને જોઈ શકો છો.

અનુવાદ: મહેદી હુસૈન

મેહદી હુસૈન અમદાવાદસ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિન ના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે.

Ritayan Mukherjee

રિતાયન મુખર્જી કલકત્તા- સ્થિત એક ફોટોગ્રાફર અને ૨૦૧૬ના PARI ફેલો છે. તેઓ એક દીર્ઘકાલીન પરિયોજના ઉપર કાર્ય કરી રહ્યા છે, જેની હેઠળ તિબેટી પઠારના ગ્રામીણ ભ્રમણશીલ સમુદાયોના જીવન પર પ્રલેખન કરાઈ રહ્યું છે.

Other stories by Ritayan Mukherjee