૨૦૧૫માં, ૨૮ વર્ષની ઉંમરે ચિત્તરંજન રે પશ્ચિમ બંગાળના ગદંગ ગામમાંથી છેક દૂર કેરલમાં સારા વેતનની શોધમાં આવ્યા હતા. તેમણે રાજ્યમાં જુદી-જુદી જગ્યાઓએ કડિયા કામ કરી, થોડા પૈસા ભેગા કર્યા અને ભાડે આપેલી ૮ વીઘા જમીનમાં ખેતી કરવા  ગામડે પાછા આવ્યા. પહેલાં તેમણે પરિવારની જમીન પર કામ કર્યું, પછી પોતાની જમીન પર બટાકાંની ખેતી કરીને નસીબ અજમાવવા માંગતા હતા.

“જમીન પર પહેલીવાર ખેતી કરવામાં આવી રહી હતી, એટલે તેમાં વધારે મહેનત અને રોકાણની જરૂર હતી”, ૫૦ વર્ષિય તેમના કાકા, ખેડુત ઉત્તમ રે કહે છે. “સારી ખેતીથી નફો કમાવવાની આશાએ, ચિત્તરંજને સ્થાનિક નાણા ધીરનારાઓ અને બેંક પાસેથી થોડી-થોડી કરીને અને “ખૂબ ઊંચા દરે”, લગભગ પાંચ લાખ રૂપિયાની લોન લીધી હતી.”, ઉત્તમ રાય કહે છે. પણ પછી, ૨૦૧૭માં, ખૂબ જ વરસાદના કારણે જમીનોમાં પાણી ભરાઈ ગયું અને પાક નિષ્ફળ ગયો. આ નુકસાન સહન ના કરી શક્યો એટલે, તે વર્ષની ૩૧ જુલાઈએ ૩૦ વર્ષના ચિત્તરંજને ફાંસો ખાઈ લીધો.

જલપાઇગુરી જિલ્લાના ધુપગુરી વિસ્તાર સ્થિત, પાંચ વીઘામાં (૧ વીઘો એટલે ૦.૩૩ એકર) બટાકાં, ડાંગર અને શણની ખેતી કરતા, તે જ ગામના એક ખેડૂત, ચિંતામોહન રોય કહે છે,  “તેના માતાપિતાને તેના લગ્ન કરાવવાની ઉતાવળ હતી.  તે બૅંકથી લોન લેવા માટે હકદાર ન હતો, એટલે તેના વતિ તેના પિતાએ આ લોન લીધી હતી.” તેમના પુત્રના આપઘાત પછી, ૬૦ વર્ષના પિતા દેવું ભરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, અને  તેની માતા બીમાર છે.

ચિંતામોહનના ઘરમાં પણ હાલમાં એક આત્મ હત્યા થઈ છે. તેઓ કહે છે, “મારો ભાઈ એક સીધો માણસ હતો, તે દુર્દશા સહન કરી શક્યો નહિં, અને ૨૩ જુન, ૨૦૧૯ના રોજ જંતુનાશક દવા પીને આત્મ હત્યા કરી લીધી.” તેનો ભાઈ ગંગાધર ૫૧ વર્ષનો હતો.

૫૪ વર્ષિય ચિંતામોહન રોય આગળ કહે છે, “તે પોતાની પાંચ વીઘા જમીનમાં બટાકાંની ખેતી કરતો હતો. તેણે બેંકો, અંગત નાણા ધીરનાર અને ઇનપુટ ડીલરો પાસેથી પણ લોન લીધી હતી. છેલ્લા ઘણા સમયથી નુકસાન ઉપર નુકસાન થતું હતું, આખરે પરિસ્થિતિ એટલી કપરી બની ગઈ કે તે સહન ન કરી શક્યો...”

ગંગાધરની મોટા ભાગની જમીન અંગત નાણા ધીરનારાઓ પાસે ગીરો મૂકેલ છે. તેનું કુલ દેવું પાંચ લાખ રૂપિયા છે. તેની વિધવા ગૃહિણી છે, એને ત્રણ દીકરીઓ છે અને સૌથી મોટી કોલેજમાં ભણે છે. “ અમે બધા ભાઈઓ અને ગંગાધરના સસરા પક્ષવાળા ભેગા થઈને ગમે તેમ કરી તેમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાના પ્રયાસ કરીએ છીએ.”, ચિંતામોહન કહે છે.

Uttam Roy at the rally
PHOTO • Smita Khator
Chintamohan Roy at the rally
PHOTO • Smita Khator

ડાબે: ઉત્તમ રેનો ભત્રીજો, જેણે જુલાઈ,૨૦૧૭માં ગળે ફાંસો ખાઈ લીધો. જમણે: ચિંતામોહન રોયનો ભાઈ, જેણે જુન,૨૦૧૯માં જંતુનાશક દવા પીને આત્મ હત્યા કરી લીધી. આ બન્ને બટાકાંની ખેતી કરતા હતા

હું ધગધગતી ગરમીમાં બપોરે ચિંતામોહન અને ઉત્તમને એક રેલીમાં મળ્યો હતો, જે ૩૧ ઓગસ્ટે કોલકત્તામાં રાણી રશ્મૂની રોડ પર AIKS-AIAWU (All India Kisan Sabha- All India Agricultural Workers Union) દ્વારા યોજવામાં આવી હતી. તેઓ (રેલીમાં) એ ૪૩ સાક્ષીઓમાંથી હતા, જેમના ઘરોમાંથી કોઈકને કોઈકે ખેતી સંબંધિત સમસ્યાને લઈ આત્મહત્યા કરેલી હતી. તે બધા મુખ્યત્વે જલપાઇગુરી, માલ્દાહ, પૂર્વ વર્ધમાન, પશ્ચિમ વર્ધમાન, પશ્ચિમ મેદિનીપુર, પૂર્વ મેદિનીપુર જિલ્લાઓમાંથી હતા. આશરે ૨૦૦૦૦ લોકોએ આ રેલીમાં ભાગ લીધો હતો.

તેઓ આત્મા હત્યા કરેલ ખેડૂતોનું વળતર, વેતન સુધારો, ન્યુનતમ યોગ્ય ટેકા ભાવ, અને વૃધ્ધ ખેડૂતો માટે પેન્શનની માંગ કરી રહ્યા હતા.

બે દિવસ પહેલાંની પ્રેસ કોન્ફરન્સમાં, AIKSએ (તેમના પોતાના સર્વેક્ષણના આધારે) કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ૨૦૧૧થી હાલ સુધી ૨૧૭ જેટલા ખેડુતોએ આત્મહત્યા કરી છે. તેમાંથી મોટા ભાગના તો બટાકાંની ખેતી કરતા હતા. Business Standardના ૨૦૧૫ના હેવાલમાં પણ પશ્ચિમ બંગાળમાં બટાકાંની ખેતી કરતા ખેડૂતોની આત્મહત્યા વિષે લખેલ છે.  જો કે, મીડિયાના ઘણા હેવાલોમાં મુખ્ય મંત્રી, મમતા બેનરજીને એવું કહેતાં ટાંક્યા છે કે પશ્ચિમ બંગાળમાં એક પણ ખેડૂતે આત્મહત્યા કરી નથી. ૨૦૧૧ પછી, રાજ્યે ખેડૂતોની આત્મહત્યા સંબંધિત માહિતી રાષ્ટ્રીય અપરાધ નોંધણી સંસ્થા (NCRB)ને આપવાની બંધ કરી દીધી છે, NCRBએ પોતે ૨૦૧૫થી આ માહિતી પ્રગટ કરવાનું બંધ કર્યું તે પહેલાથી.

પરંતુ ૩૧ ઓગસ્ટે નીકળેલી આ રેલીથી સ્પષ્ટ થયું કે, પશ્ચિમ બંગાળમાં બટાકાંની ખેતી કરતા ખેડૂતો ઘણી મુશ્કેલીમાં છે, કાં તો પાક નિષ્ફળ જવાના કારણે, કાં તો બધુ રાબેતા મુજબ, બજારમાં વધારે ઉત્પાદન અને ઓછા ભાવના કારણે. ઉત્તર પ્રદેશ પછી આ રાજ્ય દેશમાં બટાકાંના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. કેન્દ્ર સરકારના કૃષિ ખાતાના ‘બાગકામ આંકડાકીય વિભાગ’ની માહિતી પ્રમાણે, પશ્ચિમ બંગાળમાં બટાકાંનું પાંચ વર્ષનું સરેરાશ ઉત્પાદન (૨૦૧૩-૧૪ થી ૨૧૦૭-૧૮) ૧૦.૬ મિલિયન ટન હતું, જે દેશના કુલ બટાકાંના ઉત્પાદનના ૨૩ ટકા થાય છે. વર્ષ ૨૦૧૮-૧૯માં, રાજ્યમાં આશરે ૧૨.૭૮ મિલિયન ટન બટાકાનું ઉત્પાદન થશે, જે દેશના કુલ બટાકાંના ઉત્પાદનના ૨૪.૩૧ ટકા હશે. કુલ ઉત્પાદનનાં અડધાં તો અન્ય રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે (અને બાકીનાં પશ્ચિમ બંગાળમાં જ ઉપભોગ થાય છે), તો પણ ઘણી વખત તો ઉત્પાદન માંગ કરતાં વધારે હોય છે.

૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૯એ, પશ્ચિમ બંગાળના  કૃષિ બજાર સરકારી વિભાગ(Agricultural Marketing Department of Government) દ્વારા સૂચના જાહેર થઈ કે, “આપણા રાજ્યમાં આ વર્ષે બટાકાંનું મબલક ઉત્પાદન થયું છે, અને બીજાં રાજ્યોમાં પણ તેનો સારો પાક થયો છે એવા અહેવાલ છે, એટલે બજારમાં બટાકાં ખૂબ જ આવશે અને તેના ખેતી દ્વાર મંડી ભાવમાં ગંભીર ઘટાડો થશે. હાલનો ખેતી દ્વાર મંડી ભાવ તેના ઉત્પાદન ખર્ચથી પણ ઓછો નોંધાયો છે. માર્ચ મહિનામાં મોટા પ્રમાણમાં તેની લણણી થવાથી, મંડી ભાવમાં હજી વધારે ઘટાડો થવાનો અંદેશો છે, અને પરિણામે ખેડૂતોમા દુર્દશા વધશે.

PHOTO • Smita Khator

૩૧ ઓગસ્ટે કોલકત્તાના રાણી રશ્મૂની રોડ પર નીકળેલી રેલીમાં ઘણાં પોસ્ટરો દર્શાવાયાં હતાં, તેમાંથી અમુક પોસ્ટરોમાં લખ્યું હતું: ‘અમે આત્મ હત્યા કરેલ ખેડૂતોના ઘરવાળાઓ માટે ૧૦ લાખ રૂપિયાની માંગ કરીએ છે’, ‘અમારી માંગ છે કે ગામડાઓમાં ૨૦૦ દિવસ જ કામ થાય અને એક દિવસનું વળતર ઓછામાં ઓછું ૩૭૫ રૂપિયા હોવું જોઈએ’

આ પરિસ્થિતિ જોઈને, રાજ્યે તે જ સૂચનામાં આગળ ઘોષણા કરી કે, ૧ માર્ચ, ૨૦૧૯થી ખેડૂતો પાસેથી બટાકાં સીધા ‘ઘોષિત ન્યૂનતમ ખરીદ ભાવે’ (રૂ. ૫૦૦ પ્રતિ ક્વિન્ટલ) ખરીદવામાં આવશે. સૂચિત કરવામાં આવે છે કે, આ ભાવ “ખેડુતો પાસેથી ખરીદીને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવતા બટાકાં” માટે રહેશે.

જો કે, પશ્ચિમ બંગાળ સરકાર પાસે આટલાં મિલિયન ટન બટાકાં સંગ્રહ કરવા માટે પૂરતાં કોલ્ડ સ્ટોરેજ પણ નથી. રાષ્ટ્ર બાગકામ બોર્ડ (National Horticulture Board)એ (કૃષિ વિભાગ હેઠળ) કરેલ એક સર્વેક્ષણ મુજબ, રાજ્ય પાસે (ડીસેમ્બર, ૨૦૧૭ સુધી) માત્ર ૫.૯ મિલિયન મેટ્રિક ટન (કુલ ખાદ્ય સામગ્રી જ સંગ્રહ કરવા માટે) કોલ્ડ સ્ટોરેજની ઉપલબ્ધતા હતી. જયારે, ૨૦૧૭-૧૮માં, પશ્ચિમ બંગાળમાં ખાલી બટાકાં જ ૧૨.૭ મિલિયન ટન થયાં છે.

ચિંતામોહન કહે છે, કે “માર્ચ મહિનામાં જયારે બટાકાંની લણણી થાય છે, ત્યારે કોલ્ડ સ્ટોરેજ તરફથી તારીખ અને એક ખેડૂત દીઠ કેટલાં બટાકાં સંગ્રહ કરાવાશે તેની જાહેરાત થાય છે. અમારે પહેલાંથી જ તેની ચૂકવણી કરવાની હોય છે. જયારે ભાવ ચઢે છે ત્યારે બટાકાં વેચવા કાઢીએ છીએ. અને બાકીનાં (જે ન વેચાય તે) ખેતરમાં જ સડી જાય છે.

ગત વર્ષોમાં પણ ખેડૂતો આવી પરિસ્થિતિઓનો સામનો કરી ચૂક્યા છે. કલકત્તાની રેલીમાં આવેલ કેટલાક લોકો તેમના ઘરના સભ્યોની આત્મહત્યાનું વિચારી લથડીયાં ખાતા કહે છે, “મારા પતિને (દિલીપ) એક બોરી પર ૨૦૦ રૂપિયા મળ્યા (જયારે કે તે વર્ષે, એટલે ૨૦૧૫માં પ્રતિ ક્વિન્ટલે ઉત્પાદન ખર્ચ ૫૫૦-૫૯૦ રૂપિયા હતો). તેમણે બટાકાંની ખેતી કરવા માટે ત્રણ એકર જમીન વાવણી માટે ભાડેથી રાખી હતી.” પશ્ચિમ મેદિનીપુરના ગરબેટા-૧ બ્લોક સ્થિત અમ્કોપા ગામનાં જ્યોત્સના મોન્ડલ કહે છે. “તેમના માથે બીજાં પણ દેવાં હતાં, તેમના ઉપર નાણા ધીરનારાઓ, જમીનદારો, વીજ પુરવઠા વિભાગ, અને બેંક તરફથી સતત દબાણ થતું હતું. ૪ એપ્રિલ, ૨૦૧૫ના રોજ, નાણા ધીરનાર શાહુકારે તેમને દેવાને લઈ અપમાનિત કર્યા હતા, એટલે તેમણે ખેતરમાં બટાકાં રાખવા માટે બનાવેલ ઝૂંપડીમાં જઈ ફાંસો ખાઈ લીધો.”

Jyotsna Mondal at the rally
PHOTO • Smita Khator
Family members of farmers and farm labourers that committed suicide at the rally
PHOTO • Smita Khator

ડાબે: 2015 માં, જ્યોત્સના મંડલના પતિએ ખેતરમાં ઝૂંપડીની અંદર જ ફાંસી લગાવી દીધી હતી જ્યાં પરિવારે બટાકાનો સંગ્રહ કર્યા હતો. જમણે: પશ્ચિમ બંગાળમાં ખેડુતો અને ખેતમજૂરોના પરિવારના સભ્યો કે જેમણે આત્મહત્યા કરી હતી

ચિંતામોહન કહે છે, કે “બીજના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લાં બે વર્ષોથી અમે [બટાકા]ના બીજ કિલોગ્રામ દીઠ ૫૦ રૂપીયે ખરીદી રહ્યા છીએ. પહેલાં, અમને તે રૂ. ૩૫ પ્રતિ કિલો મળી રહેતા હતા. સરકાર આવી બાબતોમાં જરાય રસ લેતી નથી, ખાસ કરીને અમારા ક્ષેત્રમાં તો બિલકુલ જ નહીં.

ચિંતામોહનનું કહેવું છે કે, “ અને ‘ન્યુનતમ ખરીદ ભાવ’ની જાહેરાત થઈ હોવા છતાં, “એક પણ બટાકું વેચાતું નથી.” તેમને લાગે છે કે, “આ સીઝનમાં પણ કંઈ ખાસ ફેર નહીં પડે, અમારે મોટું નુકસાન જ ઉઠાવવાનું રહેશે. ખેડૂત કે વેપારી કોઈ કમાશે નહીં.”

બટાકાંની ખેતી જ શા માટે કરો છો, જયારે અતિ-ઉત્પાદનનું જોખમ રહે છે? તેઓ કહે છે, “ હું ડાંગર અને શણની પણ ખેતી કરું છું. શણની ખેતી કરવી અઘરી છે, તેમાં વધારે મહેનતની જરૂર પડે છે; બટાકાંની ખેતી સાપેક્ષે સહેલી અને પરવડે એવી છે – એક વાર વાવણી પછી, અઠવાડિયામાં બે વાર ખાલી પાણી અને જંતુનાશકોનો છંટકાવ કરવાનો રહે છે, અને જોત જોતામાં તો પાક તૈયાર થઈ જાય છે.”

કલકત્તાની રેલીમાં આવેલ મોટા ભાગના લોકો આવી અને આના જેવી અન્ય પુનરાવર્તી સમસ્યાઓની ફરિયાદ કરતા હતા – ખેતી સંબંધિત દુર્દશાને લીધે થયેલ એક પણ મોતને આત્મહત્યા ગણવામાં આવી નથી. એક પણ વિધવાને પેન્શન મળ્યું નથી. મોટા ભાગના લોકો મોતને આત્મહત્યા સાબિત કરવા માટે દસ્તાવેજોની માથાકૂટમાં પડ્યા છે. કોઈને પણ પાકનો વીમો મળ્યો નથી.

જ્યોત્સના કહે છે, “સરકાર તરફથી મને ફૂટી કોડી પણ મળી નથી, તેઓ મારા પતિએ આત્મહત્યા કરી છે એવું માનવા માટે પણ તૈયાર નથી! મને વિધવાનું પેન્શન પણ મળ્યું નથી. મારા પતિની ખેતીની લોન પણ હજી માફ થઈ નથી. હું તેમની લોન ભરી રહી છું. મારે તેઓને (નાણા ધીરનાર શાહુકારોને) ચૂકવણી કરવા માટે બંધન બેંક પાસેથી એક લોન (રૂ ૮૦,૦૦૦ની) લેવી પડી હતી. હાલમાં હું દર અઠવાડિયે ૧૦૦૦ રૂપિયા ચૂકવી રહી છું.” તે ભાંગી પડે છે. “ અમને સહારો આપનાર કોઈ નથી. તમે આવો અને જુઓ કે અમારા જેવા લોકો કેવી રીતે જીવી રહ્યા છે. હું અને મારો નાનો છોકરો બંને સવારના ૮ વાગ્યાથી લઈને બપોરના ૩ વાગ્યા સુધી ખેતરમાં માત્ર ૧૫૦ રૂપિયામાં કામ કરીએ છીએ. અમે કેવી રીતે જીવીશું અને આ લોન ભરીશું?”

કવર ફોટો : શ્યામલ મજુમદાર

અનુવાદ: મહેદી હુસૈન  

મેહદી હુસૈન અમદાવાદસ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિન ના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે.

Smita Khator

સ્મિતા ખતોર પશ્ચિમ બંગાળના મૂર્શિદાબાદ જિલ્લામાંથી આવે છે અને હાલમાં કલકત્તામાં સ્થાયી થયેલા છે. તેઓ પારીમાં (PARI) અનુવાદકાર્યના સંયોજક છે તેમજ બંગાળી અનુવાદક છે.

Other stories by Smita Khator