આ વર્ષે માર્ચ મહિનાની એક બપોરે બળબળતા તાપમાં પાણીના ત્રણ ઘડા ઊંચકીને જઈ રહેલ 24 વર્ષની મમતા રિંજાડ કૂવેથી તેના ઘરે જવાના ખાલીખમ રસ્તા પર બેભાન થઈ ગઈ.  “કોઈએ મને એક મડદાની જેમ રસ્તા પર પડેલી જોઈ નહીં,” તે કહે છે. “જ્યારે 20 મિનિટ પછી મારી આંખ ખુલી, ત્યારે [મેં જોયું કે] મારાથી બધુંજ પાણી ઢોળાઈ ગયું હતું. જેમતેમ કરતા હું ચાલીને ઘરે પહોંચી અને મેં મારા પતિને ઉઠાડ્યો, જેણે મારા માટે નમક-શકર [મીઠું-ખાંડ]નું પાણી બનાવ્યું.”

આ વર્ષે, ગલતારેની બીજી સ્ત્રીઓની જેમ, મમતાએ ત્રણ કિલોમીટર દૂર ખોદાયેલા કૂવાની તેની થકવી નાખનારી ઉનાળુ યાત્રા અગાઉ કરતા ખૂબ વહેલા શરૂ કરવી પડી છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વાડા તાલુકાના ગળતારે ગામમાં ખોદાયેલા બે કૂવા ફેબ્રુઆરી મહિનામાં પૂરેપૂરા સૂકાઈ ગયા હતા. અગાઉના વર્ષોમાં, અહીંના લોકો કહે છે, ગામના ખોદાયેલા કૂવામાંનું પાણી – જેનો પીવા અને રાંધવામાં ઉપયોગ કરવામાં આવે છે –મે મહિનાની શરૂઆત સુધી ટકતું હતુ. ત્યાર પછી સ્ત્રીઓ દૂરના કૂવા સુધી ચાલવું પડે છે, જેમાં સામાન્ય રીતે થોડું પાણી બચેલું હોય છે. પણ 2019માં, અછત ઘણાં મહિના વહેલી શરૂ થઈ ગઈ.

"અમારે દરેક વર્ષે પાણી માટે હાડમારી સહેવી પડે છે, પણ આ વર્ષે, પાણીના અમારા બધાજ સ્ત્રોતો સૂકાઈ રહ્યાં છે," 42 વર્ષના મનાલી પડવાળે કહે છે; જે મમતાની જેમ ગામની નજીકના એક વિશાળ મંદિરના પરિસરમાં 155 રૂપિયાના રોજે સફાઈ કામદાર તરીકે કામ કરે છે, અને તેમના પતિ ત્યાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. “અમને એકપણ વાર પાણીના ટેન્કર પૂરાં પાડવામાં આવ્યાં નથી અને અમારી પાસે તે ખરીદવા માટે પૂરતાં પૈસા પણ નથી,” તે ઉમેરે છે.

ગામથી લગભગ અડધો કિલોમીટર દૂર વહેતી વૈતરણા નદી ગળતારેના 2,473 નિવાસીઓ માટે (વસ્તી ગણતરી 2011), જેમાંથી મોટા ભાગના કોળી મલ્હાર અને વાર્લી આદિવાસી સમુદાયના છે, પાણીના મુખ્ય સ્ત્રોતોમાંથી એક છે. આ વર્ષે મે સુધીમાં તો નદી માત્ર પથ્થરોનો ઢગલો થઈ ગઈ છે અને તેમાં ભાગ્યેજ પાણી વધ્યું છે. ગળતારેના લોકો કહે છે કે અગાઉના ઉનાળાઓમાંવૈતરણામાં વધુ પાણી હતું. “નદીમાં [હવે] વધેલા જરાક અમથા પાણીનો ઉપયોગ પશુઓને નવાડાવવામાં કરવામાં આવે છે અને પછી એજ ગંદુ પાણી ગામના નળમાં આવે છે," મનાલી ઉમેરે છે.

Mamta Rinjad
PHOTO • Shraddha Agarwal
Mamta Rinjad’s house
PHOTO • Shraddha Agarwal

મમતા રિંજાડ (ડાબે) દિવસમાં કેટલીયે વાર ગળતારે ગામમાં આવેલા તેના ઘરેથી (જમણે)  ત્રણ કિલોમીટર દૂર આવેલા એક ખોદેલા કૂવા સુધી ચાલીને જાય છે

નબળું ચોમાસું ઊંડે ઉતરતી જતી પાણી ની સપાટીના  અનેક કારણોમાંથી એક છે. ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગ દર્શાવે છે કે 2018માં પાલઘરમાં છેલ્લા ત્રણ વર્ષમાંનો સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો – 2,390 મિમી (જૂનથી સપ્ટેમ્બર દરમિયાન). જેની તુલનાએ 2017માં એજ મહિનાઓ દરમિયાન વરસાદ હતો 3,015 મિમી અને 2016માંહતો 3,052 મિમી. "વરસાદ ઘટતો જાય છે, ઉનાળો વહેલો શરૂ થાય છે, નદી સૂકાઈ રહી છે, અને વધારે ગરમીના કારણે અમારે પીવા માટે વધુ પાણીની જરૂર પણ પડતી હોય છે," મંદરિના પરિસરમાં ડ્રાઇવર તરીકે કામ કરતા અને મહેમાનો અને મુલાકાતીઓને લાવવા-લઈ જવામાં દિવસના  250 રૂપિયા કમાતા પ્રદીપ પાડવાળે કહે છે.

“આ પ્રદેશમાં વધુ પડતા વનનાબૂદીકરણના કારણે નદીઓ સૂકાઈ રહી છે,” મુંબઈ સ્થિત પર્યાવરણપ્રેમી સ્ટાલિન દયાનંદ કહે છે.  “તે બારમાસી નદીમાંથી મોસમી નદી થઈ ગઈ છે. આ ત્યારે થાય છે જ્યારે વન અને નદી વચ્ચેનો સંબંધ તૂટી જાય.”

વૈતરણાનું પાણી ગળતારેના 449 પરિવારોને 12 સહિયારા નળ દ્વારા આપવામાં આવે છે, જેના માટે પંચાયત દરેક ઘર પાસેથી મહિને 30 રૂપિયા વસૂલે છે. આ નળ બે અઠવાડિયા પહેલાં સૂકાઈ ગયાં. અગાઉ કેટલીક વાર નળનું દૂષિત પાણી પીધા પછી ગામના બાળકો બીમાર થઈ ચૂક્યાં છે,” પ્રદીપની 26 વર્ષની પત્ની, પ્રતીક્ષા પાડવાળે કહે છે; તેમને બે દીકરાઓ છે, 10 વર્ષનો પ્રતીક અને 8 વર્ષનો પ્રણિત. "બે મહિના અગાઉ રાતના આશરે 11 વાગ્યે પ્રતીકની તબિયત ખૂબ બગડી ગઈ. તે રડતો રહ્યો અને ઉલટીઓ કરતો રહ્યો. અમારે બાજુની ગલીમાં રહેતા એક રિક્ષાવાળાનું બારણું ખખડાવવું પડ્યું જેથી તે અમને હોસ્પિટલ લઈ જાય,” તે ઉમેરે છે. તે જે હોસ્પિટલની વાત કરે છે તે સૌથી નજીકનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, ગળતારેથી આઠ કિલોમીટર દૂર, હમરાપુર ગામમાં.

One of the dugwells of Galtare
PHOTO • Shraddha Agarwal
Vaitarna river
PHOTO • Shraddha Agarwal

ગળતારે ગામના બે ખોદેલા કૂવા (એમાંનો એક ડાબી તરફની છબીમાં છે) સૂકાઈ ગયા છે અને નજીકમાં આવેલી વૈતરણા નદીમાં (જમણે) પાણીના માત્ર થોડા ખાબોચિયા જ છે

પડવાળે પરિવાર પાસે ગામની બહાર 3 એકર જમીન છે, જેના પર તેઓ ચોખા અને બાજરી ઉગાડે છે. “અમારા ગામના ઘણાં પરિવારો પાસે 2-3 એકર જમીન છે, પણ પાણી વિના તે નકામી છે. હું ખેડૂત છું છતાં ઉનાળામાં ડ્રાઇવર તરીકે કામ કરું છું,” પ્રદીપ કહે છે.

ગામના બે જૂના બોરમાંથી પાણીની દદૂડીજ પડે છે, અને પમ્પ વારે-વારે બગડી જાય છે. 2018માં અને 2015માં પંચાયતની ચૂંટણી દરમિયાન, ગળતારેના લોકો યાદ કરે છે, કે પંચાયતે ગામની જમીનનું સર્વેક્ષણ કરીને પાંચ બીજા બોરવેલ ખોદયા  હતાં, પણ પમ્પ નહોતા લગાવ્યા. "મેં સ્ટેમ્પ પેપર પણ તૈયાર કરાવ્યા, જેમાં એવું લખાણ હતું કે મારી જમીનનો પમ્પ લગાવવા માટે ઉપયોગ કરી શકાશે. પંચાયતે હજુપણ બાંધકામ શરૂ કર્યું નથી," પ્રતીક્ષા કહે છે.

“અમને વર્ષે માત્ર રૂપિયા 10 લાખનું ભંડોળ મળે છે. એક બોરવેલ ખોદવાનો ખર્ચ રૂપિયા 80,000 થાય છે. અમારે ભંડોળનો ઉપયોગ બીજી જરૂરિયાતો માટે પણ કરવાનો હોય છે,” ગળતારેના 32 વર્ષીય યોગેશ વાર્થા કહે છે; તેની પત્ની અને ગળતારેની સરપંચ, 29 વર્ષની નેત્રા ચૂપચાપ બાજુમાં ઊભી રહે છે અને તે મારા પ્રશ્નોના જવાબ આપે છે.

જ્યારે પાણીના સ્ત્રોતો સૂકાઈ જાય, ત્યારે સામાન્ય રીતે ગામની સ્ત્રીઓ અને છોકરીઓ તેમના પરિવાર માટે પાણી લાવવા અને સંઘરવાના કામનો વધારાનો બોજ ઉપાડે છે. “અમારા માટે ટેંકર લાવો, અમે થાકી ગયા છીએ,” ત્રણ કિલોમીટર દૂર આવેલા પેલા ખોદાયેલા કૂવામાંથી પાણી ઉલેચવા  માટે પ્રયાસ કરતી નંદિની પાડવાળે બૂમ પાડે છે. હવે તેના પરિવાર માટે પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત આ જ છે. એ 100 ફૂટ ઊંડા કૂવાને ફરતી કરાયેલી 3 ફૂટની દિવાલ પર ઊભી રહીને દોરડા વડે પ્લાસ્ટિકની ડોલ ખેંચી રહી છે. સહેજ પગલું ચૂકે તો તે સીધી કૂવામાં પડી શકે છે.

Pratiksha Padwale showing contaminated tap water
PHOTO • Shraddha Agarwal
Contaminated tap water
PHOTO • Shraddha Agarwal
One of the hand pumps that barely trickles water
PHOTO • Shraddha Agarwal

નદીના ડહોળાયેલા પાણી સાથે પ્રતીક્ષા પાડવાળે (ડાબે અને મધ્ય). ગામના બે બોરવેલ પરના પમ્પ (જમણે) વારે-વારે બગડી જાય છે

કૂવે જઈને પાછા ફરવામાં નંદિનીને 50-60 મિનિટ જેટલે સમય લાગે છે અને તે દિવસમાં ઓછામાં ઓછી ચાર વખત ત્યાં જાય છે – સવારે 6 વાગ્યાથી શરૂ કરીને બે વાર, એક વાર બપોરે અને પછી ફરીથી એક વાર સાંજે 6 વાગ્યાની આસપાસ, અંધારૂં થઈ જાય તે પહેલા. "મારાથી વચ્ચે ઊભા રહીને થાક નથી ખાઈ શકાતો,” તે કહે છે. “ઘડા સાથે સંતુલન જાળવવાનું આમેય અઘરૂં હોય છે. જો હું તે માથેથી ઉતારું ને પાછા ચડાવું, તો મારો આખો દિવસ નિકળી જાય."

ચોખ્ખું પાણી ભરવાની આ રોજની મજૂરીથી – ચાર વારમાં કુલ 24 કિલોમીટર ચાલવાથી – તેના ઘૂંટણમાં તીવ્ર દુખાવો થાય છે. "એણે મારા ઘૂંટણ ખરાબ કરી નાખ્યા છે," 34 વર્ષની નંદિની કહે છે. તેથી ધાતુના ત્રણ ઘડામાં નવ લીટર પાણી ઉપાડવાના બદલે તે હવે પ્લાસ્ટિકના બે ઘડામાં આઠ લીટર પાણી ઉપાડી લાવે છે. તેના પતિ નિતિન પાસે બે એકર જમીન છે, જ્યાં પરિવાર ચોખા અને કાબુલી ચણા ઉગાડે છે, અને તે ક્યારેક-ક્યારેક ડ્રાઇવર તરીકે પણ કામ કરે છે.

મમતા રિંજાડ, જે માર્ચના તે દિવસે બેભાન થઈ ગઈ હતી, તે પણ કૂવા સુધી દિવસમાં 4 થી 5 વાર જાય છે, માથે બે ઘડા અને એક કમરે ઉપાડીને, અને તે દરેકમાં ચાર લીટર પાણી હોય છે. આ દિવસમાં 25-30 કિલોમીટર ચાલવાનું તેના માટે હજુ પણ વધુ અઘરૂં છે, કારણકે તેને એક વિકલાંગતા છે. “જન્મથી મારો એક પગી બીજાથી થોડો ટૂંકો છે,” તે સમજાવે છે. “હું મારા માથા પર દરરોજ પાણી ઉપાડું ત્યારે મારો પગ સંવેદનાશૂન્ય બની જાય છે.”

Nandini Padwale standing on the well
PHOTO • Shraddha Agarwal
Deepali Khalpade (who shifted to Man pada) carrying pots of water on her head
PHOTO • Shraddha Agarwal
Women carrying water
PHOTO • Shraddha Agarwal

ડાબે: કૂવાની ધાર પર નંદિની પાડવાળે; એક પગલું ચૂકે તો તે અંદર પડી જઈ શકે છે. મધ્ય: ભયના માર્યા દિપાલી ખાલપાડે અને તેનો પરિવાર નજીકના એક નાનકડા ગામમાં જઈ વસ્યા છે. જમણે: જ્યારે પાણીના સ્ત્રોતો સૂકાઈ જાય છે ત્યારે ગામની સ્ત્રીઓ અને છોકરીઓ તેમના પરિવાર માટે પાણી લાવવા અને તેને સંઘરવાના વધારાના કામનો ભાર ઉપાડે છે

વિતેલા વર્ષો દરમિયાન ભયના  માર્યા, ગળતારેના 20 પરિવારોના કેટલાંક સભ્યો ગામથી આશરે આઠ કિલોમીટર દૂર જંગલની જમીનમાં જઈ વસ્યા છે, જ્યાં તેઓ જંગલની જમીન પર પાક ઉગાડે છે “અમારા પાડા [નેસ ]માં ચોખ્ખા પાણીનો એક કૂવો છે, ” પાંચ વર્ષ અગાઉ પાડામાં રહેવા આવેલી વારલી સમુદાયની દિપાલી ખાલપાડે  કહે છે. “મને મંદિર સુધી ચાલીને જવામાં એક કલાક થાય છે, [જ્યાં તે માળીનું કામ કરે છે], તેમ છતાં તે પાણી વિના ગામમાં રહેવાથી વધુ સારું છે.”

પાંચ વર્ષથી, દર ઉનાળે, ગળતારેની સ્ત્રીઓ ગળતારેથી આશરે 30 કિલોમીટર દૂર, વાડા શહેરમાં (વસ્તી ગણતરીમાં વાડ તરીકે સૂચીબદ્ધ) વિષ્ણુ સવારાના ઘરે મોરચો લઈને જાય છે. સવારા ભારતીય જનતા પક્ષના નેતા છે અને આદિવાસી વિકાસના ભૂતપૂર્વ પ્રધાન છે. દર વખતે તેમને ખોટી આશાઓ આપીને પાછાં વાળવામાં આવે છે. “વિષ્ણુ સાહેબ અમારા ગામના છે, છતાં તેમણે અમને મદદ કરવા માટે કશું જ કર્યું નથી,” યોગેશ કહે છે.

અમે એક રવિવારની બપોરે વાત કરીએ છીએ, અને સ્ત્રીઓ અને છોકરીઓ ફરી એક વાર પોતાના ઘરોની બહાર નિકળી રહી છે, અનેક ખાલી ઘડા લઈને “ચોખ્ખું પાણી એક વૈભવ છે જે અમને પોસાતો નથી. હું મારા માથે બે ઘડા જાળવતા શીખી ગઈ છું. એનાથી સમય બચે છે,” 15 વર્ષની અસ્મિતા ધન્વા પમ્પ આગળ પાણી ભરવા માટે પોતાના વારાની રાહ જોતી સ્ત્રીઓની કતારમાં જોડાવા માટે દોડી જતા કહે છે. “પમ્પ પરથી પાણી સીંચીને મારી છાતી અને પીઠ દુખે છે. પાણીનું દબાણ એટલું ઓછું છે, કે છ લીટરનો એક હાંડો ભરવામાં 20 મિનિટ થાય છે, 27 વર્ષની સુનંદા પાડવાળે જણાવે છે. એની 10 વર્ષની દીકરી મા પાસેથી કામ પોતે લઈ લે છે. એ પમ્પ સીંચવાનો પ્રયત્ન કરે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે પાણી પૂરું થઈ ગયું છે.

ભાષાંતર: ધરા જોષી

Shraddha Agarwal

Shraddha Agarwal is a Reporter and Content Editor at the People’s Archive of Rural India.

Other stories by Shraddha Agarwal
Translator : Dhara Joshi

Dhara Joshi is an English teacher turned translator. She enjoys literature, music and theater.

Other stories by Dhara Joshi