“જેટલું વધારે ખરીદીએ છીએ, તેટલું વધારે દેવામાં ડૂબીએ છીએ.” આ ૪૦ વર્ષની ખેડૂત, કુનારી સાબરીએ અમને ખૈરામાં વાત કરી હતી, જે મુખ્યત્વે તેણીના સોરા આદિવાસી સમાજનું ગામ છે.

“અમે ગાયોના છાણીયા ખાતરથી અને હળથી ખેતી કરતા હતા, આ બધું અમારી માલિકીનું જ હતું, હવે કોઈ આ રીતે ખેતી કરતું નથી,” તેમણે કહ્યું. “અત્યારે બિયારણ, જંતુનાશક દવા, ખાતર આ બધું ખરીદવા માટે બજારમાં જવું પડે છે. પહેલાથી વિપરીત, અત્યારે અમારા ખોરાક માટે અનાજ પણ બજારમાંથી ખરીદવું પડે છે.”

કુનારીની વાતો પરથી તેઓ કેટલાં પરાધીન છે તે જણાઈ આવે છે, અને તેનું કારણ કપાસની ખેતી છે, ઓરિસ્સાના રાયગડા જિલ્લાના પર્યાવરણિય સંવેદનશીલતાવાળા પહાડી પ્રદેશમાં જેનાં મૂળ નંખાયા છે, અને તેની જૈવવિવિધ્ય સમૃધ્ધતા અને ખાદ્ય સુરક્ષા પર ઊંડી અસરો નાખી છે તથા ખેડૂતોની ચિંતાનું પણ કારણ બની છે (જુઓ ઓડીસામાં વાતાવરણ સંકટના બીજની વાવણી). દક્ષીણ-પૂર્વથી રાયગડાના ગુનુપુર વિસ્તાર તરફ નીચે ઉતરતા આ સ્પષ્ટ રીતે નિહાળી શકાય છે, જ્યાં કપાસની ખેતી સૌથી પહેલાં શરૂ થઈ હતી. આંધ્રપ્રદેશની સરહદે આવેલ આ પરિદૃશ્ય માત્ર કપાસના પાકથી ભરેલું છે, અને નજર પહોંચે ત્યાં સુધી તે જ જોવા મળે છે. દુર્દશાગ્રસ્ત વાતાવરણનો પણ અહેસાસ થાય છે.

“અમે કપાસની ખેતી ૧૦-૧૨ પહેલાં શરૂ કરી હતી. અને અત્યારે પણ  કરીએ છીએ, કારણ કે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.” આવું ગુનુપુર વિસ્તાર સ્થિત ખૈરાના મોટા ભાગના લોકોએ અમને કહ્યું. આ વિસ્તારના ઘણા ખેડૂતોએ કહ્યું કે તેઓ મૂડી પ્રધાન કપાસની ખેતી તરફ વળ્યા, તો ધીરે ધીરે તેઓ પોતાનાં બિયારણ અને અનેક પાક લેવાની તેમની દેશી પદ્ધતિને ખોઈ બેઠા.

“અમારી પાસે પોતાના પાક અને પોતાની ખેતીવાડી હતી,” ખેત્રા સાબરા, એક જુવાન સોરા ખેડૂત અફસોસ કરી રહ્યો છે. “આંધ્રવાળાઓ આવ્યા, અમને કપાસ વાવવા કહ્યું, અને બધું શીખવાડીને ગયા.” સંતોષ કુમાર દંડાસેના નામના એક અન્ય ખેડૂતે વધુમાં કહ્યું કે વધારે નફો કરવાની ઉમેદ ગામવાળાઓને કપ્પા, અથવા કપાસની ખેતી તરફ ખેંચી ગઈ. “શરૂઆતમાં બહુ ખુશી થતી હતી, જ્યારે પૈસા મળતા હતા, પરંતુ અત્યારે, માત્ર યાતના અને નુકસાન છે,” તેણે કહ્યું. “અમે બરબાદ થઈ ગયા, અને શાહુકારો (નાણા ધીરનાર) આબાદ.”

જયારે અમે વાતો કરી રહ્યા હતા, ત્યારે જ્હોન ડીઅરના ઘટ્ટ લીલા રંગના ટ્રેકટરો અવાજ કરતા રસ્તાઓ પરથી આવ-જા કરતા હતા. સ્થાનિક મંદિરની દીવાલો ઓડિયા ભાષામાં બીટી કપાસની જાહેરાત કરતા બિયારણ કંપનીના પોસ્ટરોથી ભરેલ હતી. ગામની ખુલ્લી જગ્યામાં જમીન ખેડવા અને વાવણી કરવાનાં સાધનો પડેલાં હતાં.


PHOTO • Chitrangada Choudhury

ઉપર ડાબે: ગુનુપુર વિસ્તારમાં, જી.એમ. કપાસથી જ ભરેલા ખેતરો પથરાયેલા છે. ઉપર જમણે: ખૈરા ગામમાં, ખેડૂતો કહે છે કે તેઓ દેવામાં ડૂબી ગયા છે, ૧૦-૧૫ વર્ષથી જ્યારથી કપાસની ખેતી તરફ વળ્યા છે, અને કપાસની ખેતી કર્યા વગર શાહુકારો પાસેથી નવા ઉધાર રૂપિયા નથી મેળવી શકતા. નીચે: ઓડિયામાં કપાસના બિયારણની જાહેરાતો વૃક્ષો ઉપર ખીલ્લી મારીને જડેલી છે, તથા મંદિરની દીવાલો પર કપાસના બિયારણની જાહેરાત કરતા વધારે પોસ્ટરો પ્લાસ્ટર કરેલા છે

“કપાસની ખેતી કરતા મોટા ભાગના ખેડૂતો દેવામાં ડૂબેલા છે, કારણ કે બિયારણનો અને તેની ખેતી કરવાનો ખર્ચો વધતો જાય છે, જયારે સામે પેદાશની વેચાણ કિંમતમાં વધઘટ થતી રહે છે, અને મધ્યમ વર્ગના લોકો નફાથી દૂર થઈ રહ્યા છે,” દેબળ દેબ, આ વિસ્તારમાં કામ કરતા એક સંરક્ષણવાદી કહે છે. “રાયગડામાં ઘણા ખેડૂતો તેમના પાકના બદલામાં બજાર ભાવના માત્ર ૨૦ ટકા જેટલું વળતર મેળવે છે.”

નુકસાન ઉપર નુકસાન થયા કરે છે તો શા માટે કપાસની જ ખેતી કર્યે જાઓ છો? “અમે શાહુકારોના દેવાંમાં ફંસાઈ ગયા છીએ,” સાબરાએ કહ્યું. “જો અમે કપાસની ખેતી ના કરીએ, તો તે અમને ફરી ઉધાર રૂપિયા આપશે નહીં.” દંડાસેનાએ વધુમાં કહ્યું, “જો અમે કપાસને છોડી સોય કે ડાંગરની ખેતી કરીએ તો અમને લોન મળશે નહીં. માત્ર કપાસ જ મળશે”

દેબના સાથી, દેબદુલાલ ભટ્ટાચાર્ય અમને કહે છે, “ખેડૂતો કપાસની ખેતીને સમજણ વગર ઉગાડે છે. તેની ખેતીમાં તેઓ સંપૂર્ણપણે બજાર પર નિર્ભર છે... વાવણીથી લઈને લણણી સુધી, અને જમીનના માલિક હોવા છતાં, પોતાના નિર્ણયો જાતે લઈ શકતા નથી.  શું આપણે તેમને ખેડૂત કહેવા જોઈએ કે પછી પોતાની જમીનમાં કામ કરતા મજૂરો?”

દેબ અને તેના સાથીઓએ બતાવ્યું કે કપાસની ખેતીના કારણે સૌથી વિનાશકારી અસર, સ્થાનિક જીવવિવિધતાનો નાશ, અને તેની સાથે-સાથે પર્યાવરણથી ભરપૂર આ ભૂમિ અને તેની સમૃદ્ધીનો ભાગ એવા સમાજનું જ્ઞાન પણ. . આ બન્ને પરિણામો હવામાનની સ્થિતિસ્થાપકતાને જાળવી રાખનાર ખેતી માટે જોખમકારક છે, જે વધતી જતી વાતાવરણની અનિશ્ચિતતા અને જોખમનો સામનો કરી શકે છે.

દેબ કહે છે, “હવામાનના પરિવર્તનને લીધે સ્થાનિક વાતાવરણમાં ઓચિંતા અસામાન્ય લક્ષણો જોવા મળે છે. લાંબા ગાળાનો દુકાળ, વર્ષામાં કમોસમી અતિશયોક્તિ, અને અવારનવાર દુકાળની પરિસ્થિતિઓનો ઓરિસ્સાના ખેડૂતો અનુભવ કરી ચૂક્યા છે”. કપાસ અને ડાંગર અને શાકભાજીઓની આધુનિક જાતિઓ જે વંશપરંપરાગત રીતે થતી જાતિઓનું સ્થાન લઈ રહ્યા છે, તે સ્વાભાવિક રીતે સ્થાનિક પર્યાવરણમાં થતા ઓચિંતા ફેરફારનો સામનો કરવા અસક્ષમ છે. અર્થાત, પાકના છોડના ટકાઉપણા, પરાગસિંચન (પોલીનેશન), ઉત્પાદન અને છેલ્લે ખાદ્ય સુરક્ષાની ગંભીર અનિશ્ચિતતા.

સ્થાનિક વરસાદના આંકડાઓ, અને ખેડૂતોની વાતો, વધતા જતા અનિયમિત વાતાવરણ તરફ ઇશારો કરે છે. ૨૦૧૪-૧૮ દરમિયાન, જિલ્લાનો વાર્ષિક વરસાદ ૧,૩૮૫ મીમી હતો. તે ૧૯૯૬-૨૦૦૦ દરમિયાન પડેલા ૧,૦૩૪ મીમી વરસાદ કરતાં ૩૪ ટકા વધારે હતો (હવામાન વિભાગ અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન કેન્દ્રીય મંત્રાલય, ભારતના દર્શાવેલા આંકડાઓ પ્રમાણે).  આઈ.આઈ. ટી., ભુવનેશ્વરના સંશોધકોના ૨૦૧૯ના અભ્યાસથી પણ જાણવા મળ્યું કે: “ઓરિસ્સામાં, ભારેથી અતિ-ભારે વરસાદ અને દુકાળના દિવસો વધી રહ્યા છે, જયારે ઓછાથી મધ્યમ વરસાદ અને પૂરતા વરસાદના દિવસો ઘટી રહ્યા છે.”

PHOTO • Chitrangada Choudhury
PHOTO • Chitrangada Choudhury
PHOTO • Chitrangada Choudhury

કુનુજી કુલુસીકા (વચમાં) જેવા ખેડૂતો ચિંતા કરે છે બીટી કપાસની ખેતી અને તેની સાથે સંબંધિત કૃષિ-રસાયણોની અસરો વિષે, જે  દેશી બિયારણની જાતિઓ (ડાબે), માટી અને ખેતરના અન્ય જીવો (જમણે) પર અસરકારી છે

“છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ મોડો આવે છે,” શરન્ય નાયક, બાજુના કોરાતપુર જિલ્લાના એક ખેડૂત અને કાર્યકર્તા છે, તેઓ કહે છે. “વર્ષાઋતુની શરૂઆતમાં ઓછો વરસાદ પડે છે, મધ્યમમાં અતિ-ભારે, અંતમાં ભારે વરસાદ પડે છે.” આના કારણે વાવણી મોડી થાય છે, અતિ-ભારે વરસાદના લીધે વર્ષાઋતુના મધ્યગાળામાં પાકને સૂર્યપ્રકાશ મળતો નથી, અને અંત ભાગમાં ભારે વરસાદના કારણે પાકને નુકસાન થાય છે.

દેબજીત સારંગી, લીવીંગ ફાર્મસ નામના એક NGO કે જે આ વિસ્તારના ખોરાક અને ખેતી સંબંધિત કામો સાથે સંકળાયેલ છે, તેમાં કામ કરે છે, તેઓ આ વાતને પુષ્ટિ આપે છે કે: “આ વિસ્તારમાં વર્ષાઋતુ મધ્ય-જુનથી ઓક્ટોબર સુધીની હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં, તેનો સમયગાળો અનિયમિત થઈ ગયો છે.” સારંગી અને નાયક બંને ભારપૂર્વક કહે છે કે ઓરિસ્સાના દેશી ખાદ્ય પાકોને પ્રાધાન્ય આપી વિવિધ પાકોની વાવણી કરવાની પદ્ધતિ હવામાનની આ અનિયમિતતા સામે લડવા માત્ર કપાસની ખેતી કરવાની પદ્ધતિ કરતાં વધારે અસરકારક છે. “આ અમારો અનુભવ છે કે વિવિધ પાકોની ખેતી કરતા ખેડૂતો આ અનિયમિતતા સામે ઝઝૂમવા વધારે શક્તિમાન છે,” સારંગી કહે છે. “અને એ ખેડૂતો કે જેઓ માત્ર બીટી કપાસની ખેતી કરે છે, તેઓ ટાઇમ બોમ્બ પર બેઠેલા છે (એટલે કે તેઓ થોડાક સમય પછી ખતરનાક પરિસ્થિતિનો સામનો કરશે).”

*****

ઘણા ખેડૂતો નવા જી.એમ. મોનો કલ્ચરના ફેલાવા હેઠળ ખોરાકની સ્વસ્થતા અને ખેતીના ઉત્પાદનની સ્વતંત્રતા સામે ખતરો ભાળે છે. આ નવા કલ્ચર હેઠળ નવી નવી રીતો પણ અપનાવી રહ્યા છે, પણ બીજા, ખાસ કરીને સ્ત્રીઓ, આગ્રહ રાખે છે કે તેમણે તેમની પરંપરાગત ખેતીની પદ્ધતિને ત્યજવી ન જોઈએ. નીયામગીરીના મેદાનોની સામે, કેરાન્દીગુડા ગામમાં, અમે કુનુજી કુલુસીકા, એક કોંધ આદિવાસી સ્ત્રીને મળ્યા જે તેના દીકરાને આ વર્ષે કપાસની ખેતી ન કરવા માટે સમજાવી રહી હતી.

તે પર્વતોની તળેટીમાં ખેતરમાં બીજો પાક વાવવા ખુલ્લા પગે સખત મજૂરી કરી રહી હતી.  તેણે બ્લાઉઝ વગર ઘૂંટણ સુધી સાડી પહેરેલી હતી, અને વાળ પાછળની બાજુએ ખોસેલા હતા. તેના દેખાવ પરથી આદિવાસી સ્ત્રીઓ કેવી દેખાય તે ખ્યાલ આવતો હતો, એ આદિવાસી સ્ત્રીઓ જે સરકારી, કોર્પોરેશન કે NGO દ્વારા કરાતી જાહેરાતોમાં પછાતપણામાંથી’ ઉગારવાની આશા સાથે જોવા મળે છે. પણ દેબ કહે છે કે, વિકસતા વિજ્ઞાનની પડતી અને કુનુજી જેવા લોકોની કુશળતા હવામાન પરિવર્તનમાં વીંટળાયેલ વિશ્વ માટે વિનાશક સાબિત થશે.

“જો અમે એક વર્ષ માટે પણ અમારા પાકોની ખેતી કરવાનું બંધ કરી દઈએ,” કુનુજી કહી રહ્યાં હતાં, એ સમજાવતાં કે શા માટે તેણી કપાસની ખેતી કરવાથી ડરે છે, “તો કેવી રીતે અમે અમારા પાકોનાં બિયારણો જાળવી શકીએ? અમને તેનાં બીયારણ ખોઈ દેવાનો ડર છે. ગયા વર્ષે, સુરેન્દ્રએ કપાસની ખેતી કરી હતી, જ્યાં અમે મકાઈ વાવતાં હતાં. જો આવી રીતે ચાલ્યું, તો ભવિષ્યમાં અમારું મકાઈનું બિયારણ જ નહીં બચે કે જેથી ભવિષ્યમાં તેની ખેતી થઈ શકે.”

“જો અમે એક વર્ષ માટે પણ અમારા પાકોની ખેતી કરવાનું બંધ કરી દઈએ,” કુનુજીએ કહ્યું, એ સમજાવતાં કે શા માટે તેણી કપાસની ખેતી કરવાથી ડરે છે, “તો કેવી રીતે અમે અમારા પાકોનાં બિયારણો જાળવી શકીએ? અમને તેનાં બીયારણ ખોઈ દેવાનો ડર છે

જુઓ વિડિયો: કોંધ ખેડૂત કુનુજી કુલુસિકા કહે છે, "કપાસના બીજ મારે માટે નથી," અને એમને એમના દેશી પાકની જાતો બતાવે છે.

જયારે અમે જૂનાં સાચવેલાં બિયારણ વિષે પૂછ્યું, તો કુનુજી તેમના ઘરમાં દોડીને ગયા અને તેમનો પરિવાર જે વિવિધ પાકોની ખેતી કરે છે તેનાં બિયારણ લઈને બહાર આવ્યાં, જેને તેમણે  વાંસની પેટીમાં, પ્લાસ્ટિકના ડબ્બામાં, અને કપડાની થેલીમાં સાચવીને રાખેલાં હતાં. સૌપ્રથમ અમને બતાવી બે પ્રકારની તુવેર, જે જમીનના ઢોળાવના આધારે વાવવામાં આવે છે; પછી, ઉંચાણવાલી જગ્યાએ થતા ડાંગર, સરસવ, મગ, કાળા ચણા, અને બે પ્રકારની ફળી; પછી, બે પ્રકારની રાગી, મકાઈ, નાઇજરના બીજ; અને છેલ્લે, એક કોથળો સીઆલીના બીજ (એક પ્રકારનું જંગલી ખોરાક). “જો એટલો બધો વરસાદ પડે કે અમેં ઘરની બહાર નીકળી ન શકીએ તો અમે આ બીજને શેકીને ખાઈએ છીએ,” તેમણે કહ્યું, અને અમને પણ મુઠ્ઠીભરીને શેકીને ખાવા માટે આપ્યા.

“અહીંના કોંધ અને બીજા કબીલાના લોકોનું કૃષિ-પર્યાવરણનું જ્ઞાન એટલું બધું ઊંડું હતું, કે કુટુંબો એક જમીનમાં આખા વર્ષ દરમિયાન ૭૦-૮૦ પાકો ઉગાવી શકતા – એકદળ અને દ્વિદળ કઠોળ, કંદમૂળ, ધાન,” લીવીંગ ફાર્મના પ્રદીપ પાતરા કહે છે. “અમુક-અમુક વિભાગોમાં હજી આની ખેતી બાકી છે, પણ એકંદરે, બધે કપાસની જ ખેતી થાય છે. છેલ્લા વીસ વર્ષમાં ધીમે-ધીમે તેની ખેતી બધે ફેલાઈ ગઈ અને જુદા-જુદા પ્રકારના પાકોની ખેતીને લુપ્ત કરી દીધી.”

કુનુજીને કપાસની ખેતી કરવામાં બીજો ભય શરીરમાં હાનીકારક રસાયણો દાખલ થવાનો છે, અને કપાસની ખેતીમાં તો તેના વગર ચાલે જ નહીં. જયારે તેમના પરંપરાગત પાકોની ખેતી કરવામાં ભાગ્યેજ રસાયણોની જરૂર પડે છે. “તે બધા ખાતરો, જંતુનાશકો, સુરેન્દ્ર કપાસના પાક પર નાખશે. શું આ અમારી માટીને ખરાબ નહીં કરી દે, તેમાં જે બધું છે તેનો નાશ નહીં કરી દે?  મેં મારી સગી આંખે જોયું મારા આગળ રહેલા ખેતરમાં, જયારે તેઓ રાગીને વાવવા પાછા ખેતરે ગયા ત્યારે. તેનો વિકાસ બરાબર નહોતો થયેલો. ”

ભારતમાં હર્બીસાઈડવાળા કપાસના બિયારણ માન્ય નથી, તો પણ આખા રાયગડમાં દાવાનળની માફક પ્રસરેલા છે. તેની સાથે ગ્લાઇફોસેટ નામનું રસાયણ જે કેન્સર પેદા કરવા માટે જવાબદાર છે, તે પણ વપરાય છે. “તેનો રોજ ઉપયોગ કરવાથી તળપદી વનસ્પતિઓ, વાડ કરવા માટે વપરાતા કાંટાળા ઝાડ, ઘાસ ખેતરમાંથી નાબૂદ થઈ ગયાં છે. તેના કારણે પતંગિયા અને તેની જાતના અન્ય જીવડાં ઓછા થઈ ગયા છે, જે આવી વધારાની વનસ્પતિ પર અવલંબિત હોય છે,” દેબળ દેબ કહે છે.

“આ પ્રદેશનું પર્યાવરણ વિષેનું જ્ઞાન અને તેની જીવ-વિવિધતા ભયજનક રીતે નાબૂદ થઈ રહ્યાં છે. એક જ પાક વાવવા તરફ વળેલા ખેડૂતો દિવસે દિવસે તેઓની પરંપરાગત વિવિધ પાકો અને ખેતરના સંવર્ધનની વ્યવસ્થાઓ છોડી રહ્યા છે, જેના કારણે જંતુનાશકનો વપરાશ વધ્યો છે. કપાસની ખેતી કરતા ખેડૂતો હર્બીસાઈડનો પણ ઉપયોગ કરે છે. મોટા ભાગના ખેડૂતો જાણતા જ નથી કે કયા જીવડા નુકસાન કરે છે, અને કયા જીવડા નથી કરતા. તેથી તેઓ બધાં જીવડાં મારી નાખે છે.”

“કપાસની ખેતી તફર વળ્યા બાદ, દરેક જીવડાં, પક્ષીઓ, અને પ્રાણીઓને પાકના દુશ્મન માની બધાની સાથે એક જ પ્રકારે વ્યવહાર કરવામાં આવે છે. કૃષિ-રસાયણોનો આડેધડ ઉપયોગ કરવા માટે આ એક બંધબેસતું બહાનું છે.”

કુનુજી હકીકત બતાવતાં કહે છે કે લોકો તેના હાનીકારક પરિણામ વેઠી રહ્યા છે, છતાં તેની જ ખેતી કર્યે જાય છે. “તેઓ એક જ વખતમાં આટલા બધા પૈસા જોઈ લલચાઈ જાય છે,” તેમણે બે હાથને ફેલાવીને કહ્યું.

PHOTO • Chitrangada Choudhury

બીટી કપાસની ખેતી (ઉપરની હાર) અને તેની સાથે સંકળાયેલા રસાયણો (નીચેની હાર) આખા રાયગડમાં પ્રસરેલા છે, જેને જીવ વિવિધતાથી સમૃદ્ધ પ્રદેશમાં અફર ભય ઊભો કર્યો છે

પાત્રા કહે છે, “કપાસની ખેતીએ પરંપરાગત ખેતીને એક બાજુએ કરી દીધી તે સાથે પરસપર બિયારણની આપ-લે કરવી, બધાના પશુઓ ભેગા કરી એક જ ખેતરમાં ભેગા થઈને કામ કરવું, આ બધું પણ નાબૂદ થઈ ગયું છે. તેની જગ્યાએ હવે ખેડૂતો શાહુકારોને અને નાણા ધીરનાર વેપારીઓને જ ખોળતા ફરે છે.”

જિલ્લાના એક કૃષિ ઓફીસર (પોતાને ઓળખાવવાની ના પાડે છે) પાત્રાની વાત સાથે સહમત છે. તે કબૂલ કરે છે કે રાજ્યએ જ ૧૯૯૦માં અહીંના ગામોમાં કપાસની ખેતીનો પરિચય કરાવ્યો અને તેને પ્રોત્સાહન આપ્યું છે. પછી પાડોશી આંધ્ર પ્રદેશ રાજ્યમાંથી રસાયણયુક્ત બિયારણ અને કૃષિ-રસાયણોના વેપારીઓએ તેને વધુ વેગ આપ્યો. હવે જયારે સરકાર ચિંતાતુર બની છે, ત્યારે નકલી અને અમાન્ય બિયારણોના ઉપયોગ તથા વધતા જતા કૃષિ-રસાયણોના વિસ્ફોટને કાબૂ કરવા માટે ખૂબ થોડા પ્રયત્નો કરી રહી છે. “કપાસની ખેતી માથાનો દુખાવો બની ગઈ છે,” તેમણે કહ્યું.

છતાં, પૈસાની લાલચમાં ખેડૂતો, ખાસ કરીને જુવાન ખેડૂતો, આને પ્રાધાન્ય આપે છે. પોતાના છોકરાઓને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા, સ્માર્ટફોન અને બાઈકની મહત્ત્વાકાંક્ષાઓમાં, તથા પોતાના પિતાની ખેતીની પદ્ધતિથી કંટાળીને, તેઓને કપાસની ખેતીનું જોખમ ખેડવું યોગ્ય જણાય છે. તેઓ માને છે કે, જો એક વર્ષે ભાવો નીચે પડ્યા છે, તો બીજા વર્ષે જરૂર ઉપર ચઢશે.

પણ પર્યાવરણ અને પરિસ્થિતિ બદલો લઈ રહી છે.

“વિવિધ પ્રકારના રોગોમાં ખૂબ જ વધારો થયો છે એટલે દવાખાનામાં સારવાર કરાવવા કે ભરતી થવાનું પણ વધી ગયું છે. નર્વ અને કીડનીની વિવિધ બીમારીઓથી  પીડાતા દર્દીઓની પણ સંખ્યા ખૂબ જ વધારે છે,” દેબ કહે છે. “મને લાગે છે કે આ બધું ઓર્ગેનોફોસ્ફેટ જંતુનાશકો અને ગ્લાઇફોસેટ હર્બીસાઈડના વધુ વપરાશનું પરિણામ છે, જે આ જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં વપરાય છે.”

ડૉ. જોહન ઓમેન જેઓ બિસમકયુટક નામની ૫૪ વર્ષ જૂની હોસ્પિટલમાં સારવાર આપી રહ્યા છે, તેઓ કહે છે કે આના કારણો પદ્ધતિસરના સંશોધન વગર ખોળી કાઢવા ખૂબ મુશ્કેલ છે. “રાજ્ય સરકારનું ધ્યાન અત્યારે મલેરિયા જેવા ચેપી રોગો પર છે. પણ આદિવાસીઓમાં જે બીમારીઓ ઝડપથી વધી રહી છે, તે છે હૃદય અને કીડનીની બીમારીઓ, ખાસ કરીને ક્રોનિક કીડની ડીસીઝ, તેના દર્દીઓ પુષ્કળ છે.”

તેઓ ધ્યાન ખેંચી રહ્યા છે કે “વિસ્તારની બધી ખાનગી હોસ્પિટલોમાં ડાયાલીસીસ કેન્દ્રો ખુલી ગયા છે, અને આ એક જોરદાર ધંધો છે. આપણે એ શોધવું પડશે કે આટલા પ્રમાણમાં કીડનીની બીમારીઓ થવાનાં કારણો કયાં છે?” ડૉ. ઓમેન ચિંતા દર્શાવતાં કહે છે કે એ જાતિ જેણે હજારો વર્ષોથી પોતાને ટકાવી રાખી, તેને એવા પરિવર્તનો કે જેના માટે તેઓ જરાય તૈયાર નથી તેમાં દબાણપૂર્વક ધકેલવામાં આવી રહ્યું છે.”

*****

તે અઠવાડિયે નીયામગીરીના પર્વતોમાં, હુંફાળી સવારે પાછા ફર્યા અને ઓબી નાગ નામના એક આધેડ કોન્ધી આદિવાસી ખેડૂતને અમે મળ્યા, જે ધાતુના એક વાસણ અને એક લીટરની ગ્લાઇસેલ (ગ્લાઇફોસેટનું એક પ્રવાહી રસાયણ)ની બોટલ જે મહારાષ્ટ્રની એક્સેલ ક્રોપ કેર લીમીટેડ દ્વારા બનાવવામાં આવી હતી, તેને લઈને તેના ખેતર તરફ જઈ રહ્યો હતો.

નાગે તેની ઉઘાડી પીઠ પર વાદળી કલરનો હાથેથી ચલાવવાનો પંપ બાંધેલો હતો. તે તેના ખેતરના બાજુમાં આવેલ ઝરણા પાસે ઊભો રહ્યો, પછી પંપને ઉતાર્યો અને વાસણ વડે તેમાં પાણી ભર્યું. પછી “દુકાનદારના બતાવ્યા પ્રમાણે” તેમાં બે ઢાકણાં ભરીને ગ્લાઇસોફેટ નાખ્યું. ત્યારબાદ તેને બરાબર હલાવીને મિશ્રિત કર્યું, અને પંપને પાછો બાંધી ખેતરમાં છાંટવાનું શરૂ કર્યું. “ત્રણ દિવસમાં આ બધું નાશ થઈ જશે, અને ખેતર કપાસ વાવવા માટે તૈયાર થઈ જશે,” તેણે કહ્યું.

PHOTO • Chitrangada Choudhury

જુલાઈ મહિનાની સવારે, નીયામગીરી પર્વતોમાં, ઉઘાડી પીઠવાળો ઓબી નાગ નામનો વ્યક્તિ ગ્લાઇસોફેટની બોટલ ખોલે છે, જે એક હર્બીસાઈડ અને કેન્સરજન્ય પ્રવાહી છે. તે તેમાં પાસે વહેતા ઝરણામાંથી પાણી નાખી મંદ બનાવે છે. પછી તેના ખેતરમાં છાંટે છે, જેથી બીટી કપાસની (ડાબે અને વચ્ચે) ખેતી માટે ખેતરને તૈયાર કરી શકાય. ત્રણ દિવસ પછી, ખેતરમાંથી વધારાની વનસ્પતિ કરમાઈને નાશ થઈ જશે (જમણે)

ગ્લાઇસોફેટની બોટલ પર અંગ્રેજી, હિન્દી, અને ગુજરાતીમાં આ પ્રમાણે ચેતવણી લખેલી હતી: ખાદ્ય પદાર્થો, ખાવાના વાસણો,અને પશુના ખોરાકથી દૂર રાખો; મોઢા, આંખ, અને ચામડીના સંપર્કથી દૂર રાખો; છાંટેલી દવા શ્વાસ મારફતે અંદર ન જાય તેનું ધ્યાન રાખો; પવનની દિશામાં છંટકાવ કરો; છંટકાવ બાદ સંપર્કમાં આવેલ કપડાં અને શરીરનો ભાગ બરાબર ધોઈ નાખો; દવાનું મિશ્રણ બનાવતી વખતે અને છંટકાવ વખતે શરીરને પૂરી રીતે ઢાંકેલું રાખો.

નાગ કમરે એક નાનું કપડું પહેર્યું હતું, તેના સિવાય આખું શરીર ઉઘાડું હતું. દવા છાંટતી વખતે તેના પગ અને પંજા પર દવા ટપકતી હતી. પવનના કારણે દવા અમારી ઉપર, ખેતરની વચ્ચેના ઝાડ પર અને બાજુના ખેતરોમાં ઊડી રહી હતી. તથા દવા તેના ખેતરના પાસે વહેતા ઝરણાના પાણીમાં જે બીજા ખેતરો પાસેથી પણ વહી રહ્યું હતું અને જેના કાંઠે વસેલા દસ ઘરો, તથા હેન્ડ પંપ પર ઊડી રહી હતી.

ત્રણ દિવસ પછી, અમે નાગના ખેતર પર પાછા આવ્યા, અને તેમાં એક નાનું છોકરું પણ હતું જેની પાસે એક ગાય ચરતી હતી. અમે નાગને પૂછ્યું કે જો ગ્લાઇસોફેટ ગાયના મોઢામાં જશે તો? તેણે વિશ્વાસપૂર્વક કહ્યું: “કશું જ ના થાય. ત્રણ દીવસ થઈ ગયા. જો તે દવા છાંટી એ દિવસે ચરવા આવી હોત, તો તે બીમાર પડી જાત કે મરી જાત.”

અમે છોકરાને પૂછ્યું કે તને કેવી રીતે ખબર પડે કે કયા ખેતરમાં તાજી દવા છાંટેલી છે કે જેથી તારા જનાવરોને ત્યાં ચરવાથી રોકે? તેણે ખભા ઉપર ચઢાવીને કહ્યું, “ખેડૂતો અમને જણાવી દે જો તાજી દવા છાંટેલી હોય તો.” છોકરાના પિતાએ અમને કહ્યું કે પાસેના ગામમાં ગયા વર્ષે કેટલાક ઢોરો તાજી દવા છાંટેલા એક ખેતરમાં ચરતા હતા તો મરી ગયા હતા.

એ દિવસે નાગના ખેતરમાં રહેલી વધારાની વનસ્પતિ કરમાઈને બળી ગઈ હતી. હવે, ખેતર કપાસની ખેતી કરવા માટે તૈયાર હતું.

કવર ફોટો: મોહિની સાબરા, રાયગડના ગુનુપુર વિસ્તારની એક સઓરા આદિવાસી ભાડૂત ખેડૂત સ્ત્રી કહે છે કે, તેઓ થોડા વર્ષો પહેલાં અનાજ ઉગાડતા હતા, અત્યારે તેઓ માત્ર બીટી કપાસની જ ખેતી કરે છે.

PARIનો વાતાવરણના ફેરફારો વિષે રાષ્ટ્રીય અહેવાલો એકત્રિત કરવાનો આ પ્રયાસ સામાન્ય માણસોના આવાજમાં અને એમના જીવનના અનુભવોને લક્ષમાં રાખી નિરૂપવાની પહેલ કરવા બદલ અપાતી UNDPની સહાયનો ભાગ છે.

આ લેખ ફરી પ્રકાશિત કરવો છે? મહેરબાની કરીને સંપર્ક કરો: [email protected] અને  cc મોકલો: [email protected]

અનુવાદ: મહેદી હુસૈન

મેહદી હુસૈન અમદાવાદસ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિન ના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે.

Chitrangada Choudhury

ચિત્રાંગદા ચૌધરી એક ફ્રીલાન્સ પત્રકાર અને ગ્રામીણ ભારતના પીપલ્સ આર્કાઇવના મુખ્ય જૂથના સભ્ય છે.

Other stories by Chitrangada Choudhury

અનિકેત આગા એક માનવશાસ્ત્ર જ્ઞાતા છે. તેઓ અશોકા યુનિવર્સિટિ, સોનીપતમાં પર્યાવરણ અભ્યાસના અધ્યાપક છે.

Other stories by Aniket Aga