ઇન્દ્ર ફરી એકવાર ખાંડવવન પર મૂશળધાર વરસાદ વરસાવી, અગ્નિના ઈરાદાઓ પર ખરેખર પાણી ફેરવી રહ્યો હતો. અગ્નિ રાતોપીળો થતો ઇન્દ્રને હરાવવાની પેરવીમાં હતો. એમાં એને કોઈની મદદની જરૂર હતી.

અહીંયા ઈંદ્રપ્રસ્થમાં અર્જુન અને સુભદ્રાનાં લગ્ન લેવાઈ રહયાં હતા. રાજવી લગ્નપ્રસંગોને શોભે એવા ઠાઠ સાથે ઘણા લાંબા સમય સુધી ઉત્સવ ચાલ્યા કર્યો. વિધિઓ બાદ અર્જુન અને કૃષ્ણ પાસેના ખાંડવવનમાં એમની પત્નીઓ સાથે વિહાર કરવા નીકળ્યાં. એ સૌ વનમાં હતાં એ સમયે જ અગ્નિ બ્રાહ્મણનો વેશધારી પાસે આવ્યો. એણે કૃષ્ણ અને અર્જુન પાસે પોતાને માટે એક સંતોષકારક ભોજનની ભિક્ષા માગી. એણે ફરિયાદ કરી કે યજ્ઞોમાં બહુ ઘીનો પ્રસાદ ખાઈ ખાઈને  એ બીમાર થઇ ગયો છે. એને કંઈ લીલું ને તાજું ખાવું છે. આ વન.

"આ રાની પશુઓ અને વૃક્ષો ભર્યાં ખાંડવવનથી વધુ સારું બીજું તો શું હોઈ શકે?" એણે પૂછ્યું. "આ જ મને મારી ગુમાવેલી શક્તિ અને મારા યૌવનની તાકાત પાછી અપાવશે."

પણ ઇન્દ્ર તો ટાંપીને બેઠો હતો અગ્નિની બધી ચાલને માત કરવા. અગ્નિને મદદની જરૂર હતી. કૃષ્ણ અને અર્જુન જાણતા હતા કે એક બ્રાહ્મણને ખાલી હાથે પાછો તો ના જ મોકલાય. તેમણે મદદનું વચન આપ્યું.  અને અગ્નિએ વન સળગાવ્યું. મોટી આગની ભૂખી લપટો આગળ વધતી ગઈ. કૃષ્ણ અને અર્જુન વનનાં છેવાડે ઉભા - ભાગતાં પશુ પક્ષીઓને સંહારતાં, લડતા ઇન્દ્ર સાથે. ધરતી ને આકાશ એક સરખા રક્તરંગી થઇ ગયાં...

– મહાભારતના આદિપર્વમાં વર્ણવેલા ખાંડવવન દહનના પ્રકરણ પરથી

સાંભળો અંશુ માલવિયાનું પઠન

खाण्डव वन

ખાંડવવન ભડકે બળે છે, ધર્મરાજ!

વનમાંથી ઉઠતો ગાઢો, કાળો, ધૂમાડો
તમારા નાકની સુરંગોમાં થઈને
પહોંચી જાય છે ફેફસાંની ગુફાઓમાં
રાની પશુઓની માફક...

અંધારામાં ચમકે છે
અંગાર સમી આંખો
જીભ જકડાઈ જાય છે ભયથી
અને સૂકાઈ ગયેલી દ્રાક્ષના લૂમખાં જેવા ફેફસામાંથી
ટપક્યા કરે છે ઝેરી, કાળો રસ;

દેશ ગૂંગળાઈ રહ્યો છે, યોગીરાજ!

ખાંડવવન ભડભડ બળે છે!

નગરશેઠોના વિષયાસક્ત યજ્ઞોથી તૃપ્ત થતા
રાજાઓની કામુક આહુતિ ભૂખ્યા
આ હવસખોર
બ્રાહ્મણવેશધારી અગ્નિને
ઓક્સિજન જોઈએ છે
પોતાના યૌવનને ભડકાવવા
જોઈએ છે લીલા વૃક્ષોનું લોહી
જોઈએ છે પશુઓનાં શરીરની બળેલી ચામડીની ગંધ
એને જોઈએ છે બળતાં લાકડાંની
તડતડતી વેદના પાછળથી આવતી
માણસની ચીસ.

"તથાસ્તુઃ" કૃષ્ણ બોલ્યા

કામ થઇ જશે: અર્જુને મૂછ પર હાથ ફેરવ્યો
ને સળગી ઉઠ્યું ખાંડવવન…

ખાંડવવન ભડકે બળે છે, યોગેશ્વર!

ગૂંગળાય છે પશુ-પંખીઓ, ભાગે છે ચિત્કારતાં
એક એકને પગથી ઝાલીને
અગ્નિ પટકે છે ફરી પાછો
જ્વાળાઓની વચમાં;

ભીલ, કોલ, કિરાત, નાગ... તપસ્તવીઓ સૌ
એક ઢાંકણી ઓક્સિજન માટે છટપટતાં
ભાગે છે જંગલની બહાર –

ત્રાહિમામ!

ખાંડવવનના છેડે ઉભા છે કૃષ્ણ
મદિરાથી ચૂર આંખો

અર્જુન ફરજ પર છે
આગથી  ભાગતા લોકોને મોત ને ઘાટ ઉતારતો
પકડીને પાછા અગ્નિકુંડમાં નાખતો

અમને બસ ઓક્સિજન બક્ષી દો
મહાભારતના વિજેતાઓ
આ ભારત તમારું
આ મહાભારત તમારું
આ ધરતી, આ ધન – ધાન્ય
આ ધર્મ, આ નીતિ
ગત - આગત બધું તમારું
અમને માત્ર એક સિલિન્ડર આપી દો, મધુસુધન
આ ઓક્સિજન અગ્નિનું ભાણું નથી
આ અમારું જીવન છે.

તમે કહ્યું તું ને
અગ્નિ આત્મા ને બાળી શકતો નથી
પરંતુ આ વન અમારી આત્મા છે
અને એ હવે સળગી રહ્યું છે

ખાંડવવન ભળકે બળે છે, ગીતેશ્વર
ખાંડવવન એક વિશાલ ચિતાની જેમ
ધૂ- ધૂ કરતું સળગી રહ્યું છે.

શબ્દાવલી

આદિપર્વ: મહાભારતનું એ વાર્તા જેની ભૂમિકા કવિતા પહેલા બંધાઈ છે તે આદિપર્વના  214 થઈ 219માં પ્રકરણમાં આવે છે.

ધર્મરાજ: યુધિષ્ઠિર


અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

Poem and Text : Anshu Malviya

Anshu Malviya is a Hindi poet with three published collections of poems. He is based in Allahabad and is also a social and cultural activist, who works with the urban poor and informal sector workers, and on composite heritage.

Other stories by Anshu Malviya
Paintings : Antara Raman

Antara Raman is an illustrator and website designer with an interest in social processes and mythological imagery. A graduate of the Srishti Institute of Art, Design and Technology, Bengaluru, she believes that the world of storytelling and illustration are symbiotic.

Other stories by Antara Raman
Translator : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya