પાંચ દિવસ, ૨૦૦ કિલોમીટર, અને ૨૭,૦૦૦ રૂપિયા માં સમાઈ જાય છે મહારાષ્ટ્રના બીડ જિલ્લા ના રવિ બોબડેની રેમડેસીવીર ની બેબાકળી શોધ.
આ વર્ષે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એમના માં-બાપને કોવિડ-૧૯ના લક્ષણ દેખાવા લાગ્યા એટલે દોડધામની શરૂઆત થઇ. ૨૫ વર્ષીય રવિ, બીડના ‘હરકી નિમગાંવ’માં આવેલી તેમની સાત એકર જમીનમાં ચાલતા-ચાલતા યાદ કરે છે, “બંનેને ખુબજ ઉધરસ આવવા લાગી, શ્વાસ લેવામાં પણ તકલીફ પડી અને છાતીમાં દુઃખાવો શરૂ થઇ ગયો. આથી, હું એમને નજીકની એક હોસ્પિટલમાં લઇ ગયો.”
ડોકટરે તરત જ રેમડેસિવિર લખી દીધી. આ એન્ટીવાઈરલ દવાનો ઉપયોગ કોવિડ-૧૯ના ઈલાજમાં કરવામાં આવતો હતો અને બીડ જિલ્લામાં તેની તંગી હતી. રવિ કહે છે, “હું પાંચ દિવસો સુધી આમતેમ દોડતો રહ્યો. સમય પણ ઓછો હતો અને શું કરવું એ મને સમજાતું નહોતું. આથી મેં એક એમ્બ્યુલન્સ ભાડે લીધી અને મારા માં-બાપને સોલાપુરની એક હોસ્પિટલમાં દાખલ કર્યા.” રવિ આખી યાત્રા દરમિયાન ચિંતાતુર હતા. તેઓ કહે છે, “હું એમ્બ્યુલન્સમાં વિતાવેલા એ ચાર કલાક ક્યારેય ભૂલીશ નહીં.”
તેમના ૫૫ વર્ષીય પિતા અર્જુન અને ૪૮ વર્ષીય માં ગીતાને માંજલગાંવ તાલુકામાં આવેલા એમના ગામથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર સોલાપુર લઇ જવા માટે એમ્બ્યુલન્સ ચાલકે ૨૭,૦૦૦ રૂપિયા લીધા. રવિ કહે છે, “મારા એક દૂરના સંબંધી છે, જે સોલાપુરમાં ડોક્ટર છે. એમણે મને કહ્યું હતું કે તેઓ ઈન્જેકશનનો બંદોબસ્ત કરી દેશે. આ દવા મેળવવા માટે આખા બીડ જિલ્લામાં લોકો સંઘર્ષ કરી રહ્યા હતા.”
રેમડેસિવિર, જેને મૂળરૂપે ઇબોલાની સારવાર માટે વિકસાવવામાં આવી હતી, તે મહામારીના શરૂઆતના દિવસોમાં હોસ્પિટલમાં દાખલ કોવિડ-૧૯ સંક્રમિત દર્દીઓ પર અસરકારક જોવામાં આવી હતી. જો કે, નવેમ્બર ૨૦૨૦માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ રેમડેસિવિરનો ઉપયોગ કરવા સામે “ શરતી ભલામણ ” કરી હતી. ડબલ્યુ.એચ.ઓ. એ કહ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કોવિડ-૧૯ સંક્રમિત દર્દીઓની બિમારીની તીવ્રતા ગમે તેટલી હોય તો પણ આ દવા ઇમ્યુનિટી વધારવામાં કે અન્ય પરિણામોમાં અસરકારક સાબિત નથી.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મહારાષ્ટ્ર શાખાના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર અવિનાશ ભોંડવે કહે છે કે આ એન્ટીવાઈરલ દવા સારવાર માર્ગદર્શિકામાં શામેલ કરવામાં આવી નથી, પણ તેની ઉપર પ્રતિબંધ પણ નથી લગાવ્યો. તેઓ કહે છે, “રેમડેસિવિરનો ઉપયોગ પહેલા કોરોનાવાયરસ ઇન્ફેકશનની [SARS-CoV-1] સારવારમાં કરવામાં આવ્યો હતો, અને તે અસરકારક સાબિત થઇ હતી; આથી અમે નવા કોરોના વાયરસનું [SARS-CoV-2 or Covid-19] ભારતમાં સંક્રમણ ફેલાયું એટલે આનો ઉપયોગ કરવાનું શરુ કર્યું.”
આ દવાના એક કોર્સમાં પાંચ દિવસોમાં છ ઈન્જેકશન લેવામાં આવે છે. ડૉ. ભીંડવે સમજાવે છે, “જો [કોવિડ-૧૯] સંક્રમણના શરૂઆતના દિવસોમાં આનો ઉપયોગ કરવામાં આવે, તો રેમડેસિવિર શરીરમાં વાયરસના વિકાસને અટકાવે છે અને અસરકારક સાબિત થઇ શકે છે.”
જો કે, જ્યારે સંક્રમણ ફેલાવાનું શરુ થયું, ત્યારે તુમારશાહી અને દવાની તંગીના લીધે બીડમાં કોવિડ સંક્રમિત દર્દીઓને ભાગ્યેજ રેમડેસિવિર મળી શકી છે. જિલ્લામાં આ દવા રાજ્ય સરકાર અને પ્રિયા એજન્સી નામની એક ખાનગી સંસ્થામાંથી પૂરી પાડવામાં આવતી હતી. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી રાધાકૃષ્ણ પવાર કહે છે, “જ્યારે કોઈ ડોક્ટર રેમડેસિવિર લખે છે, તો દર્દીના સંબંધીઓએ એક ફોર્મ ભરીને જિલ્લા વહીવટીતંત્રને આપવું પડે છે. પુરવઠાના આધારે કચેરી એક યાદી બનાવે છે અને દર્દીઓને રેમડેસિવિર પૂરી પાડે છે. એપ્રિલ અને મે મહિનામાં આ દવાની તંગી હતી.”
બીડ જિલ્લાના મેજિસ્ટ્રેટ રવીન્દ્ર જગતાપ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, રેમડેસિવિરની માંગ અને પુરવઠામાં જમીન આસમાનનું અંતર હતું. ચાલુ વર્ષે ૨૩ એપ્રિલ અને ૧૨ મે વચ્ચે - જ્યારે કોવિડની બીજી લહેર ટોચ પર હતી - જિલ્લામાં ૩૮,૦૦૦ રેમડેસિવિર ઈન્જેકશનની જરૂર હતી. પણ, એમાંથી ૫,૭૨૦ ઇન્જેક્શન જ ઉપ્લબ્ધ કરવામાં આવ્યા હતા, જે કુલ માંગના ૧૫ ટકા જેટલું જ થાય છે.
રેમડેસિવિરની અછતને લીધે બીડમાં મોટા પાયે કાળાબજારી થવા લાગી. ઇન્જેક્શનની એક શીશીની કિંમત રાજ્ય સરકાર દ્વારા ૧,૪૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી હતી, પણ કાળાબજારમાં તે ૫૦,૦૦૦ રૂપિયે મળવા લાગી, મૂળ કિંમત કરતા ૩૫ ગણી વધારે.
બીડ તાલુકાના પંઢરિયાચીવાડી ગામમાં ચાર એકર જમીનના માલિક સુનીતા મગરે આ દવા આના કરતા થોડી ઓછી કિંમત ચૂકવીને ખરીદી હતી. જ્યારે એમના ૪૦ વર્ષીય પતિ ભરત એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં કોવિડ-૧૯થી સંક્રમિત થયા, તો સુનીતાએ એક શીશી ૨૫,૦૦૦ રૂપિયામાં ખરીદી હતી. પરંતુ, તેમને ૬ શીશીની જરૂર હતી અને કાયદેસર રીતે તેઓ એકજ શીશી મેળવી શક્યા હતા. તેઓ કહે છે, “મેં ફક્ત ઇન્જેક્શન પાછળ ૧.૨૫ લાખ ખર્ચી દીધા.”
જ્યારે ૩૭ વર્ષીય સુનીતાએ કચેરીમાં દવાની જરૂરીયાત વિશે જાણ કરી, તો એમને કહેવામાં આવ્યું કે દવા જ્યારે ઉપ્લબ્ધ થશે ત્યારે તેમને જાણ કરવામાં આવશે. તેઓ કહે છે, “અમે ૩-૪ દિવસ સુધી રાહ જોઈ, પણ ત્યાં સુધી દવા આવી નહીં. અમને લાંબા સમય સુધી રાહ જોવી પરવડે તેમ નહોતી. દર્દીને સમયસર સારવારની જરૂર હોય છે. આથી, અમારે જે કરવું જરૂરી હતું એ અમે કરી દીધું.”
રેમડેસિવિર શોધવામાં સમય બગાડ્યા અને પછી કાળાબજાર માંથી ખરીદ્યા પછી પણ ભરતનું બે અઠવાડિયા પછી હોસ્પિટલમાં નિધન થઇ ગયું. સુનીતા કહે છે, “મેં સંબંધીઓ અને મિત્રો પાસેથી ઉધાર પૈસા લીધા. તેમાંથી લગભગ ૧૦ જણે દસ-દસ હજાર રૂપિયા આપીને મારી મદદ કરી હતી. મેં પૈસા પણ ખોયા અને મારા પતિને પણ ખોયા. અમારા જેવા લોકોને દવા પણ નથી મળતી. જો તમે પૈસાવાળા હો અને પહોંચ સારી હોય તો જ તમે તમારા પ્રિયજનોને બચાવી શકો છો.”
બીડમાં રેમડેસિવિરની શોધમાં સુનીતાની જેમ ઘણા પરિવારો બરબાદ થઇ ગયા છે. સુનીતા કહે છે કે દેવું ચુકવવા માટે તેમણે લોકોના ખેતરોમાં કામ કરવા જવું પડશે. તેઓ આગળ ઉમેરે છે, “મારા દીકરાએ અભ્યાસની સાથે અને ખેતીમાં મારી મદદ પણ કરવી પડશે. એવું લાગે છે કે થોડાક જ દિવસોમાં અમારું જીવન પલટાઈ ગયું છે. મને શું કરવું એજ ખબર નથી પડતી. અહિં કામ વધારે મળતું નથી.”
બેરોજગારી અને ગરીબીના લીધે બીડના ખેડૂતો અને ખેતમજૂરો કામની શોધમાં શહેરો તરફ મોટી સંખ્યામાં સ્થળાંતર કરી રહ્યા છે. આ જિલ્લામાં અત્યારસુધી ૯૪,૦૦૦થી પણ વધારે કોવિડ કેસ અને ૨,૫૦૦ મોત નોંધાઈ છે. આ જિલ્લો મરાઠવાડા વિસ્તારમાં આવે છે જ્યાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે ખેડૂતો આપઘાત કરે છે. પહેલાથી જ હવામાનમાં પરિવર્તન, પાણીની તંગી, અને કૃષિ સંકટના લીધે દેવાથી ઝઝૂમી રહેલા આ જિલ્લાના લોકો કાળાબજારમાંથી રેમડેસિવિર ખરીદવા માટે પૈસા ઉધાર લેવા માટે મજબૂર છે અને દેવાના બોજમાં વધુને વધુ દબાઈ રહ્યા છે.
ડૉ. ભોંડવે કહે છે, “રેમડેસિવિરની કાળાબજારી રાજ્ય સરકારની દૂરંદેશીના અભાવનું પરિણામ છે. અમે બીજી લહેર વખતે કોવિડ-૧૯ના કેસોમાં વધારો જોઈ શકતા હતા. એપ્રિલમાં [રાજ્યમાં] દરરોજ લગભગ ૬૦,૦૦૦ નવા કેસો આવી રહ્યા હતા.”
ડૉ. ભોંડવે કહે છે કે સરેરાશ ૧૦ ટકા કોવિડ પોઝીટીવ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય છે. “એમાંથી ૫-૭% દર્દીઓને રેમડેસિવિરની જરૂર પડે. અધિકારીઓએ માંગનો અંદાજો લગાવીને આ દવાનો જથ્થો ભરવો જોઈતો હતો. જ્યારે બજારમાં કોઈ વસ્તુની અછત હોય ત્યારે કાળાબજારી થાય છે. તમે ક્યારેય કાળાબજારમાં ક્રોસીન વેચાતી નહીં જુઓ.”
સુનીતાએ એવું તો ન કીધું કે તેમને રેમડેસિવિરની શીશીઓ કોને આપી. તેઓ કહે છે: “તેમણે જરૂરતના સમયે મારી મદદ કરી હતી. હું તેમની સાથે વિશ્વાસઘાત નહીં કરું.”
મજલગાંવની એક ખાનગી હોસ્પિટલના એક ડોકટર નામ ન બતાવવાની શરતે એ તરફ ઈશારો કરે છે કે કાળાબજારમાં આ દવા કઈ રીતે પહોંચી હશે: “વહીવટીતંત્ર પાસે જે દર્દીઓએ ઇન્જેક્શન માંગ્યું હોય તેમની યાદી હોય છે. ઘણા કિસ્સાઓમાં, દવા આવવામાં એક અઠવાડિયા કરતા પણ વધારે સમય લાગી જાય છે. એ સમય દરમિયાન, દર્દી કાં તો સાજો થઇ જાય છે કાં તો તે મરી જાય છે. આથી તેમના સંબંધીઓ દવા વિશે પૂછવા નથી જતા. આ ઇન્જેક્શન ક્યાં જાય છે?”
જો કે, જિલ્લાના મેજિસ્ટ્રેટ જગતાપ કહે છે કે એમને બીડમાં આ દવાની મોટાપાયે થયેલી કાળાબજારી વિશે જાણકારી નથી.
બીડ શહેરના ‘દૈનિક કાર્યારંભ’ સમાચારપત્રના પત્રકાર બાલાજી મરગુડે કહે છે કે કાળાબજાર માંથી રેમડેસિવિર ખરીદનારા મોટા ભાગના લોકો રાજકીય ઓળખાણો દ્વારા મેળવે છે. તેઓ કહે છે, “બધી પાર્ટીના સ્થાનિક નેતાઓ અને તેમનાથી જોડાયેલા લોકોની આના સુધી પહોંચ હોય છે. મેં જે લોકો સાથે વાત કરી તેમાંથી લગભગ બધા લોકોએ આ જ વાત કરી હતી, પણ તેઓ આનાથી વધારે માહિતી નહોતા આપતા, કારણ કે તેમને બીક લાગતી હતી. લોકોએ ચૂકવી ન શકે તેટલા પૈસા ઉધાર લીધા છે. તેમણે પોતાની જમીન અને ઝવેરાત વેચી દીધા છે. રેમડેસિવિર મેળવવાની રાહ જોવામાં ઘણા દર્દીઓ મોતને ભેટી ગયા છે.”
ભોંડવે કહે છે કે રેમડેસિવિર, કોરોનાવાયરસ સંક્રમણના શરૂઆતના સમયમાં દર્દીના લોહીમાં ઓક્સિજનનું સ્તર ઘટે એ પહેલા અસરકારક હોય છે. “ભારતમાં ઘણા કિસ્સાઓમાં આ દવા અસરકારક ન નીવડવાનું કારણ એ છે કે અહિં લોકો ગંભીર રીતે બિમાર થયા પછી જ હોસ્પિટલમાં આવે છે.”
રવિ બોબડેના માં-બાપ સાથે પણ કદાચ આવું જ બન્યું હતું.
રેમડેસિવિરની અછતને લીધે બીડમાં મોટા પાયે કાળાબજારી થવા લાગી. ઇન્જેક્શનની એક શીશીની કિંમત રાજ્ય સરકાર દ્વારા ૧,૪૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી હતી, પણ કાળાબજારમાં તે ૫૦,૦૦૦ રૂપિયે મળવા લાગી
એમ્બ્યુલન્સમાં સોલાપુર હોસ્પિટલ પહોંચ્યા પછી, એક અઠવાડિયામાં અર્જુન અને ગીતા બોબડે બંનેનું નિધન થઇ ગયું. રવિ કહે છે, “ચાર કલાકની આ મુસાફરીએ એમની હાલત વધારે બગાડી દીધી હતી. રસ્તાઓ સારા નથી, એની અસર એમની હાલત પર પણ પડી હશે. પણ, મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મેં બીડમાં રેમડેસિવિર મેળવવા માટે પાંચ દિવસ રાહ જોઈ હતી.”
માં-બાપના નિધન પછી, રવિ હવે હરકી નિમગાંવમાં આવેલા તેમના ઘરમાં એકલા રહે છે. એમના મોટા ભાઈ જલીન્દર, ૧૨૦ કિલોમીટર દૂર જાલનામાં રહે છે અને ત્યાં જ કામ કરે છે. રવિ કહે છે, “મને અજુગતું લાગી રહ્યું છે. મારા મોટા ભાઈ આવશે અને થોડાક દિવસો સુધી મારી પાસે રહેશે, પણ તેઓ નોકરી કરે છે. આથી એમણે જાલના પાછા ફરવું પડશે અને મારે એકલા રહેવાની આદત પાડવી પડશે.”
રવિ ખેતરમાં એમના પિતાની મદદ કરે છે, જ્યાં તેઓ કપાસ, સોયાબીન, અને તુવેરની ખેતી કરતા હતા. ઘરમાં એમના બેડ ઉપર ટૂંટિયું વાળીને બેઠેલા રવિ કહે છે, “મોટાભાગનું કામ તેઓ જ કરતા હતા, હું તો ફક્ત એમની મદદ કરતો હતો.” એમની આંખોમાં કોઈ એવા વ્યક્તિની બેચેની નજર આવતી હતી જેના ખભા પર ખુબજ ટૂંકા સમયમાં વધારે જવાબદારી આવી પડી હોય. “મારા પિતા આગળ ચાલતા હતા અને હું તેમની પાછળ.”
ખેતરમાં અર્જુન એવા કામો કરતા હતા જેમાં કૌશલ્યની જરૂર હોય, જેમ કે વાવણી; જ્યારે રવિ એવા કામો કરતા હતા જેમાં મહેનત વધારે લાગે. પણ આ વર્ષે, જૂન મહિનાના મધ્યમાં વાવણીની સિઝનમાં, રવિએ એમના પિતાના ભાગનું કામ પણ જાતે કરવું પડ્યું. આ એમના માટે સિઝનની ડરામણી શરૂઆત હતી - એમની પાસે હવે કોઈ રસ્તો ચિંધનાર નથી.
પાછળ ફરીને જોતા લાગે છે કે પાંચ દિવસ, ૨૦૦ કિલોમીટર, અને ૨૭,૦૦૦ રૂપિયા ખર્ચ્યા પછી પણ રવિએ રેમડેસિવિર મેળવવાની દોડધામમાં શું ખોયું તેનો અંદાજો લગાવી શકાય તેમ નથી.
અનુવાદક: ફૈઝ મોહંમદ